Telegram Web
સુનામી:જે લોકો તમને માથે ચડાવે છે, એ લોકોને માથેથી નીચે ઉતારવાનો પણ અધિકાર છે!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/people-who-put-you-up-have-the-right-to-put-you-down-133291071.html

કો એના વિશે ખૂબ બોલ્યા. કોઇએ એને સ્વાર્થી કહ્યો તો કોઇએ કહ્યું કે આ માણસમાં ખેલદિલી જેવું કંઇ છે જ નહીં...કોઇએ એની તસવીરને સાપ સાથે મૂકીને લખ્યું કે વિવિધ પ્રકારનાં સાપ...તો કોઇએ એને દેશદ્રોહી પણ કહ્યો! રોહિત શર્માને હટાવીને એને કેપ્ટન બનાવાયો ત્યારે લોકોએ એના નામે ખૂબ માછલા ધોયેલા. એની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ત્યારે લોકોએ જજમેન્ટ આપ્યું અમે તો કહેતા જ હતા કે એને કેપ્ટન બનાવાય જ નહીં! એ ન તો સરખી બેટિંગ કરી શક્યો અને ન તો બોલિંગ. એનું પરફોર્મન્સ નબળું પડતું ગયું. એના નબળાં પડી રહેલા પરફોર્મન્સને લોકોએ એની અંગત જિંદગી સાથે જોડી દીધું. હવે એની પ્રોફેશનલ કેરિયરની સાથે-સાથે અંગત જિંદગી વિશે પણ ચર્ચા થવા માંડી. એના ડિવોર્સ, એની પાસે મંગાયેલી એલીમની વગેરે વગેરે વિશે બેફામ લખાયું. કલકત્તા પોલીસે તો પોતાના એક કેમ્પેનમાં હાર્દિક પંડ્યાનાં ફોટોગ્રાફ નીચે ‘ધોખા’ એવું પણ લખી નાખ્યું. આખું સોશિયલ મીડિયા એના પર હસી રહ્યું હતું. ઘણાં લોકો એની મજાક બનાવી પોતાનું ડોપામાઇન વધારી રહ્યા હતા અને એ? એ બધું સાંભળતો રહ્યો...બધું વાંચતો રહ્યો.
એ કશું જ બોલ્યો નહીં. એને પણ દુ:ખ થયું હશે. એ પણ ડિસ્ટર્બ તો થયો જ હશે. આત્મવિશ્વાસ પણ ડગ્યો હશે. પહેલાંની જેમ રમી શકાશે કે કેમ? એવા સવાલો એને પણ થયા જ હશે! ત્રણ-ચાર મહિના પહેલાં એક પત્રકારે હાર્દિકને પૂછેલું તમારે તમારા ટ્રોલિંગ વિશે કંઇ કહેવું છે? અને એણે ડોકું ધુણાવી ઘસીને ના પાડી દીધેલી. એ પછી એ ચૂપ જ રહ્યો. 29મીની રાત્રે એ બાર્બાડોસના ગ્રાઉન્ડ પર હાથમાં કાતર લઇને ઉતર્યો અને એ બધાની જીભ એકસામટી કાપી નાખી જે અનાપ-શનાબ બક્યા હતા.
આ આખા વર્લ્ડકપમાં એણે 150થી વધુની સ્ટ્રાઇક રેટથી 144 રન તો બનાવ્યા જ પણ 11 મહત્ત્વપૂર્ણ વિકેટ પણ લીધી. હવે ICCએ જાહેર કરેલા લેટેસ્ટ ટી20 ઓલરાઉન્ડરોનાં રેન્કિંગમાં એ વિશ્વનો પહેલા નંબરનો ખેલાડી બની ચૂક્યો છે. એણે ઇતિહાસ રચી દીધો છે. જે લોકોએ એને ટ્રોલ કરેલો એ બધા જ હવે એને હિરો બનાવી રહ્યા છે અને એ હજી
પણ ચૂપ છે.
મારે ટ્રોલિંગ વિશે વાત નથી કરવી. પીઠ પાછળ કૂતરાં તો બહુ ભસે કે સફળતાના સૌ સાથી-નિષ્ફળતાના સાથી કોઇ નહીં...વગેરે વગેરે લિસ્સી વાતો પણ નથી કરવી. મારે બે મુદ્દાઓ પર વાત કરવી છે. એક છે હાર્દિકની જેમ કાન પર હાથ મૂકી હાથે કરીને બહેરા થઇ જવાની આવડત વિશે અને બે છે જે લોકો તમને માથે ચડાવે એ લોકોના તમને માથેથી નીચે ઉતારી દેવાના અધિકાર વિશે.
હાથે કરીને બહેરા થઇ જવાની આવી આવડત કેળવવા જેવી છે. એ આપણાં તો લાભાર્થે છે જ પણ સામેવાળાના લાભાર્થે પણ છે. જ્યારે તમે બધું સાંભળો છો અને છતાં નહીં સાંભળવાનો ડોળ કરો છો ત્યારે ફાયદો એ છે કે તમે ડાબી બાજુ પણ વળી શકો છો અને જમણી બાજુ પણ વળી શકો છો.
જ્યારે તમને ક્રિટિસાઇઝ કરવામાં આવી રહ્યા હોય, હથોડીઓ વડે તમારા આત્મવિશ્વાસને તોડાઇ રહ્યો હોય, તમારા ગુમાનમાં ટાંકણીઓ વડે લોકો કાણાં પાડી રહ્યા હોય ત્યારે એમાંથી સર્વાઇવ થવાનો સૌથી પહેલો અને સહેલો રસ્તો એક જ છે...હાથે કરીને બહેરા થઇ જવાનો. તમે કંઇ સાંભળતા જ ન હોવ ત્યારે બોલનારના શબ્દો પાણીમાં જતા રહે છે. બધું સાંભળવા છતાં તમે ન સાંભળવાનો ડોળ કરો ત્યારે બોલનારનો કોન્ફિડન્સ પાણીમાં જતો રહે. આપણે ડૂબી જવું એનાં કરતા આ રસ્તો સહેલો છે.
સોશિયલ મીડિયા પર તમારા વખાણ થાય એ તમને ગમતું હોય. તમારા નામે રીલો બને અને તમને શેર પાનો ચડી જતો હોય. તમે વાઇરલ થાઓ ત્યારે અરીસા સામે ઊભા રહી ફૂલા ન સમાતા હો... એક-એક કોમેન્ટ કોઇ એવોર્ડ જેવી લાગતી હોય, થેંક યુ ફોર 50K કે 500K ફોલોઅર્સની પોસ્ટો મૂકતા હો તો સોશિયલ મીડિયા પર થઇ રહેલા તમારા ક્રિટિસિઝમને તમારે સ્વીકારવું જોઇએ-સ્વીકારવું પડે. કારણ કે જે લોકો તમને માથે ચડાવે છે એ લોકો પાસે જ તમને માથેથી નીચે ઉતારવાનો અધિકાર પણ છે જ. એમને આ અધિકાર તમારે આપવો જ પડે.
હાર્દિક પંડ્યા પાસેથી આ વાત શીખવા જેવી છે. ધારત તો એ સોશિયલ મીડિયા પર બેફામ જવાબો લખી શક્યો હોત, અભદ્ર ભાષામાં જવાબો આપી પોતાની વાતને સાચી ઠેરવવાની કોશિશો કરી શક્યો હોત પણ ચૂપ રહેતા એને આવડતું હતું. એને ખબર હતી કે જે લોકોએ પહેલાં માથે ચડાવ્યો છે એ જ લોકો અત્યારે મિમ્સ બનાવી રહ્યા છે અને આ એ જ લોકો છે જે આવતીકાલે ફરી માથે પણ ચડાવવાના છે અને એટલે એણે ન તો એના ટ્રોલિંગ પર ફોકસ કર્યું, ન તો એના વિશે લખાતી કોમેન્ટસ વાંચ્યા કરી. લોકો એની અંગત જિંદગીમાં અંદર સુધી ઘૂસી ગયા તો પણ એણે ઝાઝા ખુલાસાઓ ના કર્યા.
ચાહકોએ પણ એક વાત સમજવા જેવી છે. તમે જેમના ફેન છો, જેમને ફોલો કરો છો એ બધું જ તમને ગમે એવું કરે એવું શક્ય નથી. એ તમારી ધારણા બહાર વર્તી જ શકે.
સોશિયલ મીડિયાનાં ટ્રોલર્સ વિવેક ચૂકી જતા હોય છે એ વાસ્તવિકતા છે પણ એમને વિવેક શીખવવાનો પ્રયાસ કરવા કરતાં આપણે બહેરાશ ઓઢી લેવી વધારે આસાન છે.
હાર્દિકે એ બહેરાશ ના ઓઢી હોત તો એની મોટાભાગની એનર્જી ટ્રોલર્સને જવાબ આપવામાં, ખુલાસાઓ કરવામાં, કોમેન્ટ્સ લખવામાં વેડફાઇ ગઇ હોત પણ એણે એ એનર્જી ભેગી કરી અને એનો ઉપયોગ મેદાનમાં કર્યો. એણે જબરજસ્ત કમબેક પ્લાન કર્યું, ફિટનેસ પર ફોકસ કર્યું અને ઇતિહાસ સર્જીને બતાવ્યો. જે લોકોએ એલફેલ લખેલું એમને વખાણ કરવા મજબૂર કર્યા.
તમારી પાસે બે રસ્તા છે...કાં તો તમે એમના લેવલ પર ઉતરી આવો. એમના જેવા થઇ એમની સાથે દલીલો કરો અને કાં તો બેઠાં-બેઠાં સાવ નિરપેક્ષતાથી ખેલ જોયા કરો...અને એક નવું ધમાકેદાર પરફોર્મન્સ પ્લાન કરો. મને લાગે છે કે બીજો રસ્તો વધારે સહેલો છે. તમે શું માનો છો?
રસથાળ:વરસાદી મોસમમાં ગરમાગરમ પકોડાનો સાથ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/accompaniment-of-hot-pakoras-in-rainy-season-133291270.html

ચટાકેદાર પનીર પકોડા સામગ્રી : લસણની ચટણી, ગ્રીન ચટણી, પનીર-200 ગ્રામ, પૌંઆ-અડધો કપ, ચણાનો લોટ-1 કપ, ચોખાનો લોટ-3 ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, સમારેલો કોથમીર-પા કપ, ખાવાનો સોડા-ચપટી, પાણી-જરૂર મુજબ, તેલ-તળવા માટે, ચાટ મસાલો-અડધી ચમચી, હળદર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ
રીત : પૌંઆને મિક્સરમાં ક્રશ કરી લો. પનીરને એકસરખા ચોરસ ટુકડામાં સમારી લો. તેની ઉપર લસણની અને ગ્રીન ચટણી લગાવી એકબીજા ઉપર મૂકી સેન્ડવિચ જેવું તૈયાર કરો. હવે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાઉડર, સમારેલી કોથમીર અને ખાવાનો સોડા મિક્સ કરી ખીરું તૈયાર કરી લો.
પનીરના ટુકડાને તેમાં ડીપ કરી ક્રશ પૌંઆમાં રગદોળીને ચારેય બાજુથી વ્યવસ્થિત કોટ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરીને મધ્યમ આંચ પર તળી લો. ચટાકેદાર પનીર પકોડાને સોસ અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસો. ઓનિયન ભાજી પકોડા
સામગ્રી : સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલી મેથી-1 કપ, સમારેલી પાલક-1 કપ, સમારેલી કોથમીર-અડધો કપ, સમારેલું બટાકું-1 નંગ, સમારેલાં લીલાં મરચાં-4 નંગ, ચણાનો લોટ-2 કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી, અજમો-પા ચમચી, ખાવાનો સોડા-અડધી ચમચી, તેલ-તળવા માટે
રીત : ડુંગળીને ઝીણી સમારી લો. બધી ભાજીને પાણીમાં પલાળી નિતારી લો. હવે બધી સામગ્રીને એક પહોળા વાસણમાં મિક્સ કરો. ખાવાનો સોડા અને જરૂર મુજબ પાણી રેડી ખીરું તૈયાર કરો. ગરમ તેલમાં નાના નાના પકોડા ઉતારો. તળેલાં લીલાં મરચાં, સમારેલી ડુંગળી અને કાઢી સાથે ઓનિયન ભાજી પકોડાનો સ્વાદ માણો. આલુ વેજ પકોડા ​​​​​​​સામગ્રી : બ્રેડ ક્રમ્બ્સ-1 કપ, કોર્નફ્લોર-4 ચમચી, બાફેલાં બટાકાં-2 નંગ, ડુંગળી-1 નંગ, ગાજર-1 નંગ, ટામેટું-1 નંગ, લીલાં મરચાં-2 નંગ, સમારેલી કોથમીર-અડધો કપ, છીણેલું આદું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-પા ચમચી, લીંબુનો રસ-1 ચમચી, ખાંડ-1 ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, તેલ-તળવા માટે
રીત : બાફેલાં બટાકાં, ડુંગળી અને ગાજરને છીણી લો. ટામેટાંને ઝીણું સમારી લો. હવે એક પહોળા વાસણમાં બધું શાક, લીલાં મરચાં, ટામેટાં, કોથમીર, છીણેલું આદું અને લીંબુનો રસ મિક્સ કરો. હવે તેમ બાકીની સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી રેડી ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. ગરમ તેલમાં નાનાં પકોડા પાડી લો.ક્રિસ્પી તળી લો. આ પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે. ક્રન્ચી વેજિટેબલનો સ્વાદ તેની મજામાં ઓર વધારો કરે છે. અજમા પકોડા સામગ્રી : ચણાનો લોટ-1 કપ, ચોખાનો લોટ-2 ચમચી, અજમાના પાન-12થી 15 નંગ, મીઠું-સ્વાદ મુજબ, હિંગ-ચપટી, હળદર-પા ચમચી, તેલ-તળવા માટે
રીત : સૌપ્રથમ અજમાના પાનને ધોઈ અને કોરા કરી લેવા. એક બાઉલમાં બધી સામગ્રી લઈ જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. હવે તેલ ગરમ થાય એટલે ખીરામાં 1 ચમચી ગરમ તેલ મિક્સ કરો. તેલ ગરમ થાય એટલે અજમાના પાન ખીરામાં બોળી બંને સાઈડ ક્રિસ્પી તળી લેવા. પકોડા ઉપર થોડું લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો છાંટો. અજમા પકોડાની મજા દહીં સાથે માણો. અજમાના પાન ભોજનને સ્વાદિષ્ટ બનાવવા સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પેટ ને લગતી સમસ્યા માટે તેના પણ ખૂબ ઉપયોગી છે. કોર્ન પકોડા
સામગ્રી : બાફેલા મકાઈદાણા-2 કપ, સમારેલા લીલાં મરચાં-4 નંગ, સમારેલાં કેપ્સિકમ-પા કપ, સમારેલી કોથમીર-પા કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-પા ચમચી, હિંગ-પા ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ચણાનો લોટ-દોઢ કપ, ચોખાનો લોટ-4 ચમચી, તેલ-તળવા માટે
રીત : એક બાઉલમાં મકાઈનાં દાણાં, કેપ્સિકમ, લીલું મરચું, સમારેલી કોથમીર, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો. કડાઈમાં તેલ ગરમ થાય એટલે ધીમી આંચે કોર્ન પકોડા તળી લો.ગરમાગરમ કોર્ન પકોડાને ફુદીના ચટણી સાથે પીરસો. ક્રિસ્પી ફ્લાવર પકોડા
સામગ્રી : ફ્લાવર-1 કપ, ચણાનો લોટ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, કોર્નફ્લોર-1 ચમચી, હિંગ-પા ચમચી, અજમો-ચપટી, મરી પાઉડર-પા ચમચી, તેલ-તળવા માટે
રીત : ફ્લાવરના મોટા ટુકડા કરી મીઠાંવાળા પાણીમાં થોડીવાર પલાળી રાખો. ત્યારબાદ તેને નિતારી એક કપડામાં લઈ કોરાં કરી લો. એક વાસણમાં ચણાનો લોટ, કોર્ન ફ્લોર અને ઉપર જણાવેલો મસાલો ઉમેરી જરૂર મુજબ પાણી રેડી ખીરું તૈયાર કરી લો. ફ્લાવરને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લો. ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.
ઈમિગ્રેશન:EB-1 વિઝાથી ગ્રીનકાર્ડ કોને મળી શકે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/who-can-get-a-green-card-with-an-eb-1-visa-133296136.html

રમેશ રાવલ સવાલ : હું પેથોલોજીસ્ટ ડોક્ટર છું અને મારી પત્ની એનેસ્થેટિસ્ટ છે. અમારાં બાળકો અમેરિકાના સિટીઝન છે. અમને બંનેને જાન્યુઆરી 2024માં ગ્રીનકાર્ડ મળેલ છે અને ગ્રીનકાર્ડ મળ્યા પછી અમે બંને અમેરિકા જઈને 20 માર્ચ, 2024માં ભારત પાછાં આવ્યાં છીએ. મારી પત્નીની માંદગીને લીધે તેમજ મારી બે મોટી
અપરિણીત બહેનોની એમ ફેમિલીની જવાબદારીને લીધે અમે અમેરિકામાં વધુ સમય રહેવા માગતા નથી, તો ગ્રીનકાર્ડ ચાલુ રાખવા માટે થોડા સમય અમેરિકામાં રહેવું જોઈએ કે રીટર્નિંગ વિઝા લેવા જોઈએ કે પછી ગ્રીનકાર્ડ પરત કરીને વિઝિટર વિઝા લેવા જોઈએ?- ડોક્ટર રોહિત ઓઝા, વડોદરા
જવાબ : તમારી વિગતો જોતા મારા અભિપ્રાય પ્રમાણે તમે ભારતમાં જ સારી રીતે સેટલ થયા હોવાથી અને ફેમિલીની જવાબદારી હોવાથી ગ્રીનકાર્ડ સરેન્ડર કરીને વિઝિટર વિઝા માટે પ્રયત્ન કરી શકાય અથવા જો ગ્રીનકાર્ડ ચાલુ રાખવું હોય તો અમેરિકામાં વધુ સમય માટે રોકાઈને ભારતમાં બે વર્ષ સુધી રહી શકાય તેવી પરમીટ લઈ શકાય. જો સિટીઝન થવું ના હોય તો 360 દિવસ ભારતમાં રહીને પાછાં અમેરિકા જઈ શકો છો.
સવાલ : મારા પુત્રને માસ્ટર્સ ડિગ્રી મળ્યા પછી હાલમાં તેના એમ્પ્લોયરે H-1B વિઝા માટે એપ્લાય કર્યું હતું અને લોટરીમાં તેનું સિલેક્શન થયું છે. તો હવે લોયર પિટિશન ફાઈલ કરે તો તેને H-1‌B વિઝા ચોક્કસ મળી શકે ખરા?
- અજણ કાનાણી, અમદાવાદ
જવાબ : ના, H-1B વિઝા ચોક્કસ એપ્રૂવલ થાય તેવું નથી. આ વિઝા એપ્રૂવ કરાવવા હોય તો જે તે કંપનીના એટર્નીએ કેટલાક ડોક્યુમેન્ટ્સ ફોર્મ સાથે અનેક બાબતોની રજૂઆત કરવી પડે. જો પિટિશન એપ્રૂવ થાય તો ઈન્ટરવ્યૂમાં સફળતા મળે તો જ વિઝા મળે. આ બધું કામ કંપની દ્વારા કરાય છે.
સવાલ : હું કેનેડિયન ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ છું. હું અમેરિકામાં કામ કરી શકું? શું મને ગ્રીનકાર્ડ મળે?- જીન્કલ પટેલ, અમદાવાદ
જવાબ : ના. તમે અમેરિકામાં સીધેસીધા કામ કરી શકો નહીં કે ગ્રીનકાર્ડ મળે નહીં. અમેરિકામાં કામ કરવા તમને કોઈ કંપનીએ જોબ આપવી પડે. ત્યાર પછી જોબ મળી હોય અને લોટરીમાં તમારો નંબર લાગે પછી જ ગ્રીનકાર્ડ માટે
એપ્લાય કરી શકાય. જો તમારા બ્લડ રીલેટિવ અમેરિકાના સિટીઝન હોય અથવા અમેરિકન સિટીઝન છોકરી સાથે લગ્ન થાય તો ગ્રીનકાર્ડ મળી શકે. તે સિવાય બીજા વિકલ્પ છે.
સવાલ : હું હાલમાં. બી.ઈ. સિવિલ એન્જિનિયરિંગમાં ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું. મારે માસ્ટર્સ ડિગ્રી કરવા માટે જવું હોય તો કઈ યુનિવર્સિટીઝ TOEFL-IELTS કે GRE અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પ્રીફર કરે છે અને કેટલા બેન્ડ/માર્ક્સ જોઈએ? માસ્ટર્સ માટે ઓસ્ટ્રેલિયા અથવા અમેરિકા કયા કન્ટ્રીમાં જવાય?
- ખુશી ભટ્ટ, ભાવનગર
જવાબ : માસ્ટર્સ માટે અમેરિકામાં સ્ટડી કરવો હિતાવહ છે. જ્યારે તેમાં સ્ટુડન્ટ વિઝા મળવા માટે અહીંના ગ્રેજ્યુએશનના સારા માર્ક્સ આવવા જોઈએ. વિઝા સહેલાઈથી મળવા મુશ્કેલ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની જે યુનિવર્સિટી GRE વગેરેનો આગ્રહ રાખે કે પરીક્ષા બહુ સારા બેન્ડ/માર્ક્સ સાથે પાસ કરવી જોઈએ એ દરેક યુનિવર્સિટીની પરીક્ષાની પસંદગી અલગ અલગ હોય છે. બંને દેશના સ્ટુડન્ટ વિઝા માટે ઈન્ટરવ્યૂમાં પૂછાતા સવાલ-જવાબ તથા ડોક્યુમેન્ટેશનની પૂરેપૂરી તૈયારી કરવી જોઈએ.
સવાલ : અમેરિકાના EB-5 વિઝા લેવા માટે મુખ્ય કઈ શરતો છે?
- જયંતીભાઈ પટેલ, અમદાવાદ
જવાબ : આ વિઝા ઈન્વેસ્ટર્સ વિઝા છે, જેના દ્વારા ફેમિલીને ગ્રીનકાર્ડ મળી શકે છે. આ વિઝા માટે કાયદેસરના 8 લાખ ડોલર્સ અમેરિકામાં રોકવા પડે, જેમાં અમેરિકાની 10 વ્યક્તિઓને જોબ આપવી પડે. આ બાબતમાં તેની પિટિશન અમેરિકામાંથી જ તેના એક્સપર્ટ એટર્ની દ્વારા ફાઈલ કરવી પડે, જેમાં ઘણું પેપરવર્ક, ડોક્યુમેન્ટ્સ તથા પરફેક્ટ ફાઈલિંગ થવું જરૂરી છે.
સવાલ : F-1 વિઝાની રીફ્યુઝલ ડેઈટ ક્યારે ખુલશે?- કૃણાલ રાવલ, અમદાવાદ
જવાબ : F-1 વિઝાની રીફ્યુઝલ ડેઈટ હોય નહીં. તમે તે કેટેગરી ક્યારે ખુલશે તેવું પૂછવા માગતા હો તેવું લાગે છે. F-1 વિઝા ફેમિલી બેઈઝ વિઝા છે તેમજ તે સ્ટુડન્ટ વિઝા પણ છે. તેની સાથે પૂરી માહિતી જેવી કે કઈ કેટેગરી છે, ફાઈલ ડેઈટ અને એપ્રૂવલ ડેઈટ કઈ છે વગેરે પૂરી માહિતી આપશો પછી જ અભિપ્રાય આપી શકાય. જો F-1 વિઝા અમેરિકાના સિટીઝન અપરિણીત પુત્ર કે પુત્રી માટે ફાઈલ કરેલા હોય તો હાલમાં પ્રાયોરિટી ડેઈટ સપ્ટેમ્બર 2019 ચાલે છે. જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે અલગ પ્રોસીજર છે.
સવાલ : EB-1 વિઝા કોને મળે અને શું તે ઈમિગ્રેશન વિઝા છે?
- મેહુલ પટેલ, મુંબઈ
જવાબ : આ વિઝા ઈમિગ્રેશન વિઝા છે, જેની લાયકાત અર્થાત્ ક્વોલિફિકેશન અને આ વિઝા કઈ-કઈ વ્યક્તિઓ માટે છે તે આ મુજબ છે: 1. Priority workers with extraordinary ability, 2. Outstanding researchers, 3. Professors, 4. Certain multinational executives and managers. ટૂંકમાં તમારી આવડત એકદમ બેસ્ટ અને શ્રેષ્ઠ હોય તેમજ તમારા ફીલ્ડમાં તમે એડવાન્સ ડિગ્રી સાથે Exceptional Ability એટલે કે એક અસાધારણ વ્યક્તિ હો તો ચોક્કસ એપ્લાય કરી જ શકાય. બીજું કે, જો પિટિશન મંજૂર થાય તો તમને ગ્રીનકાર્ડ મળવાની શક્યતા પણ છે જ. અને હા, પિટિશન કરનાર અમેરિકાના એમ્પ્લોયર હોવા જોઈએ કે કંપની હોવી ફરજીયાત છે.
સવાલ : મારા મામાએ 1990માં મારા મધર અને અમારા માટે પિટિશન ફાઈલ કરેલી, પરંતુ મારા મધરનું અચાનક અવસાન થયું છે. હવે જો હું વિઝિટર વિઝા માટે એપ્લાય કરું તો શું મારે ફોર્મમાં સગાં-સંબંધીનાં નામ જણાવવા જોઈએ કે પછી નામ ન જણાવું તો ચાલે?- કામેશ મહેતા, વડોદરા
જવાબ : હા, વિઝા ફોર્મમાં તમારા સગાં-સંબંધીનાં નામ તેમજ ઈમિગ્રેશન પિટિશન 1990ની બાબત પણ જણાવવી જ જોઈએ. આ ઉપરાંત મધરનું અવસાન થયું છે તે પણ જણાવવું જોઈએ.
સવાલ : મારો પુત્ર પાંચમા ધોરણમાં અમેરિકા વિઝિટર વિઝા ઉપર ગયો હતો. એ સમયે તેના ફોઈએ ગાર્ડિયનશિપ દ્વારા ગ્રીનકાર્ડ અપાવેલું. ત્યાર બાદ તે પાંચ વર્ષ ત્યાં જ રહ્યો અને 2022માં સિટીઝન થયો છે. તો તે પેરેન્ટ્સ માટે પિટિશન ફાઈલ
કરી શકે?- રમીલા પટેલ, અમદાવાદ
જવાબ : ગાર્ડિનયશિપની પ્રોસેસમાં તમે સંમતિ આપેલી કે નહીં તેમજ તે અંગેની કાર્યવાહી તથા તેમાં થયેલા ઓર્ડર જોયા પછી અભિપ્રાય આપી શકાય. જો હાલમાં તેની ઉંમર 21 વર્ષ ઉપર થઈ ગઈ હોય તો ત્યાંના ઈમિગ્રેશન લોયરની સલાહ લઈને પિટિશન ફાઈલ કરવી જોઈએ.
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)
ડૉક્ટરની ડાયરી:ચલતી ફિરતી હુઈ આંખો સે અઝાં દેખી હૈ,મૈંને જન્નત તો નહીં દેખી હૈ, માઁ દેખી હૈ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/chalti-firti-hui-ajhan-se-ajaan-dekhi-hai-mainne-jannat-to-nahi-dekhi-hai-maa-dekhi-hai-133296134.html

સાં જે વિદાય લીધી હતી અને રાતનું આગમન થયું હતું. બંગલામાં ચાર જીવ હાજર હતા. નેવું વર્ષનાં દાદીમા, અડસઠ વર્ષના એમના પુત્ર ડો. ભટ્ટ,
ડો. (મિસિસ) સુનિતા ભટ્ટ અને સાડા ચાર વર્ષનો પૌત્ર સ્પર્શ. ડો. ભટ્ટનો દીકરો અને વહુ પણ ડોક્ટર્સ. એ બંને પોતાનાં પ્રાઈવેટ ક્લિનિકમાં ગળાડૂબ વ્યસ્ત હતાં.
ડો. ભટ્ટ બંગલાના ફર્સ્ટ ફ્લોર પર આવેલા એમના ભક્તિખંડમાં મેડિટેશન માટે ગયા એ પછીની દસમી મિનિટે એમના કાનમાં પત્નીની ચીસનો અવાજ પડ્યો, ‘સાંભળો છો? જલદી નીચે આવો. બા પડી ગયાં...’
ડો. ભટ્ટ બનતી ત્વરાએ દાદરના પગથિયાં ઊતરીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. આ‌વી ઘટના બને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતા હડબડાટમાં બીજો અકસ્માત ન થઈ જાય. ગ્રેનાઈટના લપસણાં પગથિયાં ઉપરથી ગબડી પડાય તો એકસાથે બબ્બે ઈમરજન્સીઝ ઊભી થઈ જાય.
બાની હાલત ગંભીર હતી. બા જમીન પર લાશની જેમ પડ્યાં હતાં. કાનમાંથી લોહીની ધાર નીકળી રહી હતી. માથાની પાછળના ભાગમાં જોરદાર ચોટ વાગી હતી, ત્યાં ઝડપથી ફુગ્ગા જેવો ભાગ ઊપસી આવ્યો હતો જે ઝડપથી મોટો થતો જતો. ચામડીની નીચેની બ્લડ વેસલ તૂટી જવાના લીધે ત્યાં હેમરેજ થઈ રહ્યું હતું અને લોહીનો જમાવ થઈ રહ્યો હતો.
ડો. ભટ્ટે પૂછ્યું, ‘બા...! તમને મારો અવાજ સંભળાય છે?’ આ સાથે તેમની આંગળીઓ બાની પલ્સ ગણી રહી હતી. બાનો શ્વાસ ચાલતો હતો પણ બા કશી જ પ્રતિક્રિયા આપી રહ્યાં ન હતાં. બંને આંખો ખુલ્લી ફટાક હતી. પોપચાં સ્થિર હતાં. સંકેત સ્પષ્ટ હતો, બાને સિરિયસ હેડ ઈન્જરી થઈ હતી. ખોપરીની અંદર કેટલું નુકસાન થયું હશે એ કહેવું મુશ્કેલ હતું.
આવી સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું એ જાણવું ખૂબ અગત્યનું છે. સામાન્ય રીતે ઘરમાં કે ઘરની બહાર જ્યારે કોઈને એક્સિડેન્ટલ હેડ ઈન્જરી થાય છે ત્યારે માણસો તે વ્યક્તિને બેસાડવાની, એને પાણી પીવડાવવાની સૌથી મોટી, ગંભીર ભૂલ કરે છે.
ડો. ભટ્ટ પોતે ડોક્ટર હોવાથી આ વાત જાણતા હતા. તેમણે બાને જરા પણ ડિસ્ટર્બ કર્યા વગર જમીન પર સૂતેલાં જ રહેવા દીધાં. એમને ઉપાડીને સોફા પર કે પથારીમાં લેવાના પ્રયાસમાં બ્રેઈન ડેમેજ અથવા આંતરિક હેમરેજમાં વધારો થઈ શકે છે. પાણી પીવડાવવાનો તો વિચાર પણ ન કરાય.
બા પડી ગયાં એ પછીની દસ જ મિનિટમાં એ ત્રણેય આવી પહોંચ્યાં. સદનસીબે ત્યાં સુધીમાં બા ભાનમાં આવી ગયાં હતાં અને બોલવા લાગ્યાં હતાં. જોકે, બાને સમય અને સ્થિતિનું સાન-ભાન રહ્યું ન હતું. તેઓ વારંવાર પૂછી રહ્યાં હતાં, ‘મને અહીં કેમ સૂવાડી રાખી છે? તમે મને ક્યાં લઈ જઈ રહ્યાં છો? મને માથામાં બહુ દુ:ખાવો થાય છે.’
ઘટના પછીની પચાસમી મિનિટે બા અમદાવાદની ખૂબ સારી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના આઈ.સી.યુ.માં પહોંચી ગયાં હતાં. ડો. ભટ્ટના અંગત પ્રેમાળ સંબંધોના કારણે તે ઈન્સ્ટિટ્યૂટના તબીબો ખંતપૂર્વક સારવાર માટે હાજર થઈ ગયા હતા. યાંત્રિક ઉપકરણો, ઈન્ટ્રાવિનસ ફ્લ્યુઈડ્ઝ, મોનિટર્સ, સી.ટી. સ્કેનિંગ વગેરે ચાલતું રહ્યું. સી.ટી. સ્કેનનો રિપોર્ટ આવ્યો. ખોપરીમાં વાળ જેટલી બારીક તિરાડ હતી. ખોપરીની અંદર થોડુંક બ્લડ જમા થયું હતું, પણ એ એટલું વધારે ન હતું જે મગજ પર દબાણ કરે. જો બ્લડ કલેક્શન વધારે હોત તો બાની હાલત કથળી શકી હોત. એવી સ્થિતિમાં ખોપરીનું ઓપરેશન કરવું પડ્યું હોત.
હોશિયાર અને અનુભવી ન્યૂરોસર્જન ડો. પરિમલ ત્રિપાઠીએ કહ્યું, ‘બાને કોન્ઝર્વેટિવ સારવાર આપવાથી સારું થઈ જશે.’ ખરેખર એવું જ થયું. રાત ઉચાટ અને ઉજાગરા સાથે પૂરી થઈ. બીજા દિવસે સવારે બાને ફરીથી સી.ટી. સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યાં. બીજા રિપોર્ટમાં જાણવા મળ્યું કે વિતેલાં બાર કલાકમાં ખોપરીની અંદરનો રક્તસ્ત્રાવ જરા પણ વધ્યો નથી.
બાને પ્રવાહી લેવાની છૂટ આપવામાં આવી. થોડા કલાકો પછી એમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યાં. ત્રીજા દિવસે સવારે છત્રીસ કલાક પૂરા થયા ત્યારે બાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. સામાન્ય રીતે આવી અંગત કટોકટીમાં મિત્રોની હૂંફ સમગ્ર પરિવાર માટે જરૂરી બની જાય છે. ડોક્ટર મિત્રો ડો. ભટ્ટને હિંમત પૂરી પાડતાં રહ્યાં. એ બધાંએ સતત સક્રિય માર્ગદર્શન અને મદદ આપીને ડો. ભટ્ટને ટકાવી રાખ્યાં.
હજી આફતનો સિલસિલો સમાપ્ત થયો ન હતો. જે દિવસે બાને ઘરે લાવવામાં આવ્યાં તે જ દિવસે સાંજ સુધીમાં ત્રણ નવી મુસીબતો ત્રાટકી. નાકમાંથી ફ્રેશ બ્લડિંગ ચાલુ થયું, બે વાર વોમિટિંગ થઈ, રાત્રે દેહમાં ટાઢ ઉપડી. ચાર-પાંચ ધાબળા ઓઢાડ્યા પછી પણ ટાઢ શમી નહીં. ડો. ભટ્ટે બીજા ડોક્ટર મિત્રોની સલાહ માગી.
એન. એચ. એલ. મેડિકલ કોલેજના નિવૃત્ત ડીન સાહેબ ડો. પંકજભાઈ પટેલે વ્યવહારુ સલાહ આપી, ‘તમે બાને લઈને જ્યાં ગયા હતા એ ખૂબ સારી હોસ્પિટલ છે, પણ એ દૂર આવેલી છે. એસ. વી. પી. હોસ્પિટલનો ન્યૂરોસર્જરી વિભાગ સારો છે. તમામ આધુનિક મશીન્સ ઉપલબ્ધ છે. ન્યૂરોસર્જન ડો. તુષારભાઈ હોશિયાર છે. એમના વિભાગના રિસેડેન્ટ ડોક્ટર્સ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તમે બાને લઈને ત્યાં પહોંચો. હું ડો. તુષારભાઈને જાણ કરું છું.
ઈમરજન્સી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર્સ કેટલાયે ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. એમને જોવાથી ખ્યાલ આવે કે ડોક્ટરોની જિંદગી કેવી અઘરી છે! વિભાગના વડા ડો. ભાવેશભાઈ જરવાણી ખુદ આવીને બાની સારવાર અંગે સૂચનો આપી ગયા.
ફરીથી સી. ટી. સ્કેન, બ્લડ ટેસ્ટ્સ, સોનોગ્રાફી એ બધું થયું. બાને ધીમે ધીમે સારું થતું ગયું. સ્પેશિયલ રૂમમાં ચાર-પાંચ દિવસ રહ્યા પછી બા ખાતાં-પીતાં, વાતો કરતાં, થોડું હરતાં-ફરતાં થઈ ગયાં. મરવાની હાલતમાં ગયાં હતાં, જીવતી હાલતમાં ઘરે પાછાં આવ્યાં. આ બધો ખરો પ્રતાપ પેલો ‘ગોલ્ડન અવર’ સાચવી લેવાયો એનો જ ગણાય. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)
શીર્ષકપંક્તિ : મુનવ્વર રાણા
બુધવારની બપોરે:વાંદરાથી બચવાનો ઉપાય!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-solution-to-escape-from-monkeys-133296133.html

કૂ તરાં ઉપર...આઇ મીન, કૂતરાં વિશે આજ સુધી મેં 46 લેખો લખ્યા છે, પણ વાંદરા વિશે તો આ 23-મો લેખ જ છે. એનો અર્થ એવો નથી કે, હું કૂતરાંઓની વધુ નજીક છું. પણ ઓનેસ્ટલી, મને વાંદરાઓ જેટલી કૂતરાંઓની બીક નથી લાગતી. કૂતરાંઓ સાથે એવા કોઇ સામાજીક સંબંધો પણ નથી અને લાઇફમાં એકેય વાર હું કૂતરાંઓને એમના જેવો જ સામો જવાબ નથી આપી શક્યો, એ આપણી ખાનદાની.
તોય, ન્યાયની વાત કરું તો મને કૂતરાંની બીક નથી લાગતી, પણ વાંદરાનો તો ફોટો જોઇનેય શર્ટ ઢીલું થઇ જાય છે. એ ગમે ત્યારે ફોટામાંથી દાંત બહાર કાઢીને બચકું તોડી લેશે, એવો ભય લાગે છે.
આ મારી એકલાની ક્યાં કહાણી છે? આજકાલ ગુજરાત આખામાં વાંદરાઓનો ફફડાટ છે. એ પાછા એકલદોકલ નથી હોતા. ટોળામાં હોય છે ને એમાંનું કયું આપણી ઉપર કૂદકો મારશે ને ગાલે આ....મોટું બચકું તોડી લેશે, એ આપણી કુંડળીમાંય નથી હોતું. હવે તો આપણી સૉસાયટીમાં સામસામી બન્ને પાળો ઉપર, ગાર્ડન કે રસ્તા ઉપર ક્યાં ઊભા હોય છે, એની ખબર પડતી નથી અને જમ્પ સીધો આપણી ઉપર જ મારશે, એની તો સાત જન્મ સુધી ખબર પડતી નથી.
પ્રોબ્લેમ એ છે કે, આપણાથી વાંદરાને સામું બચકું ભરી શકાતું નથી. ભરીએ તો આપણા ને આપણાવાળા ખીજાય કે, ‘તમારે વાંદરા જેવા થવાની શી જરૂર હતી?’ એ 20-25 બેઠા હોય, એમાંથી કોણે આપણી ઉપર જમ્પ માર્યો, તે જાણો તોય શું કરી લેવાના છો? ‘યે ખતા કિસ કી થી? કૂતરું કરડે તો 14-ઈન્જેક્શન લેવાનાં હોય છે, પણ વાંદરા માટે તો ડૉક્ટરોય કહી શકતા નથી કે, આમાં કેટલા લેવાનાં હોય?
ઈન ફૅક્ટ, જે ઇલાકામાં વાંદરા બેઠા હોય ત્યાં ડાહ્યા માણસો જવાની હિંમત કરતા નથી, પણ ડાહ્યા માણસો બેઠા હોય ત્યાં વગર આમંત્રણે વાંદરાઓ બેશક પહોંચી જાય છે. અલબત્ત, આપણે હિંમત કરવી જ પડે એમ હોય તો પ્રભુ શ્રીરામનું નામ લેવું ઇષ્ટ છે, કારણ કે હનુમાનજીના આપણે ભક્ત હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વળી ઓળખાણ નીકળે!
આવો એક કિસ્સો બની ગયો, એની દર્દનાક કહાણી મારે રજૂ કરવી છે:
મારી સૉસાયટીના બે ગૅટ છે. બન્ને ઉપર આ લોકોની કાયમી જમાવટ! હું સોસાયટીની બહાર ઊભો છું. બન્ને બાજુ જઇ આવ્યો પણ જૂની અદાવત હોય એમ એક સામટા મારી સામે જોઇને ઘૂરકિયાં કરે. એ લોકો હટે કે ન હટે, મારું અંદર જવું નિહાયત જરૂરી હતું....અને એવું જરૂરી હોય તો પણ કાંઇ ગાલના ભોગે તો હિંમત ન કરાય ને? વાંદરા મારી નથી નાંખતા, પણ ગાલે આ....મોટો લચકો તોડી લે છે. જે ગાલો ઉપર સદીઓથી હકી અડી નથી, ત્યાં આ લોકો માટે રાજપાટ પાથરવા પડે! હકીની સલાહ યાદ આવી, ‘વાંદરાને બહુ વતાવવા નહિ!’ જવાબમાં મેં થૅન્ક્સ કીધું, તો કહે, ‘તમે શેના થૅન્ક્સ કહો છો....આ સલાહ મેં વાંદરાઓને આપી હતી!’
મેં ઝાંપાની બહાર ઊભા રહી નજીકના વાંદરા સાથે મારું અંતર ગણી જોયું. લગભગ 12 ફૂટ ને આઠ ઈંચ થતું હતું. (ભૂલચૂક લેવી દેવી!) સોસાયટીની બહાર જ સબ્જીવાળાની દુકાન છે, ત્યાંથી એક ડઝન કેળાં લીધાં. એક એક કેળું નાંખતો જઇને એક એક આઘું થતું જશે, એ આપણી ગણત્રી! મને કોઇ કહે છે, વાંદરાઓ આપણા પૂર્વજો હતા, ત્યારે દુ:ખી થઇ જઉં છું ને ઝનૂનમાં પહેલાં તો પૂર્વજોને આવડી ને આવડી જોખાવું છું. છતાં ઝાંપે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધરને યાદ કરીને એક કેળું પહેલાં વાંદરાને ધર્યું. એણે અજાયબ ઢબે પોતાના પગથી પોતાનો કાન ખણ્યો.
મને આમાં ડીસન્સી ન લાગી. તમે વાંદરા છો એટલે ગમે તે પગથી ગમે તે કાન ખંજવાળી શકો? અમારા તો કાન સુધી પગેય ન પહોંચે! જોકે, આ લોકોનું ફૂટવર્ક અદ્્ભુત હોય છે. એ પાછા એ જ પગથી આપણને લાફોય મારી જાય!
સ્વામી વિવેકાનંદે એમના પ્રવચનોમાં ‘સંયમ’ને ઘણું મહત્ત્વ આપ્યું હતું, તો હુંય આપું, એવું નક્કી કર્યું. આ લોકો ઉપર સામો ગુસ્સો નહિ કરવાનો! ઉપર બાલ્કનીમાંથી હકી બૂમો પાડતી હતી કે, ‘જલ્દી વિયા આવો...કોઇ દિ વાંઇદરા ભાયળા નથી?’ આ એણે મને કીધું હતું કે વાંદરાઓને, તેની એ વખતે ઝાઝી સમજ ન પડી. આમાં તો વાઇફ સામે, તમે વાંદરાથી ડરી ગયા છો, એવું જાહેર ન થવા દેવાય, એટલે મેં જવાબ આપ્યો, ‘આ લોકો આઘા ખસે પછી આવું ને?’
તો એણે સિક્સર મારી, ‘અરે તમેય સુઉં વાંઇદરાવેડાં કરો છો? ઇ લોકો નો હટે તો તમે હટી જાઓ...આ લોકો હારે આવી જીદું નો હોય!’
મારે તો નીચે ને ઉપર બન્ને સ્થળે ખતરો હતો. સોસાયટીવાળાઓય કેમ જાણે મદારી આવ્યો હોય એમ ફ્લૅટની બારીઓ ખોલી, બન્ને હાથ ટેકવીને તમાશો જોતા હતા. એમ નહિ કે મદદે આવીએ! હવે હું પૂરો ગભરાવા માંડ્યો હતો. કૂતરાં હોય તો ‘હઇડ-હઇડ’ કરાય, વાંદરાઓ માટે એવી કોઇ સંજ્ઞા જાણમાં નહોતી.
અચાનક મને કંઈક યાદ આવ્યું. બહાર પાર્ક કરેલી ગાડીમાંથી મેં લખેલું પુસ્તક ‘બુધવારની બપોરે’ હલાવી હલાવીને વાંદરાઓને બતાવ્યું. એ લોકો કાચી સેકંડમાં કૂદકા મારતાં મારતાં ભાગ્યા.....હું બચી ગયો!
....પછી મને સમજાયું, વાંદરા મારા લેખો નથી વાંચતા.....આઈ મીન, વાંદરાઓ જ મારા લેખો નથી વાંચતા....! સિક્સર
- મને એસી વગર ફાવતું નથી!
- ઓહ...મને ‘દેસી’ વગર ફાવતું નથી!
અસ્તિત્વની અટારીએથી:વાચક સાથેની સહયાત્રા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-journey-with-the-reader-133296131.html

ભાગ્યેશ જહા સા માન્ય રીતે આપણો જન્મદિવસ હોય એટલે આપણા જાણીતા મિત્રો મળે, શુભેચ્છાઓ આપે અને એમ કરીને આપણે ઉત્સવ જોઈએ, પણ દિવ્ય ભાસ્કર એક વર્તમાનપત્ર છે અને એની પોતાની રીત છે જન્મ દિવસ ઊજવવાની. અનેરો ઉત્સવ ઊજવાયો, મળ્યા ના હોઈએ પણ શબ્દથી જોડાયા હોઈએ એવા મિત્રો મળ્યા.
કેટલાક વાચકો જે લેખ વાંચીને માત્ર ફોન ઉપર મળતા હતા એ રૂબરૂ મળ્યા, એટલે કે જેમ ભાસ્કર એટલે કે સૂર્યનો પ્રકાશ આવે એટલે અંધારામાં પડેલા પદાર્થો પણ ચમકી ઊઠે એવી રીતે સંબંધોને એક નવો ઉજાસ મળ્યો. વાત કરું છું, દિવ્ય ભાસ્કર દ્વારા કટાર લેખકો અને વાચકો વચ્ચેના સંવાદસત્રની… અદ્્ભુત વ્યવસ્થા, દૃષ્ટિવંત આયોજન.
સંવાદમાં મઝા આવી, મળવાની અને દળવાની. ‘આવ્યા મળવા અને બેસાડ્યા દળવા’ એવો ઘાટ નહોતો. અમે દળવા જ આવ્યા હતા, કળવા આવ્યા હતા. મળવું તો નિમિત્ત હતું, વાત તો યાત્રાની હતી, જે ચાલુ જ છે, શરૂથી, પણ આ એક પડાવ હતો. હવે, થોડી ઊર્જા અને ઉત્સાહ, થોડો ભરોસો અને ભાગીદારી વધશે. બક્ષીબાબુ કહેતા, ‘વાચક, રાજ્જા હોય છે.’ પણ લોકતંત્રમાં સંવાદ અને સાથીપણાના ભાવથી રાજા સાથે જોડાવવાનું હોય છે. જેમ લેખક બદલાવવા તૈયાર હોય છે, એમ વાચકે પણ સજ્જતા કેળવવી પડે, પોતાને અપગ્રેડ કરવા પડે. તમે જેટલું સ્તર ઊંચાવશો એટલો આપણો વિકાસ થશે.
કોલમ લખવી એટલે શું? ક્યારેક કોઈ ચિંતનની કડી હાથમાં આવે તો એ વિસ્તરણ પામે છે. કોઈ દૂર દેશની મુલાકાત લીધી હોય અને એના દ્રશ્યને ભાવ સુધી પહોંચાડવાની ઈચ્છા થઈ આવે અને લખાય છે. કશુંક સાવ નવું વાંચ્યું હોય ત્યારે એમ થાય કે કોઈને કહીએ કે જુઓ તો ખરા દુનિયા કેવી સારી છે! ટેક્નોલોજીની કોઈ નવી શોધ છે એકદમ ઉત્તેજના થઈ હોય અને એને એમ થાય કે આપણી ભાષામાં ઢાળીએ તો કેવું? અને કશુંક લખાય. કોઈ કળી ફૂટે, અને બગીચાના વાતાવરણમાં મહેક પ્રસરી જાય ત્યારે એમ થાય કે આને શબ્દોમાં પરોવી શકાય.
સુગંધને શબ્દાવતાર મળે અને ભાવક એ શબ્દને પાછો સુગંધ બનાવે આનાથી વધારે કૃતકૃત્યતા કઈ હોઈ શકે! ક્યારેક સૂક્ષ્મ હાસ્ય પીરસવાની ઇચ્છા થઇ આવે. બનાવો એવા બને કે હસી કાઢવું જ એકમાત્ર ઉપાય હોય, ત્યારે મોકળાશથી લખી શકાય એવું વાયુમંડળ વિલસે ત્યારે મઝા અનેકગણી વધી જાય.
કોઇ ચિંતકે ઠીક જ કહ્યું છે, ‘The role of columnist is to provide a perspective, and not to advocate prophecy.’ કોલમમાં એક પ્રકારનું મેઘધનુષ્ય હોય છે, જેમાં સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ટેક્નોલોજી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજનીતિ, ઉત્ક્રાંતિવાદનું ચિંતન એક ચોક્કસ શૈલીમાં વહેતું હોય છે. એ વર્તમાનમાંથી ઇતિહાસ નીચોવી ભવિષ્યના ઇતિહાસકારોનાં ઓજારો માટે વપરાતી લલિત ધાતું છે.
કોલમ એટલે સાતસો શબ્દનો એક પત્ર સરનામું લખ્યા વગર મિત્રને પહોંચે, ભાવકને પહોંચે એવો પત્રોત્સવ. લેખકનો શબ્દ એક પ્રવેશોત્સવ પામે છે. ભાવકના મનમાં પહોંચે છે, ભાવકના ઘરમાં ચર્ચાય છે. આવક પણ એક નવો પ્રવેશોત્સવ અનુભવે છે. કારણ એનું મન સર્જક/લેખક સાથે યાત્રાએ નીકળે છે. શબ્દની મઝા એ છે કે ક્યારેક તો લેખકને અભિપ્રેત હોય એનાથી સાવ અલગ જ દિશામાં ભાવક ઉડાન કરતો હોય છે, ઊંડાણ પામતો હોય છે.
સવારનાં કોમળ કિરણો ‘કળશ’ લઇને ભાવકના હાથમાં મૂકે છે ત્યાંથી જ શતસહસ્ર શબ્દો અને વિચારોનો પ્રવેશોત્સવ પ્રારંભાય છે. તેની સાથે જ ફોનની ઘંટડીઓ રણકે છે, કોઇ સુદામા કોઈ શબ્દસમુહની ચર્ચા છેડે છે તો કોઇ ભાનુભાઇ સાહિત્યિક અર્થચ્છાયાઓને ઉઘાડે છે, તો કોઈ શબ્દની જાળીમાંથી જુએ છે. કોઇ એક મર્માળુ વાક્ય લખે. તો ક્યારેક મુંબઈથી સુંદર ટહુકો મળે ને મલકાતો ચહેરો ફોનમાં પણ અનુભવી શકો.
અંજારથી આવતો ફોન પણ શબ્દને મઝા કરાવે. વલ્લભવિદ્યાનગરથી પણ કેટલાંય લોકો જોડાય. તો જૂનાગઢથી કોઈકનો અવાજ ગગન ભેદીને આવે, અલિયાબાડાથી અર્થઘટનનું અજવાળું થાય તો અમદાવાદ તો આખું ઉભરાય…. યાદીનો તો અંત જ નથી, બુધવારના સૂરજ સાથે વાત કરવાની એટલી બધી મઝા આવે છે કે તાંબાના કળશ પર સૂરજનાં કિરણો એવો ચમકાટ અને ચમત્કાર લઈ આવે છે.
એક રીતે જોઇએ તો કળશ છલકાય છે ત્યારે ભાવકોનો એક અલગ સ્તરે પ્રવેશોત્સવ થાય છે. એ કોલમમાં ઉલ્લેખાયેલા કોઇ ચિંતકના વિચારવિશ્વમાં જઇ ચઢે છે. કોઇને ટેક્નોલોજીની ટેકરી પર ચઢીને ભવિષ્ય જોવાની મજા આવે છે. કોઈ વિદેશી સર્જકની શૈલી અને શબ્દનો સહવાસ મળે છે. કોઈને ઉપનિષદના ઋષિનો મંત્ર સંભળાય છે, તો કોઈને તંત્રના તાણાવાણા સમજાય છે.
એકાંતમાં જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે કોઈ એક વ્યક્તિ મનમાં હોય તો તે પોતાનો વાચક છે, મારી જ કવિતા ને પંક્તિમાં કહું તો,
આ પહેલો વરસાદ,
એનું પહેલું બિંદુ,
એનું પડવાનું પહેલું આ હાથમાં,
કેમ મને લાગ્યા કરે,
આખા એકાંતમાં,
કે ઊભું છે કોક મારી સાથમાં…
તો, આવો, સહયાત્રા કરીએ…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/dude-surely-there-used-to-be-a-town-here-133296129.html

ક લ્પના કરી જુઓ કે થોડા દાયકાઓ પછી કોઈ ટુરિસ્ટ મુંબઈના બાંદ્રા વિસ્તારના દરિયાકિનારે જાય ત્યારે કોઈ ગાઈડ તેને કહેતો હોય કે ‘અહીં થોડા દાયકાઓ અગાઉ વીતેલા સમયના સુપરસ્ટાર શાહરુખ ખાનનો મન્નત બંગલો હતો!’ અથવા તો 2100ના વર્ષમાં કોઈ ગાઈડ દક્ષિણ મુંબઈમાં કોઈ ટુરિસ્ટને કહેતો હોય કે ‘અહીં અગાઉ ચર્ચગેટ સ્ટેશન હતું!’ આ કલ્પના હોલિવૂડની કોઈ ફિલ્મની કથા જેવી લાગે છે, પણ થોડા દાયકાઓ પછી આ કલ્પના અત્યંત કડવી વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ જવાની છે!
તમે કદાચ યૂ ટ્યૂબ પર ક્યારેક એવા વિડીયોઝ જોયા હશે, જેમાં મુંબઈમાં જુહુના દરિયાકિનારાના ફૂડ સ્ટોલ્સમાં દરિયાનું પાણી ધસી આવતું હોય. આ તો માત્ર ટ્રેલર છે, સમુદ્રોનું પાણી જમીન પર કબજો જમાવશે એ પૂરું (અને ખોફનાક) પિક્ચર થોડા દાયકાઓ પછી જોવા મળશે. અત્યારે જુહુ બીચ પર જે સ્ટોલ્સ છે ત્યાં દરિયો ફરી વળ્યો હશે! 2050 જ સુધીમાં ભારતના જુદા જુદા વિસ્તારોમાં દરિયાકિનારે વસતા કરોડો માણસો ઘર કે જમીન વિહોણાં થઈ ગયા હશે!
થોડા દિવસો અગાઉ (જુલાઇ, 2024ના પ્રથમ સપ્તાહમાં) સમાચાર આવ્યા હતા કે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળસપાટી વિશ્વમાં સૌથી વધુ અને ભયજનક રીતે વધી રહી છે. વિશ્વના તમામ વિસ્તારોમાં સમુદ્રોની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે, પણ બાંગ્લાદેશના સમુદ્રની જળસપાટી પૃથ્વી પરના અન્ય દેશોના દરિયાકાંઠાઓની સરેરાશ કરતાં 60 ટકા વધારે ઝડપથી વધી રહી છે.
એને કારણે ઓછામાં ઓછા દસ લાખ રહેવાસીઓ વિસ્થાપિત થશે એવું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ચીનની સ્પેસ એજન્સી ચાયના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (સીએનએસએ) દ્વારા એકઠા કરાયેલા સેટેલાઈટ ડેટાના આધારે થયેલા સંશોધનમાં આ વાત બહાર આવી હતી.
આ ચોંકાવી દેનારી સ્થિતિ વિષે વૈજ્ઞાનિક સૈફુલ ઈસ્લામે સમાચાર સંસ્થાઓને કહ્યું હતું કે ‘છેલ્લા થોડા દાયકાઓમાં સમુદ્રની જળસપાટીમાં દુનિયાના અન્ય વિસ્તારોમાં પ્રતિ વર્ષ 3.7 મિલીમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશના દરિયાકાંઠાઓ વિશેના અમારા અભ્યાસમાં એ તારણ નીકળ્યું છે કે બાંગ્લાદેશના સમુદ્રકાંઠાઓ પર જળસપાટીમા પ્રતિ વર્ષ 4.5 મિલીમીટરથી લઈને 5.8 મિલીમીટર સુધીનો વધારો થઈ રહ્યો છે.’
બાંગ્લાદેશના પર્યાવરણ ખાતાના ડિરેક્ટર જનરલ અબ્દુલ હમીદે મે, 2024માં રિપોર્ટ આપ્યો હતો કે ‘અન્ય કેટલાક દેશો પણ બાંગ્લાદેશની જેમ ક્લાઈમેટ ચેન્જની લાંબા ગાળાની અસરોનો અનુભવ કરી રહ્યા છે (એ સંશોધનમાં એવો અંદાજ મૂકાયો છે કે તમામ એશિયન દેશોના સમુદ્રની જળસપાટીમાં થઈ રહેલી વૃદ્ધિ વૈશ્વિક સરેરાશથી 60 ટકા વધારે છે).
આ તો બાંગ્લાદેશની વાત છે એમ માનીને વાચકો આ મુદ્દો હળવાશથી ન લે એટલે જ લેખની શરૂઆત મુંબઈથી કરી. બાંગ્લાદેશ જેવું જ જોખમ આપણા દેશના દરિયાકાંઠા પર પણ તોળાઈ રહ્યું છે. બાંગ્લાદેશની જેમ જ ભારતના દરિયાકાંઠે રહેતા કરોડો લોકો પણ 2050 સુધીમાં વિસ્થાપિત થઈ જશે! 2050 સુધીમાં મુંબઈના દરિયાકિનારાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હશે એવી ચેતવણી અમેરિકાના ક્લાઈમેટ સેન્ટ્રલ ગ્રૂપ દ્વારા 2019માં અપાઈ હતી.
એ અભ્યાસમાં કહેવાયું હતું કે 2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. એને કારણે પૃથ્વીના તમામ દરિયાઈ વિસ્તારોમાં દરિયાની સપાટી ઉપર આવી જશે અને દરિયાઈ વિસ્તારોમાં રહેતા કરોડો લોકોએ એની કિંમત ચૂકવવી પડશે. માત્ર મુંબઈની જ વાત કરીએ તો 2050 સુધીમાં મુંબઈ અને આજુબાજુના વિસ્તારના એક કરોડ લોકોને દરિયાની સપાટી વધવાને કારણે અસર થશે એટલે કે તેમણે તેમનાં ઘરો છોડીને બીજે સ્થળાંતર કરી જવું પડશે!
ગુજરાતના વાચકોને કદાચ એમ થાય કે આપણા સુધી (દરિયાના) પાણીનો રેલો નહીં આવે તો આ જાણી લો: 2050 સુધીમાં ગુજરાત, કેરાલા, પશ્ચિમ બંગાળ સહિત જ્યાં દરિયાકિનારો છે એવાં બીજાં રાજ્યો પર પણ આવી આફત આવશે. આપણા દેશના કુલ 3 કરોડ, 60 લાખ નાગરિકોએ ઘરબાર વિહોણા બનવું પડશે (અત્યાર સુધી જે અભ્યાસ થયા એમાં એવું અનુમાન મૂકાયું હતું કે સમુદ્રની સપાટી વધવાને કારણે ભારતમાં 50 લાખ માણસોને અસર પહોંચશે. પરંતુ હવે એ જોખમ સાત ગણું વધી ગયું છે)!
ક્લાઇમેટ સેન્ટ્રલ ગ્રૂપના અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વની 30 કરોડ વ્યક્તિઓએ દરિયાનું તાપમાન વધવાની અસર ભોગવવી પડશે. એટલે કે તેમણે બેઘર બની જવું પડશે અને બીજે ક્યાંક રહેવા જવું પડશે!
વીસમી સદીની શરૂઆતથી એટલે કે 1901થી અત્યાર સુધીમાં સમુદ્રોની સપાટી બાર સેન્ટિમીટર જેટલી વધી છે. અને એમાંય 1993થી 2024 દરમિયાન આ સપાટી વધુ સ્તર પર ઊંચકાઈ છે. હવે એવો અંદાજ મૂકાઈ રહ્યો છે કે 2050 સુધીમાં આ સ્થિતિ અતિ ગંભીર બની જશે. અને એ ઉપરાંત પણ બીજી ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે.
સમુદ્રોની જળસપાટી વધવાનું કારણ કાર્બન ડાયોક્સાઈડનું બેફામ ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફાચ્છાદિત પર્વતો પીગળી રહ્યા છે, હિમશીલાઓ પીગળી રહી છે. એન્ટાર્કટિકામાંથી પણ બરફનું પાણીમાં રૂપાંતર થઈ રહ્યું છે. એને કારણે દરિયાની સપાટી વધવાને કારણે આપણા મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોની જેમ જાકાર્તા, શાંઘાઈ, વેનિસ, હ્યુસ્ટન, હેનોઈ સહિત વિશ્વનાં અનેક મોટાં શહેરો પર પણ અકલ્પ્ય અસર થશે.
આ અગાઉ ઓક્ટોબર, 2019માં અમેરિકાની ક્લાઈમેટ સેન્ટ્રલ એજન્સીએ એક અભ્યાસનાં તારણો જાહેર કર્યાં હતાં જે વિશ્વવિખ્યાત નેચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયાં હતાં. એ વિશે ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક રિપોર્ટ છપાયો હતો.
એ રિપોર્ટમાં કહેવાયું હતું કે જો કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં કાપ નહીં મૂકાય તો 2050 સુધીમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોના ઘણા વિસ્તારો પર પાણી ફરી વળશે. એ સ્ટડીમાં કહેવાયું હતું કે મુંબઈની જમીનનો ઘણો હિસ્સો 2050 સુધીમાં દરિયાનાં પાણી નીચે ડૂબી જાય એવો
ખતરો છે.
આપણે જે રીતે પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છીએ એનાં પરિણામો આપણી આવનારી પેઢીએ ચૂકવવા પડશે.
(શીર્ષક સૌજન્ય: સૌમ્ય જોશી)
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-should-the-united-nations-have-recalled-hansa-mehta-now-133298595.html

પ્રકાશ ન. શાહ વડોદરાના મહિલા સાંસ્કૃતિક સંગઠનને હંસા મહેતા વિશે ચર્ચાગોષ્ઠી યોજવાનું ગયે અઠવાડિયે સૂઝી રહ્યું તે જાણી સ્વાભાવિક જ આનંદ થયો. હજુ બે’ક અઠવાડિયાં પર જ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પ્રમુખીય સ્તરેથી એમનો વિશેષોલ્લેખ થયાનું ક્યાંક ખૂણેખાંચરે વાંચવાનું બન્યું ત્યારથી જ અંતરમનમાં એ વાતે અમળાટ હતો કે આપણે ગુજરાતીઓ એમને ક્યારે સંભારીશું.
યુનાઈટેડ નેશન્સે એમને કેમ સંભાર્યાં હશે એનો ખુલાસો આપું તે પહેલાં મહિલા સાંસ્કૃતિક સંગઠનને લગરીક મીઠો ઠપકો આપું? કાર્યક્રમની આગોતરી જાણ કરતા એણે હંસાબહેનને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર તરીકે કેમ ઓળખાવ્યાં? ભાઈ, એ પ્રથમ વાઈસ ચાન્સેલર (1949-1959) હતાં અને એમના કાર્યકાળમાં યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકાવા લાગી હતી જે એમની પ્રતિભા અને સંપર્કો જોતાં સહજ પણ હતું.
પાછાં યુએન પહોંચી જઈશું? આઝાદીના અરસામાં હંસા મહેતા ભારતના પ્રતિનિધિમંડળ પર ત્યાં હતાં, અને એમાં પણ માનવ અધિકારોને લગતી સમિતિ પર એલીનોર રુઝવેલ્ટ (અમેરિકી પ્રમુખ રુઝવેલ્ટનાં પત્ની) અને હંસાબહેન બેઉ સહ-ઉપપ્રમુખ હતાં.
એલીનોરના અધિકૃત ચરિત્રકારે યુએન ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ અંગેની એમની કામગીરીની ચર્ચા કરતા ખાસ નોંધ્યું છે કે મૃદુભાષી, કંઈક તનુકાય, સાડીએ સોહતાં હંસા મહેતાએ માનવ અધિકારને લગતા યુએન જાહેરનામામાં પહેલે જ ધડાકે, પહેલી જ કલમમાં શકવર્તી સંસ્કરણ માટે આગ્રહ રાખીને ઈતિહાસ સર્જ્યો હતો.
‘ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઈક્વલ’થી શરૂ થતી માંડણીમાં દરમ્યાન થઈ હંસાબહેને કહ્યું હતું કે ‘મેન’ શા સારુ, ‘હ્યુમન બીઇંગ્ઝ’ રાખો. એલીનોરનું અને બીજા કેટલાકનું કહેવું હતું કે ‘મેન’ સામાન્યપણે સ્ત્રીપુરુષ સૌને આવરી લેતા અર્થમાં સમજાતો પ્રયોગ છે. પણ હંસાબહેને આગ્રહપૂર્વક સમજાવ્યું કે ‘જેન્ડર જસ્ટિસ’નો નવ્ય અભિગમ હવે જૂના ઢાંચાની બહાર માવજત માંગે છે- માટે ‘ઓલ હ્યુમન બીઈંગ્ઝ.’
હવે ન્યૂયોર્કથી વળી વડોદરા, અને તે પણ પાછે પગલે. હંસાબહેન વડોદરાના દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી, ને મનુભાઈ વળી નંદશંકર મહેતાના પુત્ર. એટલે પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકરનાં એ પૌત્રી.
આમ જન્મતાં જ જાણે કે ઈતિહાસકન્યા. વડોદરાથી ફિલસૂફીમાં સ્નાતક થઈ એ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રના વિશેષ અભ્યાસ સારુ પહોંચ્યાં એય આજથી સો વરસ પહેલાંના ગુજરાતની દૃષ્ટિએ નાની શી વિશ્વઘટના સ્તો! લંડનવાસ દરમ્યાન સરોજિની નાયડુનો સંપર્ક એમને સફ્રેજેટ મુવમેન્ટ- મહિલા મતાધિકાર ચળવળ ભણી દોરી ગયો. ભણી ઊતર્યાં ને પાછાં ત્યારે રાષ્ટ્રીય ચળવળના માહોલમાં ગાંધીખેંચાણ દુર્નિવાર હતું.
આપણી ઈતિહાસકન્યાએ હવે પિકેટિંગમાં જોડાઈ જેલ-લાયકાત પણ હાંસલ કરી. 1937ના પ્રાંતિક સ્વરાજ વખતે મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ચૂંટાઈ એ પાર્લમેન્ટરી સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહ્યાં. અખિલ હિંદ મહિલા પરિષદ (ઓલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સ)ના સ્થાપકો પૈકી એક એવાં હંસાબહેને આગળ ચાલતાં એનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું અને મહિલા પરિષદને સ્વરાજની લડત સાથે સાંકળી નારીજાગૃતિનો એક નવો આયામ પ્રગટાવવામાં અગ્રભાગી રહ્યાં.
અને હા, દરમ્યાન એમણે લગ્ન પણ કર્યાં હતાં પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઝળકેલા ડો. જીવરાજ મહેતા સાથે. નાગરી નાતને વણિક પુત્ર સાથેનાં આ પ્રતિલોમ લગ્ન ક્યાંથી બહાલ હોય. કહ્યું, નાત બહાર મૂકીશું. ઈતિહાસકન્યાએ આસ્તે રહીને કહ્યું, મેં તો કે’દીના તમને મુક્ત કરેલા છે!
પ્રજાસત્તાક સ્વરાજ આગમચ જે બંધારણ સભા બની એના પંદર મહિલા સભ્યો પૈકી એક હંસાબહેન પણ હતાં. એમની બંધારણ સભા પરની કામગીરીમાં બે ધ્યાનાર્હ વાતો સામે આવે છે. એક તો એમણે સમાન કુટુંબ કાયદા-કોમન સિવિલ કોડનો આગ્રહ રાખેલો. સ્ત્રીપુરુષ સમાનતાના મુદ્દે, પછી તે વારસાની વાત હોય કે લગ્ન અગર ફારગતીની, કોઈ સામાજિક રૂઢિ કે કથિત ધરમ-મજહબ નહીં પણ સ્વતંત્ર વિચારને ધોરણે એ વાત હતી.
બંધારણમાં જેને માર્ગદર્શક સિદ્ધાંતો (ડાઈરેક્ટિવ પ્રિન્સિપલ્સ) કહેવામાં આવે છે તે ઘડવામાં, ખાસ તો તે અંગે શબ્દવિન્યાસમાં એમણે ઊંડો ને સક્રિય રસ લીધો હતો. આ સિદ્ધાંતો કાયદેસર બંધનકર્તા નથી એ સાચું, પણ તે ચોક્કસ માર્ગદર્શક છે જ છે, એ સંજોગોમાં એમાં મૂકાયેલા શબ્દોમાં દૃઢતા હોય તે માટેનો એમનો આગ્રહ હતો.
હજુ એક ઉલ્લેખ બંધારણ સભા વિશે. 15મી ઓગસ્ટે બંધારણ સભાને દેશની નારીશક્તિ વતી રાષ્ટ્રધ્વજ ભેટ ધરવાની જવાબદારી એમણે નભાવી હતી. સરોજિની નાયડુ કોઈ કારણસર પહોંચી શકે એમ નહોતાં એટલે એમણે આ દાયિત્વ એમને ભળાવ્યું હતું. ધ્વજ અર્પતી વેળાની એમની દિલબુલંદ રજૂઆત અને સુચેતા કૃપાલાનીના કંઠે વંદે માતરમ્, બેઉ પ્રસારભારતી આર્કાઈવ્ઝમાં સચવાયેલાં છે.
હંસાબહેનની નાનાવિધ લેખન કામગીરી વિશે વાત કર્યા વિના એમને સંભાર્યાં અધૂરું ગણાય. બાળકિશોર દૃષ્ટિએ વાત કરું તો ‘અરુણનું અદ્્ભુત સ્વપ્ન’ વાટે વિશ્વયાત્રા કે ‘બાવલાનાં પરાક્રમો’ એ ઈટાલિયન કથા (પિનાચિયો?)નું રૂપાંતર, વળી વાલ્મીકિ રામાયણના એકાધિક કાંડોથી માંડી શેક્સપીયરના નાટક ‘મર્ન્ટ ઓફ વેનિસ’નો અનુવાદ વગેરે એમને નામે જમે બોલે છે. એમના નાટ્યસંગ્રહ પણ પ્રકાશિત થયેલા છે. એમના એક નાટકમાં વિધુર પુરુષ માટે ગંગા સ્વરૂપની તરજ પર હિમાલય સ્વરૂપ જેવો (ગગનવિહારી મહેતાને સૂઝે એવો) પ્રયોગ આ લખતાં સાંભરે છે.
હવે એમના આ લખનારને થયેલ પરોક્ષ પરિચયની એક વાત, અમથી. જયપ્રકાશજીના આદેશ મુજબ 1977-78માં અમે લોકસમિતિ ઝુંબેશ સારુ અમરેલી પહોંચ્યા ત્યારે મળેલો એક શુભેચ્છા સંદેશ અને પ્રતીક ફાળો મુંબઈ બેઠાં હંસાબહેન મહેતાનો પણ હતો- સદ્્ગત પતિના મતદાર મંડળ સાથે એમણે એ રીતે સંબંધ જાળવી રાખ્યો હતો.
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ એક મજાની કોલમ ચલાવે છે- ‘ઓવરલુક્ડ.’ અમે એમને પૂર્વે ઓબિટ આપવાનું ચૂકી ગયાં હતાં, માટે ‘ઓવરલુક્ડ.’ ગયે પખવાડિયે એણે પણ હંસાબહેનને યાદ કર્યા છે.
અંદાઝે બયાં:હેલો-હાય! હાઉ આર યુ?સવાલ ના પૂછિયો કોઇ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/hello-hi-how-are-you-no-one-asked-the-question-133298599.html

ટાઈટલ્સ: અમુક સવાલના જવાબ સવાલ ના ચાલે. (છેલવાણી)
ઘણાં લોકો તો હાલતાં ચાલતાં પરીક્ષાપત્રો જેવાં હોય છે. જેવા સામે મળે કે તરત પૂછે, ‘કેમ છે? શું ચાલે છે? ઘરમાં બધાં મજામાંને? ધંધા-પાણી બરોબર ચાલે છે ને? કેમ સૂકાઇ ગયા છો? કોઇ ટેન્શન છે?’
આપણને થાય કે આ 6 સવાલમાંથી કોઈપણ 4ના જ જવાબ આપવાના કે બધા જ કમ્પલસરી છે? આ આઈ.આઈ.ટી. કે નીટની એન્ટ્રેન્સ એક્ઝામ જેટલી જ અઘરી પરીક્ષા છે. (જોકે નીટ પરીક્ષાની જેમ આમાંય પ્રશ્નપત્રો પહેલેથી ફૂટેલાં જ હોય છે!)
તુલસીદાસજી સદીઓ પહેલાં કહી ગયા છે: ‘તુલસી ઈસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, સબસે હંસ મિલ બોલીયે, નદી નાંવ સંજોગ’ પણ સહજ સવાલોના સંજોગોને કઇ રીતે હેન્ડલ કરવા એના કોઇ કોચિંગ ક્લાસ નથી હોતા. એમાંયે મિત્રો કે પરિચિતો જ્યારે અચાનક ભટકાઈ જાય, ત્યારે ફોર્મલ વાતો કઈ રીતે કરવી એ મહા-કસોટી છે.
ગુજરાતીમાં સરસ શબ્દ છે:‘ખબર-અંતર’ એમાં 'ખબર' પણ છે ને 'અંતર' પણ. 'ખબર' પૂછવાની વાત તો છે પણ જરા 'અંતર' રાખીને કે પછી બે જણ વચ્ચેનું અંતર દૂર કરીને?
ઘણીવાર ‘મજામાં છો?’ સવાલ સાંભળીને આપણે વિચારમાં પડી જઇએ કે ‘હાયલા! શું હું ખરેખર મજામાં છું? ખરેખર જીવનમાં બધું બરોબર છે?’
જોકે, પૂછનારને આપણા જવાબની જરાયે પડી નથી હોતી. એ માત્ર
એટલું જ કન્ફર્મ કરવા માગે છે કે ‘તું જીવે છે?’ અર્થાત્ આપણે ઉકલી તો નથી ગયા ને?
કદાચ આવનારા સમયમાં એવોય સમય આવશે કે કોઇ ખબર-અંતર પૂછે ત્યારે મોબાઇલ-ફોન પર રેકોર્ડ કરેલ જવાબ સંભળાવી દેવાશે: ‘હું મજામાં, ઘરે સૌ મજામાં, પાડોશીઓ મજામાં, આખી ગલી મજામાં, બીજું કાંઇ?’
પછી બની શકે કે સામેવાળો પણ એના ફોન પર સંભળાવશે: ‘સરસ! તો આવજો!’
ઇન્ટરવલ:
સવાલ યહ હૈ હવા આઇ કિસ ઇશારે પર?
ચિરાગ કિસકે બુઝે યે સવાલ થોડી હૈ? (નાદિમ નદીમ)
આપણને ફોર્મલ સવાલોના ફોર્મલ જવાબોનો કંટાળો આવે પણ ધારો કે આપણે કોઈકને અમસ્તું પૂછીએ: ‘મજામાં છો?’ ને ધારો કે એ દુ:ખભરી કથા વિસ્તારથી સંભળાવે કે-‘એકચ્યુઅલી, હું મજામાં નથી.
એકચ્યુઅલી એવું છે ને મને પેટમાં બળતરા થવાથી આંખે અંધારાં આવે છે તો..’ તો ત્યારે આપણને કહેવાનું મન થઇ શકે: ‘મજામાં તો હુંય નથી પણ મોડું થાય છે, નહીં તો હુંય કહેત કે- મને ફ્લૂ થયેલો ત્યારે ત્રણ દિવસ તાવને કારણે આંચકી આવતી ને હાથમાં દહીં હોય તો ધ્રૂજી-ધ્રૂજીને લસ્સી બની જતી!’
એવું નથી કે આપણને ‘હાઉ આર યુ?’ કહેનારની પડી નથી પણ સૂઝ નથી પડતી કે એને સાચું કહેવું કે ખોટું? અણધાર્યા સવાલોના એટેક, એકે-47 મશીનગન જેવા હોય છે. વળી તમે જો કોઇને પૂછો તો ઉલ્ટા પણ ફસાઇ શકો છો. જેમ કે- ‘શું ચાલે છે?’
‘કાલે જ નોકરી છૂટી ગઈ છે.’
‘ઓહ!' કહીને તમે ચૂપ. એની સદ્્ગત નોકરી પર બે મિનિટનું મૌન પરાણે પાળવું પડે, કારણ કે આપણી પાસે જવાબ નથી. પછી હિંમત કરીને નવેસરથી શરૂ કરો કે-‘બાકી બધું ઠીક? ફેમિલી મજામાં? '
‘ના રે, ઘરનાં બધાં હોસ્પિટલમાં છે. હવે તો અમારી ફેમિલી માટે ત્યાં એક સ્પે. વોર્ડ જ ખોલી આપવાનું નક્કી કર્યું છે! અમને તો હોસ્પિટલમાં 'ફેમિલી-મેમ્બરશિપ' પણ ઓફર થઇ છે!’
‘અરેરે..તમારી તબિયત તો સારી છે ને?'
‘મારેય હવે 4 અઠવાડિયાં જ બચ્યાં છે?’
‘ઓહ! અચાનક શું થયું? કોઇ ગંભીર બીમારી?’ તમે ચોંકી ઊઠો.
‘ના-ના, 4 અઠવાડિયાં કમ્પ્લીટ હેલ્થ ટેસ્ટ કરાવવાના બચ્યાં છે, એમ! જોઇએ હવે શું રિપોર્ટ આવે છે કારણ કે આજકાલ વાળ ખરવા માંડ્યાં છે ને નખ વધવા માંડ્યા છે!’ એમ એ કહે ત્યારે તમે સમજી જાવ છો કે આ માણસ કમસેકમ અડધો કલાક પોતાના અંગે-અંગના એક્સ-રે નહીં દેખાડે ત્યાં સુધી નહીં છોડે. કારણ? કારણ એટલું જ કે તમે એને 'કેમ છો?' પૂછ્યું.
ઘણા લોકો આવતાં-જતાં, હાલચાલ એમ પૂછે કે જેમ ટ્રેનમાં ફેરિયાઓ ‘સીંગ-ચણા… સીંગ-ચણા’ બોલીને પસાર થઇ જાય. એમના ‘હાઉ આર યુ?’માં માત્ર સાઉન્ડ હોય, સંવેદના નહીં. બીજી બાજુ, કોઇક આંખોમાં આંખો પરોવીને પૂછે, ‘એય..,'તું'-કેમ છે? મજામાં છોને?’
ફરક એ કે દિલથી પૂછનાર ‘તું કેમ છે?’માં ‘તું’ પર વિશેષ ભાર આપે છે. એને મન આ અખિલ બ્રહ્માંડમાં બીજા બધાં તેલ લેવા જાય પણ એને માત્ર ‘તું’માં, ‘તમારા’માં રસ છે.. અને એ ‘મજામાં છે-ને?’માં એ જે રીતે ‘ને’ ઉમેરે છે, એ ‘ને’માં એને ખરેખર ચિંતા છે.
એમના સવાલમાં વહાલ હોય છે. એમાં રેસ્ટોરન્ટના વોશ-બેસિનમાં લટકાવેલ નેપકીનને લૂછી નાખવા જેમ પૂછી નાખવાની રુટિન વાત નથી. જ્યારે ફોર્મલ લોકો- ‘તું કેમ છે?’માં ‘કેમ’ પર ભાર આપતા હોય છે.
એમને નવાઇ એની કે હજી તું મજામાં 'કેમ?’ એટલે ‘કઇ રીતે?’ રહી શકે છે! જાણે હજી ‘કેમ જીવી રહ્યા છે?’ એવું પૂછતા ના હોય. આવા લોકોના
સવાલમાં જ જવાબ છુપાયેલ હોય કે-‘તું મજામાં હોય કે ના હોય, મને શું?' જેમ 'મંગળ પર માણસ હોય કે ના હોય, મને શું? કોરિયામાં કોથમીર મળે કે ના મળે, મને શું?’
ખરેખર તો કોઇ અકારણ, કુશળ-મંગલ પૂછે એ આનંદની વાત છે...બાકી જ્યારે કોઇ પૂછવાનું જ બંધ કરશે ત્યારે દુનિયા એકલી-અટૂલી લાગશે. એન્ડ-ટાઇટલ્સ:
આદમ: તું કેમ છે?
ઇવ: થાય છે- 'કેમ છું?'
ક્રાઈમ ઝોન:ત્રણ-ત્રણ કમોત માટે ખરી જવાબદારી કોની?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/whose-real-responsibility-for-three-three-kamoth-133298602.html

આ કાશમાં તરતા આપણા સેંકડો કૃત્રિમ ઉપગ્રહ, મંગળના ગ્રહ સુધી પહોંચ, ચંદ્ર પર ઉતરાણ, મેટ્રો રેલવે, અંડરગ્રાઉન્ડ ટ્રેન અને... ન જાણે કેટલો વિકાસ સાધ્યો અને પ્રગતિ પણ કરી. વર્લ્ડ બેસ્ટ મલ્ટિનેશનલ કંપનીઓ પર ભારતીય દિમાગનું આધિપત્ય સર્વવિદિત છે, પરંતુ માનવતાના, સમજદારીના અને અનુકંપાના ગ્રાફ ઉપર આપણે કેટલું આગળ વધ્યાં, કેટલી પ્રગતિ કરી? ખરેખર આંતરિક-સંવેદનાત્મક વિકાસ સાધ્યો છે ખરો?
આ સવાલો પૂછે છે મહારાષ્ટ્રના નાશિકની ઘટના. નાશિક શહેરનું ઐતિહાસિક સાથે પૌરાણિક મહત્ત્વ પણ અનન્ય. ગોદાવરી નદીના કાંઠે વસેલું આ નગર ‘વાઈન કેપિટલ ઓફ ઈન્ડિયા’ છે. એક કુંભ મેળાનું સ્થળ છે. અહીં જ દશરથ-પુત્ર લક્ષ્મણે સુપર્ણખાનું નાક કાપ્યું હતું અને એના પરથી નામ મળ્યું નાશિક.
આવી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર ધરાવતા નાશિકના સિન્નર ફાટાના પિતૃછાયામાં રહેતાં રાજશ્રી નિવૃત્તિનાથ કૌતકરને 2024ની આઠમીએ સવારે 6.45 કલાકે વ્હોટ્સએપ પર એક મેસેજ અને વિડીયો મળ્યો. એનાથી રાજશ્રી એકદમ હચમચી ગયાં. એ બંને એકની એક દીકરી અશ્વિનીએ મોકલ્યા હતા. ભયંકર ગભરાટ વચ્ચે માંડ માંડ ચંપલ પહેરીને રાજશ્રી દોડ્યાં, અચાનક ઊભા રહી ગયાં. દીકરીને ફોન કર્યો, પણ ઘંટડી વાગતી રહી.
કાળજા પર ભીંસ અનુભવતાં રાજશ્રી માંડ માંડ દીકરીના સાસરિયે પહોંચ્યાં. ત્યાં ભયંકર ભીડ જોઈને તેમણે માંડ માંડ પૂછ્યું કે થયું છે શું? કોઈકે જવાબ આપ્યો કે તમારી દીકરી અને બંને દોહિત્રીને મેડિકલ કોલેજમાં ખસેડાયાં છે. ભયંકર ફિકરના ભાર વચ્ચે તેઓ માંડ માંડ મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યાં, તો માઠા સમાચાર મળ્યા: ત્રણેય હવે આ દુનિયામાં નથી.
આંખમાં ઓચિંતું આંસુનું માવઠું ધસી આવ્યું. પતિ અને દીકરા અનિકેતને ગુમાવી બેઠા બાદ અશ્વિની જ રાજશ્રી માટે સર્વસ્વ હતી. 2013માં અશ્વિનીનાં લગ્ન સ્વપ્નિલ રાજેશ નિકુંભ સાથે કરાવ્યા બાદ રાજશ્રીને થયું કે હાશ હવે નિરાંત, મારું અવતારકાર્ય ઓટાપાયું. અશ્વિની પતિ અને સાસરિયાં સાથે રહેવા માંડી.
શરૂ શરૂમાં બધું સરસ હતું, જાણે સુખ જ સુખ. પરંતુ થોડા દિવસોમાં એ સપનું મૃગજળ સાબિત થવા માંડ્યું. સ્વપ્નિલ પોત પ્રકાશવા માંડ્યો. નાનીઅમથી વાત પર મેણા મારવા અને હાથ ઉપાડવાનુંય શરૂ થઈ ગયું.
શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે 2015ની 27મી ડિસેમ્બરે અશ્વિનીએ પુત્રી-રત્નને જન્મ આપ્યો, નામ રખાયું આરાધ્યા. પરંતુ દીકરી આવી એ જાણે અશ્વિનીએ કરેલી મહાભયંકર ભૂલ હોય એવું વર્તન થવા માંડ્યું. માત્ર સ્વપ્નિલ જ નહીં, એનો ભાઈ તેજસ ઉર્ફે શંભુ, બહેન ચારુશીલા ઉર્ફે કિરણ અને મોટા સસરા સોમવંશી પણ અશ્વિનીને ત્રાસ આપવા માંડ્યા. એટલું જ નહીં, પિયરમાંથી પૈસા મગાવવાની ફરજ પડાવા માંડી. આમાં ક્યાંક ભૂલ કે વિલંબ થાય એટલે ધોલધપાટ શરૂ થઈ જાય. એક તો સાસરિયામાં પતિ સહિત કોઈનો સાથ નહીં અને ઉપરથી માસૂમને ઉછેરવાની જવાબદારી.
આટઆટલી પીડા હોવા છતાં માત્ર દીકરી સુખી થાય અને શાંતિથી જીવે એટલે રાજશ્રી સતત સ્વપ્નિલને રૂપિયા આપતી રહી. છૂટક-છૂટક રીતે રૂ. 6.5 લાખ આપી દીધા. આ દરમ્યાન અશ્વિનીને ગળામાં ગાંઠ થઈ તો ઓપરેશન માટે એના મામાએ 2.6 લાખ આપ્યા હતા. રાજશ્રી અને એના ભાઈને આશા હતી કે છાશવારની સ્વપ્નિલની માંગણી સંતોષવાથી દીકરી અશ્વિની સુખરૂપ જીવી શકશે.
પરંતુ એવું જરાય નહોતું. આ પતિદેવ તો ધર્મપત્નીનું મંગળસૂત્ર પણ નહોતો મૂકતો. એ મંગળસૂત્ર કઢાવીને વેચી નાંખે. એક-બે નહીં, પાંચ-છ વાર મંગળસૂત્ર વેચાયું અને દર વખતે એ રાજશ્રી જ કરાવી આપે. અને દીકરીના ચહેરા પર વેદના નહીં, સ્મિત જોવું હતું. પરંતુ જમાઈરાજા તો મંગળસૂત્ર પર મંગળસૂત્રની રોકડી કરીને રકમ પોતાની બહેનના હાથમાં મૂકતો હતો.
અધૂરામાં પૂરું, 2022ના જૂનમાં અશ્વિનીને ડિલિવરી આવી. ફરી લક્ષ્મીજી પધાર્યાં. નામકરણ થયું અગસ્ત્યા તરીકે. પણ એના ઈનામરૂપે અશ્વિની પર અત્યાચાર વધવા માંડ્યા. એક નાની બાળકી ઘોડિયામાં, બીજી ધાવણી બાળકી પોતાની પાસે છતાં અશ્વિની પર કોઈને ન દયા, ન રહેમ.
અશ્વિનીનાં આંસુ સુકાતાં નહોતાં. હવે પોતાની સાથે વ્હાલસોયી માસૂમ દીકરીઓની ચિંતાય કોરી ખાવા માંડી. 2024ની છઠ્ઠી મેએ અશ્વિની અને બંને બાળકીઓને મૂકીને ઘરનાં બધેબધાં સપ્તશૃંગીના દર્શને ગયાં અને જાણે કાળ ઘડીનું આગમન થયું.
અશ્વિનીએ દિલ પર પથ્થર મૂકીને માસૂમ બાળકીઓને વ્હાલથી એકવાર જોઈ લીધી. પછી બંનેને ઝેર પીવડાવી દીધું. આટલું પતાવ્યાં બાદ એ માંડ માંડ બિલ્ડિંગ ટેરેસ પર ગઈ અને ત્યાંથી ઝંપલાવી દીધું. ત્રણ-ત્રણ જીવનનો અકાળે કરુણ અંજામ.
રાજશ્રી કૌતકર હચમચી ગયાં. 45 વર્ષની ઉંમરમાં પતિ અને દીકરા બાદ દીકરી અને બબ્બે દોહિત્રીને ગુમાવી બેસવાનો આંચકો કેમનો સહન થાય? તેમની ફરિયાદને આધારે અશ્વિની, આરાધ્યા અને અગસ્ત્યાનાં મોત અંગે ફરિયાદ નોંધાવી. અશ્વિનીએ લખેલી સ્યુસાઈડ નોટે સાસરિયાંઓનો ભાંડો ફોડી નાંખ્યો હતો. આ સાથે તેણે આગ્રહ કર્યો કે અમારાં ત્રણેયની અંતિમવિધિ સાસરિયાં નહીં, પિયરિયાં જ કરે.
આ કરુણાંતિકા આપણા સમાજનો ગંદો અને કુરૂપ ચહેરો છે. આમાં પતિ અને સાસરિયાંનો વાંક ખરો જ પણ રાજશ્રીએ પૈસા આપતા રહેવાને બદલે દીકરીને ઘરે લાવીને દહેજ કે શારીરિક અત્યાચારની ફરિયાદ કરી દીધી હોત તો?
પરણેલી દીકરી માત્ર ને માત્ર સાસરે જ રહે અને ત્યાં જ સુખી થઈ શકે એવા મોહેંજોદડા યુગના વિચારોને હવે જડમૂળથી ઉખેડી ફેંકવાની જરૂર છે. રાજશ્રીજીને એ ન સૂઝ્યું તો યુવાન હોવાથી અશ્વિની પણ પિયરમાં જઈને કે અલગ રહીને સાસરિયાંને બોધપાઠ ભણાવી શકી હોત. અને તો આજે બે માસૂમ બાળકી અને એની મમ્મી હયાત હોત, હસતાં-રમતાં હોત.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-international-route-of-drugs-goes-from-kutch-to-europe-and-america-133299063.html

નવીન જોષી એ ક સમય હતો જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા ન્હોતા પડ્યા. દેશ આઝાદ ન્હોતો થયો ત્યારે વખતોવખત સિંધથી ધાડપાડુ-લુંટારા કચ્છમાં ઉતરતા અને આતંક મચાવી ભાગી જતા, કચ્છના ઇતિહાસમાં એવાં અનેક પ્રકરણો પૂરાયેલાં છે, જેમાં કચ્છનું શૌર્ય-બહાદુરી ઝળક્યાં હોય.
પછી આઝાદી મળી અને સિંધ પાકિસ્તાનમાં જતા કચ્છથી જમીન માર્ગે જોડાયેલું હોવા છતાં અલગ પડ્યું અને ધીમે ધીમે દાણચોરોનો એક ગુનાહિત યુગ શરૂ થયો, જે આગળ વધીને આર.ડી.એક્સ તથા એ. કે. 47 જેવાં શસ્ત્રો અને ઘૂસણખોરો સુધી પહોંચ્યો પછી એકાએક એ પણ કાયદાતળે દબાયું અને જાણે સ્પ્રિંગ દબાઇ હોય તેમ હવે ડ્રગ્સ રૂપી કાળાનાગે માથું ઊંચક્યું છે.
ભૂકંપ બાદ ઉછરેલી પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે ડ્રગ્સ પહેલાંના અનેક કાળા કારોબારના કચ્છને ડાઘ લાગેલા છે અને નશીલા પદાર્થોની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય ગેરકાયદે રૂટ પર કચ્છ ઊભું છે. જ્યાં વેપાર-ધંધા-કારોબાર વિકસ્યા હોય ત્યાં દાણચોરી દેખાય અર્થાત કચ્છ અને કચ્છીઓની હિંમત-સાહસ થકી દેશ-દેશાવરમાં ધંધા વિકસ્યા તેથી કચ્છનો દાણચોરી સાથેનો સંબંધ પણ દરિયાદેવ જેટલો જ નિકટનો રહ્યો છે.
આજની પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય પણ કચ્છ સરહદ સોના-ચાંદી-ઘડિયાળની દાણચોરી માટે સ્વર્ગ સમાન હતી. કચ્છીઓ દરિયાખેડૂ તો સદીઓથી છે જ પણ સાત સમુદ્ર પાર કરનારાઓ પૈકીની કોઇ પેઢીને સ્વાર્થ અને લાલચ લાગતા તેઓ માદરે વતન સાથે ગદ્ધારી કરતા અચકાતા નથી તેના પણ દાખલા મૌજૂદ છે.
એક વાત એવી પણ ચર્ચાય છે કે, જ્યારે 1975માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે દેશભરની જેલોમાં કેદીઓ વધી જતા કુખ્યાત ગુનેગારોને અભેદ-સુરક્ષિત મનાતી ભુજની ખાસ જેલમાં મૂકવામાં આવ્યા. અહીં જેલમાં ‘સોબત તેવી અસર’ વર્તાઇ અને કચ્છના કેટલાક કુખ્યાત ગુનેગારો અઠંગ ગુનેગારોના સંપર્કમાં આવતા કચ્છની સરહદેથી દાણચોરીના દ્વાર ખૂલ્યા. જે કડક પોલીસ અધિકારી કુલદીપ શર્મા તથા એવા અનેક જણ જેમના નામોથી પણ કચ્છ વાકેફ નથી એ સૌએ દાણચોરોને જેર કર્યા પણ જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રૂટ તૈયાર થઇ ગયો એ હજુ બંધ નથી થયો બલ્કે હાઇવે બની ગયો છે.
કચ્છની સરહદો-દાણચોરી અને જાકુબીના ધંધા પર અનેક પ્રકરણ લખનારા પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રીએ નોંધ્યું છે કે, જે તે વખતે આ ગુનેગારોનું આપસમાં મિલન થયું ત્યારે કચ્છનો વિશાળ દરિયાકિનારો, તેની નિર્જનતા અને પોલીસ સહિતના જવાબદાર તંત્રોની ઢીલાશ થકી નાના-મોટા દાણચોરોને મોકળું મેદાન મળ્યું અને આંતરરાષ્ટ્રીય દાણચોરો માટે કચ્છની નધણિયાતી સરહદ ‘બારુ બની ગઇ’.
દરમિયાન 1971ના પાકિસ્તાન સામે કચ્છ સરહદે યુદ્ધ ખેલાયું અને હારેલા ઘાયલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.એ ભારત સામે પ્રોક્ષી યુદ્ધ આરંભ્યું અને ચરસ, ગાંજો, હેરોઇન રણ વાટે ભારતમાં ઠાલવી પછી યુરોપ-અમેરિકા ભણી ધકેલી ખાસ્સો એવો નફો લેભાગુઓ લેવા મંડ્યા. 1980ના દાયકામાં ડ્રગ્સનો જે રૂટ પ્રસ્થાપિત થયો એ જ હાલ કાર્યાન્વિત હોય તેવું દરિયામાંથી કરોડોના હિસાબે તણાઇને આવતા ચરસના પેકેટ પરથી સમજી શકાય છે. હાલ ડ્રગ્સની જે સમસ્યાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી છે એ દરિયાકાંઠાથી જ શરૂ થાય છે.
કચ્છનો દરિયાકિનારો 406 કિ.મી. લાંબો છે, પશ્ચિમે અરબી સાગર અને દક્ષિણે કચ્છનો અખાત છે, કચ્છનો દરિયો મોટા ભાગે સીધા ઢાળવાળો હોવાથી મધદરિયે પેકેટ નાખવામાં આવે તો મોટા ભાગના તણાઇને કાંઠા પર આવી જાય છે.
કચ્છના દરિયાકિનારાને કોરીનાળથી પશ્ચિમના છેડા સુધી, કોટેશ્વરથી જખૌ સુધી, જખૌથી માંડવી સુધી અને માંડવીથી કંડલા બંદર સુધી ચાર ભાગમાં વિતરિત કરી શકાય. પશ્ચિમમાં છેક છેડે સિંધુ નદીનું મુખ એટલે ‘કોરીનાળ’ આ નદી ગુજરાતમાં લુપ્ત છે, આ કોરીનાળથી પશ્ચિમ દિશામાં ઉપર તરફ કાદવ-કીચડવાળો ભૂ ભાગ છે, જે ‘સિરક્રીક’ કહેવાય છે.
કચ્છ મુલક અન્ય કોઇની તુલનાએ અસામાન્ય અને એટલે જ ‘અઢી અખરા મૂલક’ તરીકે જાણીતો છે. અહીં દેશ-દુનિયામાં અઠંગ ગુનેગારોના પદચિહ્ન મળે કે પકડાય છે સાથો સાથ રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત લગભગ તમામે તમામ એજન્સીઓના રાષ્ટ્રપ્રેમી નરબંકાઓ પણ સાવ સામાન્ય માનવીની જેમ હરે ફરે છે. પોલીસ અને બી. એસ. એફ.ની કામગીરી અહીં નિર્ણાયક છે તો સરહદે ફેન્સિંગ બાદ પણ દરિયાવાટે નાપાક ગતિવિધિઓ અટકી નથી એ ડ્રગ્સનાં એક એક પકડાતા પેકેટ સાથે સાબિત થાય છે.
અહીં પગ પારખનારા પગી છે તો દુશ્મનને આશરો દેનારા પણ છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે ફટાકડા ફૂટવાના બંધ થયા છે. આમ તો પોલીસે કચ્છના દરિયાઇ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ પણ લાદ્યો છે, જેથી તણાઇને આવતા ડ્રગ્સનાં પેકેટ માટે કોઇ ત્યાં જાય નહીં પરંતુ આટઆટલા જાપ્તા વચ્ચે પણ ડ્રગ્સ ટ્રક વાટે જિલ્લા બહાર પગ કરી જાય અને પછી પકડાય એવું પણ બન્યું છે.
જિલ્લાની સરહદો પર જ્યાં સુધી સક્ષમ-સબળ વસવાટ નહીં હોય ત્યાં સુધી આવી ઉપાધીઓનો સામનો આપણે અને રાષ્ટ્રએ કરવો જ પડશે અને તેથી જ કહેવાય છે કે, સરહદનો નાગરિક પણ બબ્બે આંખ-કાન વધારાના રાખે તો જ રહી શકે.
2025/01/15 08:41:32
Back to Top
HTML Embed Code: