Telegram Web
કામ કળા:કોપર-ટીથી ગર્ભ રહે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/can-you-get-pregnant-with-copper-t-134540684.html

પ્રશ્ન : મારી ઉંમર 25 વર્ષની છે. મારા લગ્નને ત્રણ મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે સમાગમ વખતે યોનિપ્રવેશ બાદ માત્ર પાંચથી સાત સેકન્ડમાં જ મને સ્ખલન થઇ જાય છે. આ કારણે હું મારી પત્નીને પણ પૂરતો સંતોષ આપી શકતો નથી. તો શું આ સમયગાળો વધારી શકાય? હું શું કરું?
ઉકેલ: યાદ રાખો કે, લગ્નજીવનના શરૂઆતના પંદર-વીસ દિવસ સુધી ઘણા પુરુષોને શીઘ્ર સ્ખલનની તકલીફ થતી હોય છે. બીજું કે, લગ્નજીવનની શરૂઆતમાં અનુભવાતી આ તકલીફનું મુખ્ય કારણ વધારે પડતું એક્સાઇટમેન્ટ હોઇ શકે છે. એટલે ત્યારે તમને એવું લાગે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ આ એક્સાઇટમેન્ટ ઘટે છે. સાથે સાથે સમાગમ પણ નિયમિત સમયગાળામાં થતો હોય છે. એટલે આ શીઘ્ર સ્ખલનની તકલીફ કોઇ જ સારવાર વગર મટી જતી હોય છે, પણ કેટલાક પુરુષોને આ તકલીફ લગ્નના ઘણા મહિનાઓ સુધી ચાલુ રહે છે. આવા કિસ્સામાં સારવાર કરવી જરૂરી બને છે. બીજું કે, ડોક્ટરની સલાહ લઈને દવાનો ઉપયોગ કરીને સમાગમનો સમયગાળો તમે વધારી પણ શકો છો. એટલે કે આ સમયગાળો દસ-પંદર મિનિટનો પણ કરી શકાય છે. બસ, શીઘ્ર સ્ખલનની તકલીફ એની મેળે દૂર ના થાય તો ડોક્ટરનો અચૂક સંપર્ક કરવો જોઈએ.
સમસ્યા : હું 26 વર્ષનો યુવક છું. મારા લગ્ન એક વર્ષ પહેલાં થયાં. મારી પત્ની થોડી પાતળા બાંધાની છે અને હું જાડો છું. એ કારણે સમાગમમાં તકલીફ થાય છે. હું તેની સાથે આખી રાત સમાગમ કરું તોય એને સંતોષ મળતો નથી. તો શું આનું કારણ એ પાતળી અને હું જાડો છું એ હશે?
ઉકેલ : એક વાત યાદ રાખો કે, પાતળી સ્ત્રી અને જાડો પુરુષ અથવા તો જાડી સ્ત્રી અને પાતળો પુરુષ એકબીજાને સંતોષ આપી ન શકે એ માન્યતા છે. જો પત્નીને પતિ ઉપર હોય અને પોતે નીચે હોય એવી સ્થિતિમાં કદાચ એને વધારે વજન લાગતું હોય અને એટલે તે અકળામણ અનુભવતી હોય, તો તમે બીજા આસનોનો ઉપયોગ કરી શકો છો. આખી રાત સમાગમ કરવાથી સ્ત્રીને સંતોષ મળે તે જરૂરી નથી.
તમે કેટલીવાર સમાગમ કરો છો તે અગત્યનું નથી, પણ સમાગમ કેવી રીતે કરો છો તે વધારે મહત્ત્વનું છે. યાદ રાખો કે, જાતીય સંતોષ મળે તો જ સ્ત્રી ગર્ભવતી થાય તે જરાય જરૂરી નથી. જો બધું બરાબર હોય તો સ્ત્રી જાતીય ચરમસીમા વગર પણ ગર્ભધારણ કરી શકે છે અને છેલ્લી વાત સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે. તે ટચલી આંગળીથી બાળકના માથા જેટલો પહોળો થઇ શકે છે. કહેવાનો મતલબ કે સ્ત્રીનો યોનિમાર્ગ ગમે તેટલો સાંકડો હોવા છતાં પણ તેને ઇન્દ્રિય પ્રવેશ કરાવી શકે છે.
પ્રશ્ન : શું કોપર-ટી મૂકાવ્યા પછી ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય?
ઉકેલ : સામાન્ય રીતે જે સ્ત્રીને એકપણ બાળક ના હોય તેવી સ્ત્રીઓમાં ગર્ભાશયનું મુખ થોડું ટાઇટ હોય છે, એટલે કોપર-ટી મૂકતી વખતે સ્ત્રીને દુ:ખાવો થવાની શકયતા પણ વધુ રહે છે. આવી સ્ત્રીઓમાં ગર્ભાશયનો સોજો પણ આવી શકે છે. જેથી ભવિષ્યમાં બાળક રહેવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. જ્યારે એક બાળકને જન્મ આપી ચૂકેલી સ્ત્રીઓમાં આમ બનતું નથી. તેથી ડોક્ટર હંમેશાં માતા બની ચૂકેલી સ્ત્રીઓમાં જ કોપર-ટીની સલાહ આપે છે. જો માતા બની ચૂકેલી સ્ત્રીઓમાં કોપર-ટી કાઢી લેવામાં આવે તો બીજા જ મહિનાથી તે ફરીથી તે માતા બની શકે છે. આવી સ્ત્રીઓમાં સામાન્ય સંજોગોમાં કોપર-ટી કાઢ્યા પછી બાળક રહેવાની શક્યતામાં ઘટાડો થતો નથી.
આંતરમનના આટાપાટા:આત્મા અને માણસાઈ મરી ન પરવારે એ જોજો…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/see-that-the-soul-and-humanity-do-not-die-134540898.html

હ મણાં એક ટૂંકી વાર્તા વાંચવામાં આવી. લાગ્યું કે આમાં સારગ્રહણ કરવાલાયક બોધ છુપાઈને બેઠો છે એટલે લખવા બેઠો.
જાપાનની એક ઘટનાની આજુબાજુ વાર્તાનું કથાવસ્તુ ઘુમરાય છે. જાપાનમાં મકાનની દીવાલો લાકડાં અને ખાસ પ્રકારનાં પૂંઠા કે લેમિનેટેડ મટીરિયલમાંથી બને છે. એક માણસ પોતાના મકાનની જૂની દીવાલોનું સમારકામ કરતો હતો, જેના ભાગરૂપે એણે એક દીવાલ તોડી. જાપાનમાં ઘરની દીવાલો વચ્ચે પોલાણ હોય છે. એણે જેવું અંદરનું પડ તોડ્યું કે એને એક ગરોળી દેખાઈ. આશ્ચર્યની વાત એ હતી કે, ગરોળી જીવી રહી હતી. આ દીવાલ પાંચેક વર્ષ પહેલાં બની હતી. તો આટલા લાંબા સમય સુધી હાલ્યાચાલ્યા વગર એ ખાતી શું હશે? પીતી શું હશે?
પેલા મકાનમાલિકે બધું એમનું એમ રાખી થોડા દિવસ આ રહસ્ય શોધવા માટેનો પ્રયત્ન કર્યો. ધીરે ધીરે એના ધ્યાનમાં આવ્યું કે એક બીજી ગરોળી વચ્ચે વચ્ચે આ ગરોળીની મુલાકાતે આવતી અને એના મોંમાં કાંઈક જીવડું અથવા નાનીમોટી ખાવાની વસ્તુ મૂકી જતી હતી. પોતાની પાર્ટનર માટે પાંચ વર્ષથી સતત એનું આ કામ ચાલુ હતું અને એટલે પેલી સ્થિર ગરોળી, જે આ દીવાલ બનતી હશે ત્યારે એની પૂંછડીમાં ખીલી ઠોકાઈ જવાને કારણે લાકડાં સાથે ચોંટી ગઈ હતી અને હલનચલન કરી શકતી નહોતી, તે જીવતી રહી શકી.
બે મૂંગા જીવ જેને આપણે કદાચ સંવેદનહીન ગણતા હોઈશું તેમાંનો એક બીજાને સહારે પાંચ વર્ષ જીવતો રહી શક્યો. ચારે બાજુ નિરાશાનું અંધારું હતું. હલનચલન કરવાની કોઈ શક્યતા નહોતી. આશાનું કોઈ કિરણ ક્યાંયથી દેખાતું નહોતું. તેવી ઘોર અંધકાર અને નિરાશાની પરિસ્થિતિ વચ્ચે પણ એક સાથીની સમજદારી અને હૂંફે એને પાંચ વર્ષ ટૂંકા કરી આપ્યાં.
પેલા વ્યક્તિને હવે ખ્યાલ આવ્યો કે, લાકડાંના પાર્ટિશન સાથે જડાઈ ગયેલ આ ગરોળી આટલો લાંબો સમય કઈ રીતે જીવતી રહી શકી. એને નિયમિત રીતે ખવડાવનાર પેલી બીજી ગરોળી એવાં કયાં આકર્ષણ અને લાગણીના ખેંચાણે સતત 1800 દિવસ કરતાં વધુ એની આ સાથીદારને લાલનપાલન કરીને જીવાડતી રહી? પાંચ વર્ષ સુધી એની આ કાળજીએ પેલી ગરોળીને નિરાશ થવા ન દીધી અને હતાશ થઈને પડી ભાંગવા ના દીધી.
આ આખીયે વાર્તાનો સાર એ નીકળે છે કે ક્યારેક એવી પરિસ્થિતિ આવે જ્યારે તમે જેને ચાહતા હો તે વ્યક્તિ નિઃસહાય અને મજબૂર બનીને અટવાઈ જાય. એને તમારી જરૂર છે, એવે સમયે તમારી ગમે તે પ્રાથમિકતાઓ હોય, તમે જેના માટે લાગણી રાખી છે તેને ક્યારેય એવું ન કહેશો અથવા અણસારો પણ ન આવવા દેતા કે, તમે કામમાં છો.
આ એ જ વ્યક્તિ છે, જેને તમે ચાહી છે, જેની સાથે તમે લાગણીના બંધને બંધાયેલા રહ્યા છો. એને તમે તકદીરના સહારે છોડી દેશો? જે દિવસે આવું કરશો તે દિવસે તમે ભલે ભૌતિક રીતે જીવતા હશો પણ તમારો આત્મા અને માણસાઈ મરી પરવારશે.
જેમણે તમને પ્રેમ આપ્યો છે, ચાહ્યાં છે, ઉછેર્યાં છે એવા ખાસ કરીને તમારા કુટુંબના વૃદ્ધ સભ્યો માબાપ કે પછી દાદાદાદી, એમના ઘડપણમાં એક પાયો તૂટેલું ટેબલ કે ખુરશી બની જતા નથી. એમને તમારી લાગણીની જરૂર છે અને તમારી લાગણી એમને મન અમૂલ્ય છે, ત્યારે એમના અંતિમ સમયે એમને છોડી ના દેશો. તમારા પગ હેઠળ આખી દુનિયા હશે, તમે સફળતાના સાતમા આસમાને ઊડતા હશો, તમારે માટે દુનિયા અત્યંત વિશાળ હશે પણ પેલા વૃદ્ધ માટે તો તમે જ એની દુનિયા છો. તમારા ચહેરા ઉપરના બદલાતા ભાવ, કંટાળો, નકારાત્મકતા એમનું હૃદય તોડી નાખશે, એ પાછું નહીં સંધાય. કહ્યું છે,
‘મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેલતાં, એને નહીં સાંધો નહીં રેણ.’
કોઈના ગયા પછી ગમે તેટલા પસ્તાશો, એ પાછું નહીં આવે. ત્યારે તમારી પાસે સમય હશે, પણ એવું બનશે કે તમને પ્રેમથી કોઈ બોલાવનાર નહીં હોય, લાગણીથી તમારા માથે હાથ ફેરવનાર કોઈ નહીં હોય. તમે મોટા હાકેમ હશો, ધનકુબેર હશો, પ્રસિદ્ધિ તમારા ચરણ ચૂમતી હશે પણ બા૨ વાગે અને ‘બેટા, તું જમ્યો કે નહીં?’ એ પૂછનાર કોઈ નહીં હોય. તમારું માથું સહેજ દુખતું હોય કે મોં પડેલું જુએ ત્યારે ‘લાવ દબાવી દઉં’ કહેનાર તમારી આજુબાજુ કોઈ નહીં હોય. ત્યારે પેલી ગરોળીને યાદ કરજો.
લાગણી જ માણસને જીવતો રાખે છે, એટલું જ નહીં પણ એના જીવતરમાં રંગ પૂરે છે. તમારી આખી જિંદગી કોઈને નથી જોઈતી, પણ ઘરડાં માબાપ કે પથારીએ પડેલ પત્નીને પંદર-વીસ મિનિટ પાસે બેસી માથે હાથ ના ફેરવી શકો? જો એવું ના કરવાના હો તો પછી મહેરબાની કરી એના ગયા પછી મોટામસ ફોટા છાપામાં છપાવી શ્રદ્ધાંજલિ ના આપશો. બેસણા અને ભજનસંધ્યા ના કરશો. એની પાછળ ભાગવત કે ગરૂડ પુરાણ ના બેસાડશો. આ બધું એની આત્માને શાંતિ નહીં આપી શકે, કેમ કે જીવતાજીવત તમે એને શાંતિ નથી આપી.
આઠમી અજાયબી:‘કામ’નું શાસ્ત્ર સમજાવતું જગવિખ્યાત ખજુરાહો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-world-famous-khajuraho-explains-the-science-of-work-134540706.html

માયા ભદૌરિયા
ભા રત ઐતિહાસિક મંદિરોથી સમૃદ્ધ છે એમાં ક્યાંય અતિશયોક્તિ નથી, પણ જ્યાં વસ્ત્રવિહીન અને સંભોગની મુદ્રાઓમાં વિવિધ મૂર્તિઓ જોવા મળે એને આપણે મંદિર કહીશું? હા બિલકુલ. મધ્ય પ્રદેશનું જગવિખ્યાત ખજુરાહો મંદિર ઐતિહાસિક કરતાં પણ વધારે કામશાસ્ત્ર અને તેની બેનમૂન કલાકારીગરી માટે પ્રસિદ્ધિ પામ્યું છે. અને દર વર્ષે આશરે પાંચ લાખથી ‌‌વધુ પ્રવાસીઓ ખજુરાહોની સુંદર સ્થાપત્યકળા જોવા આવે છે.
કામશાસ્ત્રને દર્શાવતી આ કામુક મૂર્તિઓ મંદિરની અંદર ક્યાંય નથી, મંદિરના બહારના ભાગે કોતરાયેલી છે. હા, લોકોનાં મનમાં એ સવાલ સ‌ળવળે છે કે ઈ.સ. 950થી 1050ની વચ્ચે ચંદેલ રાજાઓએ શા માટે આવી મુદ્રામાં મૂર્તિઓ કોતરાવી હશે? મૂર્તિઓ બની એ સમયે ધર્મગુરુઓએ આનો વિરોધ કેમ ન કર્યો? શું આ મંદિરનો કામસૂત્ર સાથે કોઈ ઘરોબો હશે? એની પાછળનું રહસ્ય હજુ પણ અકબંધ જ છે. કોઈ સચોટ કારણ હજુ કોઈને મળ્યું નથી, હા જુદા જુદા વિદ્વાનો અને વિશ્લેષકોની આ બાબતે વિધવિધ બોધના જરૂર છે.
1 એ સમયના રાજા-મહારાજાઓ ભોગવિલાસમાં વધુ રહેતા હતા. મોટાભાગનો સમય કામલીલામાં પસાર કરતા હોવાથી કદાચ મંદિરની બહાર સંભોગ કે નગ્ન મુદ્રાઓમાં કામુક મૂર્તિઓ બનાવાઈ હશે.
2 ધરતી પર જન્મ લેનાર દરેક વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે. એટલે મોક્ષ માટે દરેકે ધર્મ, અર્થ, યોગ અને કામના માર્ગ પાર કરવા જ પડે. એમાં અંતિમ પડાવ એટલે કામ. એ પછી સીધા ભગવાનને શરણે. મતલબ કે બધા જ પ્રકારનો સંતોષ મેળવ્યા પછી તમે ભગવાનના દ્વારે જાઓ છો.
3 એ સમયે મંદિર એવી જગ્યા ગણાતી જ્યાં લોકો સૌથી વધુ જતાં એટલે કદાચ અહીં જાતીય જીવનનું સાચું જ્ઞાન મળે એ હેતુથી આ પ્રકારની મુદ્રાઓ કોતરવામાં આવી હોઈ શકે.
4 ચંદેલ રાજાઓ હિંદુ ધર્મની રક્ષા માટે આ માર્ગ અપનાવ્યો હોઈ શકે, કારણ કે એ વખતે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર વધી રહ્યો હતો. એટલે કદાચ સેક્સ બાબતે કોઈને આકર્ષણ ન થાય એ માટે મંદિરની બહાર કામોત્તેજક મૂર્તિઓનું નિર્માણ કરાવ્યું હોવું જોઈએ.
5 કહેવાય છે કે ચંદેલ રાજાઓના સમયે અહીં તાંત્રિક સમુદાય ફૂલ્યોફાલ્યો હતો. એ લોકો યોગ અને ભોગ બંનેને મોક્ષનું સાધન માનતા. એટલે આ મૂર્તિઓ એમની જ પ્રવૃત્તિઓનું પરિણામ છે. શાસ્ત્ર મુજબ જાતીય સંભોગ પણ મોક્ષ મેળવવાનું જ એક સાધન બની શકે, પણ આ વાત તો ફક્ત એ લોકોને લાગુ પડે જેઓ સાચા અર્થમાં મુમુક્ષુ છે.
હજારો વર્ષથી આકર્ષતાં મંદિરો
ખજુરાહોનાં મંદિરોની ભવ્યતા, સુંદરતા અને પ્રાચીનતાને લીધે જ વિશ્વ વારસામાં તેનો સમાવેશ કરાયો છે. ખજુરાહોનાં હજારો વર્ષ પ્રાચીન હિંદુ મંદિરોમાં ચોસઠ યોગિની મંદિર, વિષ્ણુ ભગવાનને સમર્પિત ચતુર્ભુજ મંદિર, જૈન તીર્થંકર ઋષભનાથને સમર્પિત આદિનાથ મંદિર, સૂર્યદેવને સમર્પિત ચિત્રગુપ્ત મંદિર, વિશાળ શિવલિંગ ધરાવતું માતંગેશ્વર મંદિર, લક્ષ્મણ મંદિર, લાલગુઆન તેમજ બીજાં ઘણાં મંદિરો છે.
કામુક મૂર્તિઓ માટે સૌથી વધુ જાણીતું કંદારિયા મહાદેવ મંદરિ છે. ‘ગુફાઓના દેવ’ શિવજીને સમર્પિત આ મંદિરની દરેક મૂર્તિઓમાં અષ્ટ મૈથુનનું ચિત્રણ જોઈ શકાય છે. 22 મંદિરોમાંથી આ કંદારિયા મહાદેવ કામશિક્ષા માટે વધારે જાણીતું છે. આ મંદિરનું નિર્માણ રાજા વિદ્યાધરે
મોહમ્મદ ગઝનીને બીજી વાર હરાવીને લગભગ 1065ની આસપાસ કરાવ્યું હતું. બહારની દીવાલો ઉપર નર-કિન્નર, દેવી-દેવતા અને પ્રેમી-યુગલોનાં આકર્ષક ચિત્રો કોતરવામાં આવ્યાં છે. વચ્ચેની દીવાલો ઉપર અનોખા કામુક દૃશ્યો જોઈ શકાય છે.
આ તમામ કામુક મૂર્તિઓનું વિશિષ્ટ મહત્ત્વ છે. જેમકે, એક દીવાલ ઉપરનાં 3 શિલ્પ કામસૂત્રમાં વર્ણવેલા સિદ્ધાંતોની પ્રતિકૃતિ છે. એમાં સંભોગની શરૂઆતમાં આલિંગન અને ચુંબન દ્વારા ઉત્તેજના વધારવાનું મહત્ત્વ દર્શાવ્યું છે. એક મૂર્તિમાં સ્ત્રી-પુરુષ નખ અને દાંતનો ઉપયોગ કરીને એકબીજાને ઉત્તેજીત કરે છે. આ પણ કામસૂત્રનો જ સિદ્ધાંત દર્શાવે છે. એક કથા આવી પણ...
એક વાર રાજપુરોહિત હેમરાજની દીકરી હેમવતી સાંજના સમયે સરોવરમાં સ્નાન કરવા ગઈ. એ વખતે આકાશમાં ચંદ્રદેવ ભ્રમણ કરી રહ્યા હતા. હેમવતીને જોઈને તેમનું મન વ્યાકુળ બન્યું. તેઓ હેમવતી સામે પ્રગટ થયા અને પ્રેમ જાહેર કર્યો. એમના થકી જે પુત્ર થયો તેણે મોટા થઈને ચંદેલ વંશની સ્થાપના કરી. સમાજની બીકથી હેમવતીએ પુત્રને કર્ણાવતી નદીના કાંઠે ઉછેર્યો અને એનું નામ ચંદ્રવર્મન રાખ્યું. મોટા થયા પછી ચંદ્રવર્મન શક્તિશાળી રાજા બન્યો.
એક વાર માતા હેમવતીએ તેના સપનામાં આવીને કહ્યું કે તે મંદિરોનું નિર્માણ કરે કે જેથી સમાજ કામેચ્છાનું મહત્ત્વ સમજે અને જાણે કે એ પણ જીવનનો જરૂરી ભાગ છે. અને આ ઈચ્છા પૂરી કરનાર વ્યક્તિ પોતાને ક્યારેય દોષી ન માને. ચંદ્રવર્મને માતાની ઈચ્છા પૂરી કરવા માટે ખજુરાહોની
પસંદગી કરી. અહીં 85 વેદીઓનો વિશાળ યજ્ઞ પણ તેણે કરાવ્યો. જોકે, આજે 85માંથી 22 મંદિરો બચ્યાં છે. 14મી સદીમાં ચંદેલોએ ખજુરાહો છોડ્યા પછી એ સમયગાળો સમાપ્ત થઈ ગયો.
સહજ સંવાદ:અસ્થિ વાપસીનો એક જુદો જ ઇતિહાસબોધ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-different-historical-understanding-of-the-repatriation-of-bones-134540374.html

કો ઈ પણ દેશ તેના વીર નાયકોને ભૂલી શકે નહિ, ભૂલવા પણ જોઈએ નહિ. તેમાં દેશથી દૂર, જલાવતન રહેલા, અને માતૃભૂમિ પાછા ના આવી શકેલા શહીદોનાં સ્મારક અને અસ્થિ-વાપસીનો સંકલ્પ તે દેશની પ્રજા, સમાજ અને ઇતિહાસબોધનો ખરો અંદાજ આપે છે. આપણે આ કસોટીમાં કઈ જગ્યાએ ઊભા છીએ?
થોડાંક એવાં નામોનો વિચાર કરીએ તો 200થી વધુની યાદી મળી આવે, જેઓ ભારત પાછા વળી શક્યા નહિ અને વિદેશની ભૂમિ પર સ્વાતંત્ર્ય માટે અવિરત લડતા રહ્યા અને ત્યાં જ અવસાન પામ્યા. તેમાંના કેટલાકે તો બલિદાન ઉપરાંત ઐતિહાસિક અને બૌદ્ધિક પ્રદાન કર્યું.
જેમ કે પ્રા. તારકનાથ દાસ સમગ્ર ગદર ચળવળના થિંક ટેન્ક હતા. મૌલવી બરકતુલ્લાહ ન્યૂ યોર્કમાં લંડનની જેમ ઈન્ડિયા હાઉસની સ્થાપના કરવામાં માઇરોન ફેલ્પ્સના સહયોગી હતા. ગિરધારી લાલ અને મુરારી લાલ ગદર પાર્ટીના નેતા અને તંત્રી હતા. અનિલનાથ ચેટરજી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના હોનહાર વિદ્યાર્થી હતા. બાસુદેવ ભટ્ટાચાર્ય લંડન ઈન્ડિયા હાઉસના ક્રાંતિકારી. કુંજનલાલ ભટ્ટાચાર્ય ફિલાડેલ્ફિયામાં ક્રાંતિ પ્રવૃત્તિ કરતા હતા.
સ્વામી સત્યાનંદના નામે જાણીતા સી. કે. ચક્રવર્તીએ અમેરિકામાં આઝાદી-જંગની ધૂણી ધખાવી હતી. ભાઈ ચંદાસિંહ થાઈલેન્ડમાં શહીદ થયા. જ્ઞાનેન્દ્રનાથ ચેટરજી મ્યુનિચમાં ક્રાંતિકારી રહ્યા. ડો. વેલેરીનો કોટિન્હો લિસ્બનમાં ડોક્ટર અને ઈસાઈમાંથી હિન્દુ ધર્મમાં પ્રવેશ કર્યો હતો. ઈન્ડિયા હાઉસ અને સાવરકરની સાથે સક્રિય રહ્યા. તેમના પ્રતિબંધિત પુસ્તક ‘1857નો સ્વાતંત્ર્ય સમર’ની પ્રત છુપાવીને મોકલી હતી. ભરત ચંદ્ર દાસ લંડનમાં મદનલાલ ધીંગરા સાથે સક્રિય રહ્યા.
સારંગધર દાસે લંડન અને ન્યૂ યોર્કમાં પંડિત શ્યામજી સાથે કામ કર્યું. વિષ્ણુ પ્રસાદ દૂબે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય યુવા ક્રાંતિકાર રહ્યો. અમરનાથ દત્તને બ્રિટિશ પોલીસ રામભજ દત્ત તરીકે જ ઓળખતી રહી. ભૂપેન્દ્રનાથ દત્ત સ્વામી વિવેકાનંદના ભાઈ ન્યૂયોર્કના ઈન્ડિયા હાઉસમાં અને પછી બર્લિન સમિતિના સક્રિય ક્રાંતિકાર.
સુખસાગર દત્ત પહેલાં લંડન અને પછી પેરિસ સોસાયટીમાં પ્રવૃત્ત રહ્યા. નીતિસેન દ્વારિકાદાસ શ્યામજી કૃષ્ણવર્માના સગા ભત્રીજા અને લોકમાન્ય તિલકનો તેમજ સાવરકરનો મુકદમો લડ્યા હતા. હેમંત કુમાર દાસ પેરિસની ચળવળ સાથે જોડાયેલા રહ્યા. જામિની મોહન ઘોષ બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને છેક અફઘાનિસ્તાનમાં ફકીર વેશે ક્રાંતિ પ્રવૃત્તિ કરતા રહ્યા. છેવટનું સ્થાન હાલના બાંગ્લાદેશનું મેમનસિંગ હતું. સરદારસિંહ રાણાના એક પરમ મિત્ર તરીકે અને ગોદરેજ ઉદ્યોગના સ્થાપક મંચેરશા ગોદરેજ પણ બ્રિટિશ પોલીસને ચોપડે ક્રાંતિકાર રહ્યા. એમ્મા ગોલ્ડમેન?
હા, રશિયામાં જન્મેલી આ વિદ્રોહીની ભારતીય ક્રાંતિકારોને તાકાત પૂરી પડી હતી. સુરેશ ચંદ્ર ગુહા, આસામમાં નિયતિ તેને દોરી ગઈ મિડલ ટેમ્પલમાં વિદ્યાર્થી ક્રાંતિકાર તરીકે. ઓક્સફર્ડમાં પર્શિયન કોચ તરીકે રહેલો સૈયદ હૈદર રઝા ઈન્ડિયા હાઉસમાં રહ્યો હતો.
1914ની 14 ઓગસ્ટે તેને માંડલેની જેલમાં ફાંસી મળી. વી.વી.એસ અય્યરે ઇંગ્લેન્ડમાં ઈન્ડિયા હાઉસમાં ક્રાંતિની દીક્ષા લીધી હતી. બીજા પણ, ઐતિહાસિક ભાગ ભજવનારાં એવાં પાત્રો છે, જેમણે વિદેશોમાં જ સ્વાતંત્ર્યની આગ ફેલાવી. ખ્યાત લેખક હેન્રી જેમ્સનો ભાણેજ એડવર્ડ હોલ્ટેન- તારકનાથ દાસ અને શ્યામજી કૃષ્ણવર્માનો પરમ મિત્ર, લિબરેટર અખબારનો તંત્રી, અને એક વર્ષ સુધી ભારતની આઝાદીને માટે લખવા માટે જેલવાસ ભોગવ્યો.
જર્મનીમાં આંખો મીંચનાર સુરેન્દ્રનાથ કર? નામ કોઈને યાદ નહીં હોય, પણ બાંગ્લાદેશના જોગપેટા ગામમાં જન્મેલો આ યુવક અમેરિકામાં હિંદુસ્તાન એસોસિએસન સંસ્થામાં સક્રિય હતો. બોમ્બ વિદ્યામાં નિષ્ણાત હતો. જર્મનીમાં જઈને એમ.એન.રોયનો સાથીદાર બન્યો. બર્લિન સમિતિમાં પણ કામ કર્યું. તેને ફાંસી મળી હતી? પોલીસ દસ્તાવેજો તે વિષે ચૂપ છે. ગણેશ શ્રીકૃષ્ણ ખાપરડેએ ઇંગ્લેન્ડમાં શ્યામજી અને સાવરકર, બિપિનચંદ્ર પાલ અને લોકમાન્ય તિલકને સહયોગ આપ્યો હતો. સ્વરાજ તેનું મુખપત્ર હતું. ખુશી મોહમ્મદ આલમ પણ એવા જ ક્રાંતિકાર, અફઘાનિસ્તાનમાં સક્રિય રહ્યા.
ડો. નારાયણ કૃષ્ણ તિલક મહારાજના ભૂગર્ભ સહયોગી, બ્રસેલ્સ નિવાસી બન્યા હતા. ગુરુદત્ત કુમાર તારકનાથ દાસના મિત્ર, વેંકોવરમાં સ્વદેશ સેવક હોમ અખબારના તંત્રી, ટી.બી.ના દર્દી છતાં છેક સુધી યોદ્ધા રહ્યા. આધાર ચંદ્ર તો તારકનાથ દાસના શિષ્ય બનીને રહ્યા. વેંકોવરમાં ભારતીય ચળવળમાં ભાગ લીધો. ગદર પાર્ટીમાં લાલા હરદયાળની સાથે કામ કર્યું. ઋષિકેશ લત્તા નામ તો ભૂંસાઈ ગયું છે, આપણા ઈતિહાસમાં પણ પંજાબના ધોસારા ગામનો આ યુવક સૂફી અંબાપ્રસાદની સાથે ઇરાનમાં સક્રિય હતો. તેની અંતિમ નિયતિ વિષે કોઈ દસ્તાવેજ બોલતા નથી.
હજુ યાદી લાંબી છે. ડી.એસ. માધવ રાવ, હરિપદ મહાજન, સી.એસ. મણી, મેવા સિંહ, પ્યારેલાલ મિશ્રા, રેવા પ્રસાદ મિશ્રા, આસુતોષ મિત્રા, અવની લાલ મુખર્જી, શ્રીમતી ધન દેવી અને બીજા 50 હુતાત્માઓ…
શ્યામજી અને ધીંગરાના અસ્થિ તો ભારતમાં લાવવામાં આવ્યા, બીજા હુતાત્માઓની અસ્થિ વાપસી કે જ્યાં આંખો મીંચી ત્યાં કોઈ સ્મારક?
મેંદી રંગ લાગ્યો:સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/everyone-go-to-pieria-mahadevji-134540717.html

સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી,
સૌ કોઈ પિયરિયામાં જાય રે,
અમને પિયર જવાના ઘણા કોડ છે.
કેટલા દા’ડાનો વદાડ પારવતી,
કેટલા દા’ડાનો વદાડ રે,
તમે કેટલા દા’ડે પાછાં આવશો?
જેટલાં પીપળિયાનાં પાન મહાદેવજી,
જેટલાં પીપળિયાનાં પાન રે,
અમે એટલા દા’ડે પાછાં આવશું.
રથડો કર્યો રે તૈયાર રે મહાદેવજીએ ,
રથડો કર્યો રે તૈયાર રે,
હે એવાં પારવતી પિયરિયામાં હાલિયાં.
સરખી સાહેલડી સાથ રે પારવતી,
સરખી સાહેલડી સાથ રે,
એવાં પારવતી પાણીડાં નીસર્યા.
લીધો બહુરૂપી કેરો વેશ મહાદેવજીએ,
લીધો બહુરૂપી કેરો વેશ રે,
એના હાથમાં શોભે લાલ મોજડી.
કર્ય મોજડિયુંનાં મૂલ બહુરૂપી તું,
કર્ય મોજડિયુંનાં મૂલ રે,
મારા પગમાં શોભે લાલ મોજડી.
ન થાય મોજડીનાં મૂલ પારવતી,
ન થાય મોજડીનાં મૂલ રે,
આ તો મોંઘાં મૂલી છે મારી મોજડી.
આપું હું બે-ચાર ગામ રે બહુરૂપી તને,
આપું હું બે-ચાર ગામ રે,
હે તને આપું મારા હૈયા કેરો હારલો.
શું કરું બે-ચાર ગામ પારવતી,
શું કરું બે-ચાર ગામ રે,
તારા હાથે જમવાના ઘણા કોડ છે.
એવી તે આળ્યું ના આલ્ય બહુરૂપી તું,
એવી તે આળ્યું ના આલ્ય રે,
મારે ઈસવર જેવો ભરથાર છે. સાસરિયું સંતાપ આપતું હોય એવી કોઈ પરિણીતાને પિયર જવાની રજા મળે એ ઘડીથી જ એનાં મનમાં આનંદના ઓઘ ઉછળવા માંડે, પણ જ્યારે સારા માર્ગો, વાહનવ્યવહાર, ફોન જેવી કોઈ સુવિધા ન્હોતી, દીકરીઓ અલ્પશિક્ષિત હતી ને સાસરિયાના લોકો વહુઓ પર એકાધિકાર ભોગવતા ત્યારે પિયર જવું દોહ્યલું હતું.
કોઈ તહેવાર આવે, પિયરમાં પ્રસંગ આવે ત્યારે વડીલોની આગોતરી મંજૂરી માગીને જેટલા દિવસની રજા મળે એટલા દિવસ જ પિયર જઈ શકાતું હતું ને એય વળી કોઈ પિયરથી તેડવા આવે કે સાસરિયેથી કોઈ મૂકવા આવે ત્યારે થાય ને પિયરથી પાછાં આવતી વખતે પણ તેડમૂક તો ખરી જ!
‘સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી...’ બહુ મજાનો રાસડો છે. પાર્વતીજીને પિયર જવાની તમન્ના જાગી. પાર્વતીના ઘરમાં સાસુ, સસરા, જેઠ, જેઠાણી કે અન્ય વડીલ નથી એટલે પતિની જ રજા માગવી પડે એ સ્વાભાવિક છે. મહાદેવજી પાર્વતીના પિયરગમનથી ખુશ હોય કે ન હોય પણ એક સામાન્ય પતિની જેમ એણે હા પાડવી પડી ને સાથોસાથ સો ક્વિન્ટલનો સવાલ પણ કર્યો કે કેટલા દિવસ પછી ઘેર આવશો?
રમતિયાળ રમણી જેવો મજાકિયો જવાબ આપતાં પાર્વતીએ કહ્યું કે આંગણામાં પીપળાનું ઝાડ છે એનાં પાંદડાં ગણી લો, હું એટલા દિવસ પછી આવીશ.
ભોળાનાથ કંઈ સમજ્યા નહિ કે પત્નીએ પાછા આવવા બાબતે શું કહ્યું છે. એણે રથ તૈયાર કરાવ્યો ને ઉમા તો ચાલ્યાં પિતાને ઘેર. થોડા દિવસ પછી શિવજી વેશ બદલીને પાર્વતીને પિયર ઉપડ્યા જ્યાં સહેલીઓ સાથે પાર્વતીને પનિહારીરૂપે જોયાં. પાર્વતીને આ અજાણ્યા માણસના હાથમાં રહેલી લાલ મોજડી ગમી ગઈ ને એમણે એનું મૂલ્ય પૂછ્યું તો જવાબ મળ્યો કે આ તો અણમોલ છે.
પાર્વતીને તો મોજડી જોઈએ જ એટલે મોજડીના બદલામાં મોટો ઉપહાર આપી દેવાનું ઘોષિત કર્યું ત્યારે અજાણ્યા લાગતા પુરુષે કહ્યું કે બસ, તારા હાથનું ભોજન કરાવી દે એટલે મોજડી આપી દઉં! પાર્વતીએ ભારતવર્ષની નારીને છાજે એવો જ જવાબ વળ્યો કે એ ભાઈ, બોલવામાં ધ્યાન રાખજે, મને એલફેલ ન સમજતો ઈશ્વર પોતે જ મારા પતિ છે!
આ રાસડો જુદા જુદા વિસ્તારોમાં પાઠાંતર સાથે ગવાતો રહ્યો છે. ‘રઢિયાળી રાત’માં પણ મેઘાણીભાઈએ લીધો છે.
તવારીખની તેજછાયા:સાવરકરના મનમાં હિંદુ રાજાઓની છાપ કેવી હતી?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-was-the-impression-of-hindu-kings-in-savarkars-mind-134540411.html

પ્રકાશ ન. શાહ ગો ધરા-અનુગોધરાના દુર્ભાગી ઘટનાક્રમને તેવીસ વરસ પૂરાં થવામાં છે, અને બેસતે ફેબ્રુઆરીએ (પહેલી તારીખે), ઝકિયા આપા ગયાં. છેલ્લા બે’ક દાયકામાં, રાજધર્મના પરિપાલન વિષયક સવાલિયા દોરને અંગે ન્યાયની લડતના એક અણનમ ચહેરા તરીકે એ ઉભર્યાં હતાં. આવી લડતો સફળતા-નિષ્ફળતાને ધોરણે નહીં એટલી ખુદ લડત થકી જ ઓળખાય છે.
ઝકિયાની પોતાની આ જે ઓળખ બની, ઝુઝારુ જણ તરીકેની તેનું સ્વતંત્ર મૂલ્ય અલબત્ત છે જ. પણ જાફરી એ જે એમનું કુલનામ એ તો 1977ની શકવર્તી ચૂંટણીમાં યશસ્વી રહેલા કોંગ્રેસમેન અહેસાનની ભેટ હતી. ધારાશાસ્ત્રી અહેસાન જાફરી, ઉર્દૂની પ્રગતિશીલ ધારાના એક અચ્છા શાયર પણ હતા. 1969માં રમખાણ ફાટી નીકળ્યાં ત્યારે પૂર્વ અમદાવાદમાં ડો. ગાંધીની ચાલના એક ટેનામેન્ટમાં આ પરિવાર રહેતો હતો અને જાન બચાવવા વાસ્તે ખાસ્સું બે-ત્રણ કિલોમીટર દોડ્યા પછી અસારવા-ઉદયપુર રેલવે લાઈન ક્રોસ કરી પોલીસ સ્ટેડિયમમાં આશરો લીધો હતો.
1969ના આ અમંગલ અનુભવ છી પણ પ્રજાસત્તાક સ્વરાજ લાયક જાહેર જીવન માટેની ગડમથલમાં એ કટુતા વગર સક્રિય હતા. 1977માં એમની સામે હારેલા બ્રહ્મકુમાર ભટ્ટ પાસેથી સાંભળ્યું છે કે અમે પોલીસ સ્ટેડિયમમાં શાતા પૂછવા ને સહાય જોગવવા ગયા ત્યારે હાથમાં ડબલું ઝાલી ચા વાસ્તે ઊભેલા અહેસાનનો ચહેરો હજુ નજર સામેથી ખસતો નથી, અને એ લાગણી પણ- કે છતે જુલમે આ માણસમાં કટુતા નથી.
દફતર ભંડારના અખિલ હિંદ વડા પ્રો. તીરમીઝી નિવૃત્ત થઈ દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા ત્યારે એમની પહેલથી રચાયેલ મૌલાના આઝાદ સેન્ટરની કાર્યવાહક સમિતિમાં અહેસાન જાફરીને મળવાનું થતું. તે વખતે એમની રચનાઓનોયે કંઈક પરિચય થયો હતો.
એક વાર વસંત-રજબ શહાદત સ્મૃતિની પૂર્વ રાત્રિએ મુશાયરો યોજાયો હતો એમાં અહેસાનભાઈએ ઉચ્ચારેલી પંક્તિઓ આ લખતાં મનમાં ગૂંજે છે, અને એમના સંગ્રહ ‘કંદીલ’ના નાગરી પાઠમાંથી ઉતારવાનું મન થઈ આવે છે: ‘હર દિલ મેં મુહબ્બત કી, ઉખુવ્વત કી લગન હૈ, યે મેરા વતન, મેરા વતન, મેરા વતન હૈ.’
2002ની 28મી ફેબ્રુઆરીએ ગુલબર્ગ, ચમનપુરામાં બોંતેર વરસના અહેસાન સહિત 69 જણા જે રીતે ગયાં એમાં જવાબદાર કરવૈયાઓની ખુદની વીરગાથા શી સાહેદી ‘તહલકા’ની ટેપમાં અંકિત છે, પણ... ખેર છોડો એ ચર્ચા, હિંદુ કે મુસ્લિમ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે જ્યારે જ્યારે ગોધરા-અનુગોધરા દિવસો સંભારીએ છીએ ત્યારે શું કહેવાનું બને છે? રાજધર્મ ન ચુકાયો હોત, એટલે કે કાયદાનું શાસન પળાયું હોત, શાસન એ ધોરણે ચુસ્તદુરસ્ત અનુશાસનમાં રહ્યું હોત તો જે ન થવાનું થયું તે નિ:શંક ન થયું હોત, શું ગોધરામાં કે શું તે પછી.
શાસનની કામગીરીની જે પણ વિગતો સામાન્યપણે સમજાય છે તે કાં તો નિ:શાસનની છે, કે પછી દુ:શાસનની. અપવાદરૂપ કિસ્સાઓમાં, ‘કંદીલ’ લઈને શોધ્યે કાયદાનું શાસન જોવા મળે છે, એ આંખમાથા પર.
1965થી સંઘ પરિવારમાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવ દર્શનની કંઈક ચર્ચા શરૂ કરી ત્યારે એમણે ‘ધર્મરાજ્ય’ એ પ્રયોગ સરસ સમજાવ્યો હતો કે આ તો ‘રુલ ઓફ લો’ કહેતા કાયદાના શાસનની વાત છે. કંઈક ક્ષીણદુર્બળ પણ એ તંતુ વાજપેયીએ ઝીલવાની કોશિશ કરી હશે તે 2002ના એમના રાજધર્મ ઉદગારોથી સમજાય છે.
આ ઉદગારો પરત્વે તત્કાળ એમને જે આશ્વસ્તકારી વેણ સાંભળ‌વા મળ્યાં હશે એને વિશે એમને કોઈ પતીજ નહીં હોય તેમ એમણે બેત્રણ મહિનાને આંતરે વળી તત્કાલીન મુખ્યમંત્રી જોગ લખેલ પત્રમાં કરેલી ઝીણી પૃચ્છા અને આપેલી સાફ સલાહ પરથી જણાઈ આવે છે. 1 જૂન 2002નો આ પત્ર ત્યારે તો અપ્રકાશિત રહ્યો હતો. પણ પછી આરટીઆઈને પરિણામે તે પ્રકાશમાં આવ્યો હતો.
ગમે તેમ પણ, ગોધરા-અનુગોધરા ઘટનાક્રમને કાયદાના શાસનની રીતે નહીં નિપટાવતા સામસામી છાવણીના ચશ્મે જોવાની અને હિંસ્ર વલણો પરત્વે અનુમોદનાની આ ‘નીતિ’નું સમર્થન એક અણચિંતવ્યે છેડેથી મળી શકે એમ છે. એ છેડો સાવરકરનો છે જે શાસનકૃપાએ શરૂ થયેલી અને વિક્રમ સંવતથી માંડી ઉદય માહુરકર સહિતના લેખો થકી
ખાસી ઊંચકાયેલ નવ્ય દેવપ્રતિમા (ન્યૂ આઈકોન) પરત્વે શૌરિના વળતા સપાટે ચર્ચાની વંડી ઠેકી ચકચારના ચોકમાં ખાબકી છે.
સાવરકરે ઈતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદગુણ વિકૃતિ’ એક મુદ્દો છે. શત્રુઓ સામે હિંદુ રાજાઓ નીતિના પાલનપૂર્વક લડતા એવી જે છાપ છે એ ‘છાપ’ સાવરકરને મન ‘વિકૃતિ’સૂચક છે. હિંદુપત પાદશાહતના સ્વપ્નશૂરા શિવ છત્રપતિ નિમિત્તે સાવરકરના ‘ધન્ય ઉદગારો’ સાંભરે છે.
શિવાજીએ કલ્યાણની લૂંટમાં હાથ આવેલ સુબેદારની પત્નીને સબહુમાન પાછી મોકલી એમાં સાવરકરને કશું ‘ખાસ પ્રચાર’ યોગ્ય કે ‘આદરણીય’ જણાતું નથી. માત્ર, રાજધર્મની શિથિલતાનો ઉત્તર, નાગરિક ધર્મની શિથિલતામાં નથી, એટલું જ એક નમ્ર નિવેદન, આજે સાવરકર સ્મૃતિ દિવસે.
અંદાઝે બયાં:મહામશ્કરો માર્ક ટ્વેન મજૂરીથી મહોબ્બતનો મતવાલો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/great-humorist-mark-twain-who-believed-in-love-over-labor-134540877.html

ટાઇટલ્સ: જોકર રાજ કરે તો ભૂખી પ્રજા પણ ખુશ. (છેલવાણી)
નેતાઓ ને ‘ડાયપરો’ (બાળોતિયાંઓ) સમય-સમય પર બદલ્યે રાખવાનાં, કારણ કે બેઉ માટે કારણ સરખાં જ છે.
સાહિત્યનો પુરસ્કાર લેવાની ના પાડવી એટલે વધારે હોબાળો કરી એનો એ પુરસ્કાર લેવાની ચતુરાઇ છે.
ધારો કે તમે ભૂખથી મરતા કૂતરાને બચાવીને માલદાર બનાવશો તો એ તમને કરડશે નહીં. પણ માણસ? મનુષ્ય ને કૂતરામાં આ જ સૈદ્ધાંતિક ફરક છે.
ખુલ્લું મગજ, ખુલ્લા વિચારો રાખવા, પણ બહુ વધારે પડતું ખુલ્લુ મગજ રાખવું નહીં કે જેથી કોઈપણ આવીને પોતાનો કચરો ઠાલવી જાય!
કોઇ અજાણ્યો આગંતુક, નાના શહેરમાં દાઢી કરાવવા ગયો ને દાઢી કરનારને પૂછ્યું, ‘અલ્યા, આજે શહેરમાં શેની ચહલપહલ છે?’
‘સાહેબ, તમે બહુ નસીબદાર છો કે આજે પધાર્યા… બહુ મોટા લેખક માર્ક ટ્વેનનું અહીં લેક્ચર છે. તમે એની ટિકિટ લીધી?’
‘ના.. પણ લઇ લઇશ?’ આગંતુકે કહ્યું
‘તો તો સાહેબ, તમારે ઊભાં ઊભાં સાંભળવું પડશે કારણ કે હોલ તો હાઉસફુલ છે!’ આગંતુકે કહ્યું, ‘મારું નસીબ જ ખરાબ છે. જ્યાં પણ સાલા ‘માર્ક ટ્વેન’નું વ્યાખ્યાન હોય છે. મારે ઊભા જ રહેવું પડે છે.’
‘એટલે?’
‘દોસ્ત… હું જ માર્ક ટ્વેન છું!’ આગંતુકે આંખ મારીને કહ્યું.
દંતકથા સમા હાસ્ય–વ્યંગકાર ને વિવાદપ્રેમી માર્ક ટ્વેન, આજે એટલે યાદ આવે છે કે આપણા દેશમાં આજે હાસ્ય–વ્યંગ પર અગાઉ ક્યારેય નહીં એટલી ચર્ચાઓ ચાલે છે. નવી જનરેશન, જૂના નેતાઓનો લાડલો એક યૂ–ટ્યૂબ પર છવાયેલ કોઇ બદઝુબાન જુવાન, સોશિયલ મીડિયા પર સેક્સ વિશે ઘટિયા વલ્ગર વાત કરે છે ને સમાજ સહેમી જાય છે! સારી વાત છે. આજે લોકો હાસ્યમાં ગંદકીનો વિરોધ કરે છે તો કાલે કદાચ હિંસાનોયે વિરોધ કરશે કે પછી રાજકારણમાં ગંદકીનોયે વિરોધ કરશે, કદાચ! (આ કેવળ વ્યંગ છે, આમાં આશાવાદ નથી જ નથી.)
...પણ વ્યંગકાર માર્ક ટ્વેન કમાલના લેખક હતા. એમની વાત વાતમાં ‘પંચ’ હતા, જે ‘પ્રપંચ’થી પ્રજાને જાગૃત કરતા. જોકે, આજે ભલે માર્ક ટ્વેનને ‘ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર’ના લેખક તરીકે યાદ કરવામાં આવે પણ માર્ક ટ્વેન, મહાન અમેરિકન લેખક હતા, જે પાછા અમેરિકાની જ સતત ટીકા કરતા. હથિયારના સોદાગર, એવા અમેરિકાની યુદ્ધખોરી નીતિ માટે માર્કે ચાબખા મારેલા :ઇશ્વરે જાનલેવા યુદ્ધનું સર્જન જ એટલે કર્યું જેથી અભણ અમેરિકાને દુનિયાની ભૂગોળ સમજાય.’
(આપણે ત્યાં આવું લખીએ તો વાક્ય પતે એ પહેલાં જ ‘દેશવિરોધી‘ ઘોષિત!)
ઇન્ટરવલ:
પહેલે હર બાત પે આતી થી હંસી,
અબ કિસી બાત પે નહીં આતી. (ગાલિબ)
માર્ક ટ્વેન, હાસ્યલેખક હતા, પણ જીવનમાં બહુ રડેલા. પરિવાર ખૂબ ગરીબ અને કહેવાય છે– ‘ગરીબી, રમૂજની પાઠશાળા છે.’ માર્ક ટ્વેને, નાનપણથી જ ગદ્ધાવૈતરું કરેલું. કદીક પ્રિન્ટિંગ પ્રેસમાં તો ક્યારેક સ્ટીમરમાં નોકરી, પછી ચાંદીની ખાણમાં મજૂરી… ભૂખ, બેકારી, દેવાદારી ને આ બધાંના નિચોડ રૂપે આખરે, જાત ને જગત પર હસતાં–હસાવતાં લેખક તરીકે સફળતા. ‘જોકે, કરુણતામાંથી જ હાસ્ય જન્મે છે.’ એ જ નિયમે, માર્ક ટ્વેને પોતાની આંખ સામે ભાઈનું મોત જોયેલું, 4માંથી 3 બાળકો મરી ગયેલાં, પૈસાની મોટી છેતરપિંડીમાં નાદારી નોંધાવીને રોડ પર આવવું પડેલું. જીવનનાં જાનલેવા જખમોને લીધે જ માર્ક ટ્વેનનાં હાસ્ય–વ્યંગને વલૂરતી વેદનાની ધાર મળેલી.
માર્ક ટ્વેનને કંગાળીના દિવસોમાં એક ‘ઓલિવિયા’ નામની કન્યાનો ફોટો જોઈને ઇન્સ્ટંટ ઇશ્ક થઈ ગયેલો ને અઠવાડિયામાં જ એણે 10 વરસ નાની અમીર ઓલિવિયા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો! બેકાર–કંગાળ માર્કની ભાષા કે રીતભાત જરાયે ‘ક્લાસી’ કે ભદ્ર નહોતી. અમીર–ઉમરાવ ઓલિવિયાને માર્ક અને એમની લેખન–પ્રતિભા ગમતી, પણ એટલાથી કંઇ પરણાય થોડું? માર્ક ટ્વેને, ફરી પ્રયત્ન કરી જોયો પણ ઓલિવિયાએ કહ્યું: ‘સોરી, તમારામાં ધાર્મિક વિચારોનો અભાવ છે.’ માર્કે તરત પંચ માર્યો, ‘બસ આટલું જ? તો આજથી હું ચુસ્ત ખ્રિસ્તી, હવે બોલ!’ છતાંયે ઓલિવિયાએ ફરી ના પાડી.
માર્કે, ઓલિવિયાને બેતહાશા પ્રેમમાં લખેલું,‘જો ઓલિવિયા કહે કે ‘મોજાં પહેરવા અનૈતિક છે’- તો હું તરત જ મારાં મોજાં બાળી નાખીશ.’
આખરે માર્ક શહેર છોડવા સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ને એમની ઘોડાગાડી ઊંધી પડી ગઇ. આ સિચ્યુએશનમાં, માર્ક ટ્વેન ખૂબ ઘવાયેલા હોય એમ ઓલિવિયાના ઘરે પહોંચી ગયા. પછી ત્યાં ઓલિવિયાએ સારવાર કરી, ત્યારે માર્ક ટ્વેને પ્રપોઝ કર્યું ને ત્યાં સુધી તો ઓલિવિયા પણ મશ્કરા માર્કના પ્રેમમાં પડી ગયેલી!
મહોબ્બતમાં મતવાલો માર્ક, પત્નીને એ હદે ચાહતો કે એને જે વાર્તાઓ ના ગમે એ કેન્સલ! આમ ને આમ માર્કનાં લખેલાં 15,000થી વધુ પાનાં અપ્રકાશિત રહ્યાં. સમાજ, સંપાદક કે સેન્સરથી પહેલાં, માર્કની અર્ધાંગિની ઓલિવિયા અલ્ટિમેટ આલોચક!
પત્નીઘેલા માર્ક ટ્વેને કહેલું, ‘જો મને ખબર હોત કે લગ્નજીવન આટલું સુખદ હોઈ શકે તો મેં દાંત ઉગાડવામાં મારો સમય બગાડવાને બદલે 30 વર્ષ પહેલાં જ લગ્ન કરી લીધાં હોત.’
બાય ધ વે, ત્યારે માર્ક 32 જ વર્ષના હતા.
જોક સમજાયો? એન્ડ-ટાઇટલ્સ:
ઈવ: મારે મહાકુંભમાં જવું છે. આદમ: ‘ખોવાઇ જવાનું’ પ્રોમિસ?
બ્લેક એન્ડ વ્હાઈટ:આ લેખ વાંચીને તમે અગ્નાયી ન કરશો!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/you-wont-be-disappointed-after-reading-this-article-134540842.html

ભ દ્રંભદ્રના વંશજ સમા એક ચશ્મિશ્ટ બૌદ્ધિક મિત્રનો મને કોલ આવ્યો. હું તેમની સાથે વાત કરી શકું એમ નહોતો એટલે મેં તેમને મેસેજ મોકલાવ્યો: ‘આય વિલ કોલ યુ બૅક.’
એ સાથે તરત જ તેમનો વળતો મેસેજ આવ્યો કે ‘તમે લેખક ઊઠીને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરો છો એ ખોટું કહેવાય. મેં નોંધ્યું છે કે તમે તમારી કટારમાં પણ અંગ્રેજી અને અન્ય ભાષાના શબ્દો લખતા રહો છો. તમે તો તમારી કટારનું નામ પણ અંગ્રેજી રાખ્યું છે! તમારી લેખક તરીકે ફરજ બને છે. તમારે શબ્દોના ચયનમાં કાળજી રાખવી જોઈએ. આપણે આપણી ભાષાને જીવતી રાખવી હશે તો આપણી ભાષાને પ્રેમ કરવો પડશે. તમારા જેવા લેખકો શુદ્ધ ભાષાનો આગ્રહ નહીં રાખે અને અંગ્રેજી તથા અન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ કરશે તો આપણી માતૃભાષા મરી જશે.’
મને તેમનું મહેણું હાડોહાડ લાગી ગયું અને મેં તેમને કોલ કરીને કહી દીધું: ‘આજથી હું લખતી-બોલતી વખતે શુદ્ધ ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીશ. આપણે આજે જ મળીએ અને ભાષાની અશુદ્ધિ વિષે ગહન ચર્ચા કરીએ. તમે ક્યાં છો અત્યારે? શો કાર્યક્રમ છે તમારો આજનો?’
તેમણે કહ્યું, ‘હું અત્યારે આપણી કોમન ફ્રેન્ડ એવી લેખિકા સાથે મરીન ડ્રાઈવ છું અને બે-ત્રણ કલાક પછી સાંતાક્રુઝ જવા નીકળવાનો છું. તમે ક્યાં છો?’
મેં કહ્યું, ‘હું અત્યારે રાજકુંવરી શેરીમાં એક ગ્રંથવિક્રયકેન્દ્રમાં છું. એક મુદ્રણદોષાન્વેષક મિત્રના મનમાં દુવિધા હતી એ દૂર કરવી અત્યાવશ્યક હતી એટલે હું અહીં આવ્યો છું.’
તેમણે કહ્યું: ‘કૈંક સમજાય એ રીતે વાત કરો ભલા માણસ!’
મેં કહ્યું, ‘હું પ્રિન્સેસ સ્ટ્રીટમાં એક બુકસ્ટોરમાં એક પ્રૂફ રીડર સાથે બેઠો છું. તેમના કેટલાક સવાલો છે એ વિષે તેમની સાથે થોડી ચર્ચા કરીને અહીંથી પગપાળા રવાના થઈ શકીશ. આપણે એક કલાક પછી દેવળદરવાજા વિદ્યુતરથ વિરામસ્થળ પાસે મળીએ. મારે વિદ્યુતરથવહન રસ્તાના મુખ્યાલયમાં લોઢાની સડકના રસ્તાના વ્યવસ્થાતંત્રના પ્રમુખ સંચાલકના સચિવને કશોક કાગળ સુપરત કરવાનો છે. એ પછી હું તમને દેવળદરવાજા બહાર ભૂગર્ભમાર્ગના પ્રવેશદ્વાર પાસે મળીશ. કશી અગવડ જણાય તો બિનતારી દૂરધ્વનિ ઉપકરણથી સંપર્ક કરજો. તમે મૂલ્યપત્રિકાબારી પર જઈને આપણા બંને માટે પવિત્ર ચિહ્ન વિદ્યુતરથ વિરામસ્થળની પ્રથમ વર્ગની મૂલ્યપત્રિકા પ્રાપ્ત કરી રાખશો? હું મારી ચતુષ્ચક્રી ત્યાં નજીકમાં જ મૂકીને આવ્યો છું એટલે આપણે સ્થાનિક વિદ્યુતરથમાં પ્રવાસ કરીને તમારા લક્ષ્યસ્થાને પહોંચી જઈશું.’
તેમણે અકળાઈને કહ્યું, ‘સીધી રીતે વાત કરો ને!’
મેં કહ્યું, ‘હું અહીંથી ચાલીને ચર્ચગેટ સ્ટેશન પાસે આવીશ ત્યાં મારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરીને કોઈ લેટર આપવાનો છે એ આપ્યા પછી હું તમને ચર્ચગેટ સ્ટેશન બહાર સબવેના દરવાજા પાસે મળીશ. તમને કશું ન સમજાય તો મને મોબાઈલ ફોન પર કોલ કરજો. તમે આપણા બંને માટે લોકલ ટ્રેનની સાંતાક્રુઝ સ્ટેશનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ રાખશો? હું કાર સાંતાક્રુઝ સ્ટેશનની નજીક જ મૂકીને આવ્યો છું. એટલે આપણે લોકલ ટ્રેનમાં સાથે સાંતાક્રુઝ જતા રહીશું.’
તેમણે કહ્યું, ‘અરે! તમને ખરાબ લાગી ગયું કે શું? હું તો માત્ર અંગ્રેજી ભાષાના શબ્દોનો પ્રયોગ ન કરવા કહી રહ્યો હતો!’
મેં તેમને કહ્યું, ‘મને સહેજ પણ અગ્નાયી નથી લાગ્યું!’
ચશ્મિષ્ટ મિત્રએ સહેજ ગૂંચવાઈને કહ્યું, ‘તમે ચર્ચગેટ સ્ટેશન પાસે આવો ને. હું એક કલાકમાં ત્યાં પહોંચી જઈશ. પછી ત્યાં વાતો કરીએ.’
અમે ચર્ચગેટ સ્ટેશન પાસે મળ્યા. તે ચશ્મિષ્ટ બૌદ્ધિક મિત્ર અમારી કોમન ફ્રેન્ડ એવી લેખિકા સાથે ઊભા હતા. તેઓ મારા પણ પરિચિત હતા. પરસ્પર અભિવાદન પછી તેમણે કહ્યું, ‘આપણે અહીં જ ક્યાંક કોઈ રેસ્ટોરાંમાં બેસીએ?’
મેં કહ્યું, ‘ઉત્તમ વિચાર છે તમારો. મારો પણ અગ્નાયી જાગૃત થયો છે એટલે આપણે અગ્નાયી લિંબોઈ અન્નજળ ગૃહમાં નિરાંતે બેસીને કશોક અલ્પાહાર કરી લઈએ.’
ચશમિષ્ટ બૌદ્ધિક મિત્ર અકળાઈ ઊઠ્યા. તેમણે કહ્યું, ‘તમને કશું સૂચન પણ ન કરી શકાય? સરળ ભાષામાં વાત કરો ને, ભલા માણસ!’
મેં કહ્યું, ‘ચોક્કસ સૂચન કરી શકાય. અને ખરું કહું તો તમને અગ્નાયી પહોંચાડવાનો મારો હેતુ નહોતો. વળી, આપણે અગ્નાયી ઘણા સમયથી સન્મુખ થયા નથી એટલે મને હરખ છે કે આપણે સાથે સમય વિતાવી શકીશું.’
તેમણે કહ્યું, ‘તમે ઈરાદાપૂર્વક મને અકળાવી રહ્યા છો.’
મેં તેમને કહ્યું, ‘તમે અગ્નાયી ન કરો.’
ચશ્મિષ્ટ બૌદ્ધિક મિત્ર ઉશ્કેરાઈ ગયા. તેમણે કહ્યું, ‘તમે સીધી ભાષામાં વાત કરો નહીં તો હું ચાલતી પકડી લઈશ.’
મેં કહ્યું, ‘તમે અગ્નાયીમાં ન આવી જાઓ. ચાલો હું તમને અહીં લિંબોઈ અન્નજળ ગૃહમાં અગ્નાયીયુક્ત ગરમ પ્રવાહી પીવડાવું.’
તેમણે કહ્યું, ‘કશું સમજાય એવી વાત કરો ને.’
મેં કહ્યું, ‘હું તમને અગ્નાયી પહોંચાડવા નહોતો માગતો એટલે તમને દુ:ખ પહોંચાડવા નહોતો માગતો. તમે અગ્નાયી ન કરો એટલે તમે ગુસ્સો ન કરો. તમે અગ્નાયીમાં ન આવી જાઓ એટલે આવેશમાં ન આવી જાઓ. મારો અગ્નાયી જાગૃત થયો એટલે જઠરાગ્નિ જાગૃત થયો છે. આપણે અગ્નાયી લિંબોઈ અન્નજળ ગૃહમાં નિરાંતે બેસીને કશોક અલ્પાહાર કરી લઈએ એટલે આપણે ત્રણેય અહીં નજીકમાં ‘લેમન ટ્રી’ રેસ્ટોરાં છે એમાં જઈને કાંઈક નાસ્તો કરીએ. અગ્નાયીયુક્ત ગરમ પ્રવાહી પીવડાવું એટલે કેસરવાળી ચા તમને પીવડાવું.’
તેમણે કહ્યું, ‘તો સીધી ભાષામાં વાત કરો ને!’
મેં તેમને કહ્યું, ‘તમે અંગ્રેજી ભાષાના શબ્દો ન વાપરવાનો આગ્રહ રાખવા કહો છો એટલે હું ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યો છું.’
એ પછી મેં અમારી કોમન ફ્રેન્ડ તરફ જોઈને કહ્યું, ‘તમે આજે આટલું બધું અગ્નાયી કેમ પરિધાન કર્યું છે?’
તેણે ગૂંચવાયેલા અવાજે પૂછ્યું, ‘શું કહ્યું?’
મેં કહ્યું, ‘તમે આટલું બધું સોનું કેમ પહેર્યું છે?’
અકળાઈ ઊઠેલા ચશ્મિષ્ટ બૌદ્ધિક મિત્રએ એવું હાસ્ય કર્યું, જેવું ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મમાં બોમન ઈરાનીએ ભજવેલું ડીનનું પાત્ર ગુસ્સે ભરાય ત્યારે કરે છે!
મેં તેમને કહ્યું, ‘તમે અમર્થહાસ ન કરો. અમર્ત્યભુવનમાં જવું હોય તો અગ્નાયી સારો નહીં.’ (વધુ આવતા અંકે)
સાયબર સિક્યુરિટી:નકલી જાહેરાતો: જરા અમથી ચૂક અને ચૂનો લાગ્યો સમજો!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/fake-ads-just-think-of-the-mistakes-and-the-limelight-134540835.html

કેવલ ઉમરેટિયા સા યબર ગઠિયાઓ લોકોને લૂંટવા માટે અવનવી તરકીબો અપનાવે છે. આવી જ એક નવી તરકીબ ધ્યાને આવી છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતાં જોતાં વચ્ચે એક જાહેરાત આવી.
જાહેરાતમાં પ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલનો ફોટો હતો અને નીચે લખેલું હતું કે ‘તેને ખબર નહોતી કે માઇક શરૂ છે, કદાચ તેની કરિઅર પતી જશે.’ જે એકાઉન્ટની જાહેરાત હતી તેનું નામ હતું Express Insight. આવી હેડલાઇન વાંચીને ક્લિક કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. જેવું ક્લિક કર્યું એટલે તરત એક વેબસાઇટ ખુલી.
વેબસાઇટ ખુલતાંની સાથે જ સામે જાણીતા અંગ્રેજી અખબારની વેબસાઈટનું નામ લખેલું હતું. લોગો પણ એનો ને વેબસાઇટ પણ અસલ જેવી. આર્ટિકલનું હેડિંગ હતું ‘Fans advocate for Shreya Ghoshal's release after controversial interview.’ એટલે કે ‘વિવાદિત ઇન્ટરવ્યૂ બાદ ફેન્સે શ્રેયા ઘોષાલને છોડવાની માગ કરી.’
જો અંદર આર્ટિકલમાં શ્રેયા ઘોષાલ અને કરીના કપૂર વચ્ચે ઇન્ટરવ્યૂ સ્વરૂપની વાતચીત હતી. કરીના કપૂર સવાલ પૂછે છે કે આવી લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ કઇ રીતે પોસાય છે? તો શ્રેયા જવાબ આપે છે કે મેં ******* પ્લેટફોર્મ પર રોકાણ
કરવાનું શરૂ કર્યુ છે. હવે તેમાંથી અઢળક કમાણી થઇ રહી છે.
વાત જાણે એમ છે કે એ વેબસાઇટ પર નામ લખેલું હતું પણ તેનું યુઆરએલ worudaholo.com હતું. એટલે કે આ એક સ્કેમ છે. શ્રેયા ઘોષાલ, ભ્રામક હેડલાઇન, ફેક વેબસાઇટ, ફેક ઇન્ટરવ્યૂ અને ખોટી જાહેરાત વડે લોકોના પૈસા ખંખેરવા માટેનું સ્કેમ.
નકલી જાહેરાત
સ્કેમર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (દા.ત. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પર આકર્ષક અને આઘાતજનક પોસ્ટ્સ અથવા જાહેરાતો પોસ્ટ કરે છે, જેમાં સેલિબ્રિટી ફોટો અને આશ્ચર્યજનક કેપ્શન (ક્લિકબેટ)નો ઉપયોગ કરવામાં આવે છે. જેથી લોકો તેમને જોયા પછી ક્લિક કરવા મજબૂર થાય.
ફેક ન્યૂઝ વેબસાઇટ
જ્યારે યૂઝર્સ જાહેરાત પર ક્લિક કરે છે, ત્યારે તેને એક નકલી વેબસાઇટ પર રી-ડાયરેક્ટ કરવામાં આવે છે. જે એકદમ કોઇ પ્રસિદ્ધ સમાચાર વેબસાઇટ જેવી દેખાય છે. અરે ત્યાં સુધી કે ડિઝાઇન, ફોન્ટ અને સ્ટાઇલ બધું જ અસલી જેવું. બસ ખાલી URL અલગ હોય છે. તે પણ જો તમે ધ્યાનથી જોશો તો જ ખબર પડશે.
ફેક સ્ટોરી અને ફેક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ
ખોટી સ્ટોરીની વચ્ચે કોઇ રોકાણ પ્લેટફોર્મની લિંક નાંખી દેવામાં આવે છે. જેમ વેબસાઇટે દાવો કર્યો હતો કે શ્રેયા ઘોષાલે કોઈ રોકાણ પ્લેટફોર્મમાં પૈસા રોકાણ કર્યા હતા અને હવે તે ફક્ત રોકાણમાંથી જ કમાણી કરી રહી છે. તેમાં એક લિંક આપવામાં આવી હતી. જેથી લોકો આ લિંક પર ક્લિક કરવા લલચાય છે અને રોકાણ પણ કરે છે.
યૂઝર્સ પાસેથી ડેટા અને પૈસાની ચોરી
કોઈ વ્યક્તિ આ જાળમાં ફસાય અને તેની અંગત માહિતી દાખલ કરે, ત્યારે સાયબર ગુનેગારો તેનો ડેટા ચોરી લે છે. કોઇ પૈસાનું રોકાણ કરે તો તે સીધા સ્કેમર્સના ખાતામાં જાય છે અને કંઈ પાછું નથી મળતું.
નકલી જાહેરાતો, વેબસાઇટ્સ કેમ ઓળખવી?
1. ક્લિકબેટ હેડલાઇન એટલે કે ક્લિક કરવા લલચાવે તેવી હેડલાઇનથી સાવધાન રહો.
2. દરેક વેબસાઇટનું URL ચોક્કસથી તપાસો.
3. સેલિબ્રિટીઓનાં નામે થતા રોકાણના ખોટા દાવાથી સાવધાન રહો.
4. કોઇ પણ સમાચારનો સોર્સ તપાસો અને બીજા પ્લેટફોર્મ પર ક્રોસ ચેક કરો.
સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આવી જાહેરાતો કે કોઈપણ લિંક પર ક્લિક કરતાં પહેલાં વિચારો. જો તમને પણ આવી કોઈ જાહેરાત દેખાય તો તાત્કાલિક તેને રિપોર્ટ કરો. ઇન્ટરનેટ ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે આપણે બધાં તેનાં જોખમોને સમજીશું અને તેનાથી બચવા માટે જાગૃત રહીશું.
ઈમિગ્રેશન:ગ્રીનકાર્ડ મળ્યા પછી USના સિટીઝન માટે કયું ફોર્મ ભરું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-form-should-i-fill-out-for-a-us-citizen-after-getting-a-green-card-134540792.html

રમેશ રાવલ સવાલ : મારા મધરે F-3 કેટેગરીમાં નવેમ્બર 2006માં પિટિશન ફાઈલ કરેલી છે. પરંતુ તેમનું મૃત્યુ 20-11-2012ના રોજ થયું છે. આ ઉપરાંત મારા નાના ભાઈએ અમે ભાઈ-બહેન માટે 2010માં પિટિશન ફાઈલ કરેલી છે. તો હવે મારો નાનો ભાઈ મારા મધર વતી પિટિશનર બની શકે? મારા બે ભાઈ અમેરિકામાં સિટીઝન છે.
- સુધીર શાહ, અમદાવાદ
જવાબ : તમારા બીજા ભાઈએ તમારા માટે પિટિશન કરી હોય નહીં તો તે સ્પોન્સર કરી શકે. જોકે, મારા અભિપ્રાય પ્રમાણે આ પ્રકારના પિટિશનરના ડેથ કેસનો નિકાલ આવતા ઘણો સમય લાગે છે. તેના કરતાં તમારી F-3ની ફાઈલ એનાથી પહેલાં ઓપન થશે તેથી તેની તપાસ ઈમેલથી કરતા રહો.
સવાલ : મારો પુત્ર F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર અત્યારે બીજા વર્ષમાં સ્ટડી કરે છે. તેની જે યુનિવર્સિટી છે તેમાં એક યુનિવર્સિટી એક્સચેન્જ સ્ટુડન્ટ નેધરલેન્ડથી આવેલ છે. એ સ્ટુડન્ટ સાથે અત્યારે મારો પુત્ર બિઝનેસમાં પાર્ટનર એટલે કે ભાગીદાર થઈ શકે?
- હેતલ જોષી, અમદાવાદ
જવાબ : ના, મારા મંતવ્ય પ્રમાણે તેનું સ્ટેટસ સ્ટુડન્ટનું હોવાથી તે આ પ્રકારે બિઝનેસ વિઝાની જેમ સ્ટેટસ બદલે તે યોગ્ય નથી. કારણ, હાલમાં જે રીતે કાયદા વિરુદ્ધ કાર્ય કરનારની સામે કડકપણે વર્તાવ થાય છે અને કેટલીક વાર ડીપોર્ટ કરાય છે. તમારા પુત્રને સ્ટડી પૂરો થયા પછી જ H-1 B વિઝા મળી શકતો હોય તો અને તે કાયદામાં કોઈ ફેરફાર થાય પછી પ્રયત્ન કરી શકાય.
સવાલ : અમેરિકાના ઈમિગ્રેશન માટે મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, એજ્યુકેશનના સર્ટિફિકેટ્સમાં મારી જે જન્મતારીખ છે તેના કરતાં મારા બર્થ સર્ટિફિકેટમાં મારી જન્મતારીખ જુદી છે. તો મારે શું કરવું જોઈએ?
- મુકેશભાઈ પટેલ, અમદાવાદ
જવાબ : ઈમિગ્રેશન માટે પાસપોર્ટમાં સાચી જન્મતારીખ હોવી જરૂરી છે. ઈન્ટરવ્યૂમાં પાસપોર્ટ અને બર્થ સર્ટિફિકેટ વેરીફાય કરાય છે.
સવાલ : અમેરિકાના સિટીઝને O.C.I. કાર્ડ લેવા શું કરવું જોઈએ?
- રમેશ વોરા, અમેરિકા
જવાબ : અમેરિકામાં એપ્લાય કરવાથી સરળતાથી કાર્ડ મળી શકે. જો ભારતમાં ‌‌વધુ સમય રોકાઈ શકાય તેમ હોય તો F.R.R.O.ની ઓફિસ ઘણાં મોટાં શહેર જેવાં કે અમદાવાદમાં પણ છે. તે ઓફિસમાં અથવા અમેરિકાની ઈન્ડિયન કોન્સ્યુલેટની ઓફિસમાં રૂબરૂ જઈ શકાય અથવા ઓનલાઈન પણ અરજી કરી શકાય કે કેમ તેની તપાસ કરી શકાય. આ સિવાય ન્યૂ દિલ્હી, કલકત્તા, અમૃતસર, ત્યાર બાદ ઘણાં શહેરોમાં તેની ઓફિસ છે. જો ઈન્ડિયામાંથી એપ્લાય કરવું હોય તો ત્રણ મહિનાથી વધુ સમયના કાર્ડ મળવા લાગે છે અને તમારે કાર્ડ લેવા રૂબરૂ તે ઓફિસમાં જવું પડે. Overcas Citizen of India (OCI) કાર્ડ એટલે કાયમી વિઝા ઈન્ડિયા માટે મળે.
સવાલ : હું હાલમાં અમેરિકામાં રહું છું. મારી પુત્રીએ મારા માટે અને મારા વાઈફ માટે બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે ત્રણ વર્ષ પહેલાં ગ્રીનકાર્ડ માટે એપ્લાય કર્યું છે, જેનો બહુ સમય લાગે તેમ હોવાથી અમે અમદાવાદ પાછાં આવવાનું વિચારીએ છીએ. તો અમે ઈન્ડિયામાંથી ગ્રીનકાર્ડ માટે એપ્લાય કરી શકીએ?- સુકુમાર કંસારા, અમેરિકા
જવાબ : જો તમે વિઝિટર વિઝા ઉપર અમેરિકામાં 6 મહિનાથી વધુ સમય માટે રહ્યાં હો તો પ્રોબ્લેમ થઈ શકે. જો તમે અમેરિકામાં કાયદેસર વિઝા એક્સટેન્ડ કરાવ્યા હોય તો તે જણાવશો. ગ્રીનકાર્ડની પિટિશન તમારા પુત્ર અમેરિકન સિટીઝને કરી હોય તો IR-5 કેટેગરીમાં વધુ સમય લાગતો નથી. ઈન્ડિયા પરત આવતાં પહેલાં ત્યાં એક્સપર્ટ ઈમિગ્રેશન લોયરની સલાહ લેજો.
સવાલ : મેં એવું સાંભળ્યું છે કે અમેરિકાના ગ્રીનકાર્ડ હોલ્ડર એક હજાર દિવસો સુધી અમેરિકામાં રહે તો તે અમેરિકાના સિટીઝન થવા માટે સિટીઝનશિપની પિટિશન ફાઈલ કરી શકે તો શું હું પિટિશન ફાઈલ કરી શકું?- ભરત એ. પાઠક, ગાંધીનગર
જવાબ : જ્યારે અમેરિકાના ઈમિગ્રેશન, ગ્રીનકાર્ડ કે વિઝા વગેરે બાબતોની કાયદાની પૂરી જાણકારી વગરના માણસોની કોઈ સલાહ મળી હોય તો તેને માની લેવું જોઈએ નહીં. અમેરિકાના સિટીઝન થવા માટે તે અંગે ફોર્મ નંબર N-400 ફાઈલ કરવું પડે, જેમાં ગ્રીનકાર્ડ હોલ્ડરે પરમેનેન્ટ રેસિડન્ટ તરીકે અમેરિકામાં પાંચ વર્ષ કે તેથી વધારે સમય અમેરિકામાં વસવાટ કર્યો હોવો જોઈએ. હાલમાં તમે ઈન્ડિયામાં રહો છો. તેથી આ બાબતમાં પહેલાં ફોર્મ પૂરેપૂરું વાંચી લીધા પછી જ અમેરિકાના એટર્નીની સલાહ લેવી જરૂરી છે.
સવાલ : મારી પુત્રી આઠ વર્ષથી પુનામાં સ્ટડી કરે છે. તે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી માટે સ્ટડી કરે છે. તેનું આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરેમાં પુનાનું એડ્રેસ છે. મારે એ જાણવું છે કે તેણે આગળ વધુ અભ્યાસ કરવો હોય અને તેને જોબ મળી શકે તેના માટે કયો કન્ટ્રી બેસ્ટ છે?- રફીક રજવાણી, અમદાવાદ
જવાબ : કોમ્પ્યુટર સાયન્સની માસ્ટર્સ ડિગ્રી ધરાવનારને દુનિયાના કોઈપણ અદ્યતન અને વિકસિત દેશમાં અવકાશ છે અને તેનું ભવિષ્ય સારું છે. પરંતુ કયો દેશ બેસ્ટ છે તે કહેવું મુશ્કેલ છે. મારા મંતવ્ય પ્રમાણે આપણો ભારત દેશ પણ ખૂબ જ વિકાસશીલ છે તેથી ભારતમાં પણ પી.એચ.ડી. કરવાથી જોબ મળી શકે. તો હવે ફરીથી માસ્ટર્સ ડિગ્રી માટે બીજા દેશમાં એપ્યાલ કરવા જેવું નથી. તેમ છતાં અમેરિકાની હાલની પરિસ્થિતિ જોતાં યુરોપના ઘણા દેશો વિકસિત છે અને ત્યાં એપ્લાય કરી શકાય. દુનિયાના કુલ 15 દેશોમાં ઈન્વેસ્ટ કરવાથી કાયમ રહી શકાય.
સવાલ : મારા પુત્રને ટુરિસ્ટ વિઝા મળ્યા છે અને તેણે અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરેલું અને તેમાં એડમિશન મળી ગયું છે. અમે આ વર્ષમાં એપ્રિલ મહિનામાં ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા જવા વિચારીએ છીએ. તો અમે ઈન્ડિયા પાછાં આવ્યા પછી સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરીએ કે અમેરિકામાં જ તેની સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ પૂરી કરીએ?- નિકિતા ભટ્ટ, અમદાવાદ
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)
દેશી ઓઠાં:બોલતી બકરી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/talking-goat-134540806.html

ચાં દીના રસનો રેલો હાલ્યો જાતો હોય એવી રૂડી નદી. નદીને કાંઠે લીલાં પાનના ઢગલા જેવું ગામ. ગામની બજારમાં સોમા શેઠની દુકાન. શેઠનો વેપાર જામેલો. મૂડી વાળો માણસ. થોડીઘણી ધીરધાર પણ કરે. ગણતરી વાળો જીવ. લાભ-ગેરલાભના હિસાબ વગર ડગલું નો માંડે.
એક દી રોંઢા ટાણે સોમો શેઠ દુકાનના થડે બેઠો બેઠો ઝોકાં ખાય છે. બજારમાં આવરો જાવરો ઓછો છે. એમાં ધૂડો પગી બકરીને દોરતો દોરતો હાલ્યો આવે છે. સોમા શેઠની દુકાને આવીને ઊભો રિયો. 'એ રામ રામ, શેઠ!’ શેઠે ઝબકીને આંખ્ય ઉઘાડી. 'રામ રામ.. રામ રામ! આવ્ય, ધૂડા! આવ્ય! બકરી લઈને કેની કોર્ય ઊપડ્યો?’
'બસ, આંય લગણ જ. શેઠ! પૈસાની જરૂર છે તે આ બકરી તમને વેચવા આવ્યો છું.’
'અરે, ધૂડા! મારે બકરીને શું કરવી છે? અને બકરીનું દૂધ મને ભાવતુંય નથી!’
'શેઠ! આ બકરી જેવીતેવી નથી હોં! આ તો બોલતી બકરી છે. વાતું કરે! મને એક સાધુએ આપી છે. તમારે આંગણે સચવાય અને ખાટકીને ઘેર નો જાય, એટલે તમને દેવી છે.’
શેઠે બકરી ખરીદી લીધી. બીજે દી 'બોલતી બકરી’ને જોવા ગામલોકોની લેન લાગી. શેઠે તો એક એક આનો ટિકિટ રાખી. પૈસાના ઢગલા થ્યા. થોડા દી પછી લોકો આવતા બંધ થ્યા. શેઠને હવે બકરી નકામી લાગે છે. એણે તો બકરી ખાટકીને વેચી દીધી. બકરીએ ખાટકીને કીધું, ‘ભાઈ! તારો દીકરો ઘણા વખતથી બીમાર છે ને! એને સાજો કરવો હોય તો મારી બે વાત માન. તારા દીકરાને મારું દૂધ પીવડાવ અને મને કાપવાનો કોઈ દી વશ્યાર કરતો નહીં.’
ખાટકીએ તો બકરીની વાત માની લીધી. જેમ દીવામાં દિવેલ પૂરાય ને દીવો તેજ કરે એમ દીકરાને નરવાઈ આવી ગઈ. જેની આશા મેલી દીધેલી ઈ દીકરો ઘોડા વાળતો થઈ ગ્યો. ખાટકી તો બકરીની સેવા-પૂજા કરે છે. ગામલોકો દર્શન કરવા આવે છે. ખાટકીએ એની ટિકિટ નથી રાખી.
ઓક્સિજન:વીણવાની કળા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-art-of-weaving-134540750.html

‘પોલીસને આશ્રમમાં નહીં ઘૂસવા દઈએ…’ પોતાના આશ્રમના દરવાજે થઈ રહેલો કોલાહલ સાંભળી શિવાબાપુ પોતાની ઓરડીમાંથી બહાર દોડી આવ્યા. તે જુએ તો આશ્રમવાસીઓ, ભક્તો, અનુયાયીઓ, સહુ આંગણે આવેલી પોલીસની જીપ રોકીને ઊભાં હતાં. તેમનું કહેવું હતું કે આશ્રમમાં પોલીસ દાખલ થાય તો આશ્રમનું નામ લજવાય. PSI જાડેજા એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં શિવાબાપુ આવી પહોંચ્યા.
પાછલી રાતે ગામમાં ચોરી થઈ હોવાથી પોલીસ તપાસ અર્થે ત્યાં આવી હતી. શિવાબાપુ તો સંત માણસ, તેમને શેનો ડર? તેઓ જાડેજાને માનપૂર્વક આશ્રમમાં લઈ આવ્યા. પાછળ પોતાના અનુયાયીઓનો ગણગણાટ સાંભળી તેમણે સૌને ભેગાં કરીને કહ્યું, ‘પોલીસના આવવાથી આટલો કચવાટ શાને? મારું અને આ સાહેબનું કામ તો સરખું છે.’ આ સાંભળી સહુ મૂંઝાયાં.
‘કોઠારમાંથી ઘઉં લઈ આવો.’ બાપુએ એક ભક્તને આદેશ આપ્યો. તેમની નજરનો સંદેશો પારખી એક અનુયાયી કથરોટમાં ઘઉં લઈ આવ્યો. સહુનું ધ્યાન એ કથરોટ ઉપર હતું. બાપુ જાડેજાને કહે, ‘ચાલો, સવાલ જવાબ કરીએ અને સાથે ઘઉં વીણતાં જઈએ.’ બંનેએ વીણવાની શરૂઆત કરી. પોલીસે કાંકરા છૂટા પાડ્યા અને સંતે ઘઉં. એમ કરતાં કરતાં પૂછતાછ પણ પૂરી થઈ ગઈ. શિવાબાપુએ હાજર રહેલા સહુને કહ્યું, ‘જોયું? અમે બંને ઘઉં વીણવાનું કામ કરીએ છીએ.’ જાડેજા મલકાયા અને બાપુને કહે, ‘આપણી આસપાસ કેટલી મોટી દુનિયા છે. તેમાંથી શું વીણવું તે નક્કી કરવું કઠિન છે, પરંતુ તેથીય વધુ કઠિન છે કે તેનું શું કરવું.’
બાપુ કહે, ‘બંનેની થાળી એક જ છે, આ સમાજ. તમે પથરા સમાન ‘ગુનો’ વીણી તેનો નિકાલ કરો છો, હું ઘઉં સમાન ‘ગુણો’ વીણી તેને ઉપયોગી બનાવું છું.’
ડૉક્ટરની ડાયરી:સંબંધ પ્રેસમાં કોઈ છાપી શકાય ના, સંબંધ ટેપથી કદી માપી શકાય ના
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/relationships-cannot-be-printed-in-the-press-relationships-can-never-be-measured-with-a-tape-measure-134540776.html

ડો. તીરથ સવારના પહોરમાં ઊઠ્યા. બ્રશ કરવા માટે વોશ બેસિન પાસે ગયા. સામેના મિરરમાં પોતાનો ચહેરો જોયો. ડઘાઇ ગયા. અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબને જોઇને આઘાતમાં સરી પડ્યા. રોજ તો મિરરમાં દેખાતો ચહેરો સુરેખ અને સોહામણો લાગતો હતો. આજે આવો કેમ દેખાય છે? મોઢું વાંકું થઇ ગયું હતું. એક આંખ ઉઘાડબંધ થતી હતી, પણ બીજી આંખ ખુલ્લી જ રહેતી હતી.
ડો. તીરથને વિચાર આવ્યો કે આખી રાત ઊંઘ દરમિયાન એક પડખે સૂવાને કારણે આવું થયું હશે. ક્યારેક એક હાથ, ખભો કે ગરદન અકડાઇ જતાં હોય છે એના જેવું આજે ચહેરા ઉપર થયું હશે. એમણે ખુલ્લી રહેતી આંખ બંધ કરવાનો પ્રયત્ન કર્યો. પોપચું બંધ જ ન થયું. એમણે મોઢું સીધું કરવાની કોશિશ કરી. એમાં પણ સફળતા ન મળી. પોતે ડોક્ટર હોવાથી સમજી ગયા કે તેમના ચહેરાને લકવો થઇ ગયો છે. ડોક્ટરે આખું શરીર તપાસી લીધું. અડધા ચહેરાને બાદ કરતા બાકીનાં બધાં જ અંગો નોર્મલ હતાં. આ સ્થિતિને ફેસિયલ પાલ્સી કહેવામાં આવે છે.
આવું થાય ત્યારે સામાન્ય માણસ પણ ચિંતામાં પડી જાય. ડો. તીરથની ચિંતા સામાન્ય કરતાં ત્રણ ગણી વધારે હતી. એક ચિંતા કોમન મેનને થાય એવી હતી. બીજી ચિંતા ડોક્ટર હોવાના કારણે હતી અને ત્રીજી ચિંતા એમના ભાવિ લગ્નજીવન અંગેની હતી.
હજુ થોડા દિવસ પહેલાં જ ડોક્ટરની સગાઈ નક્કી થઇ હતી. કન્યા મુંબઇની હતી. એ પણ ડોક્ટર હતી. નામ ડો. પૂર્વા. ડો. તીરથ મમ્મી-પપ્પાની સાથે મુંબઇ જઇને ડો. પૂર્વાના પરિવારને મળી આવ્યો હતો. બંને પક્ષ સંતુષ્ટ હતા. સગાઇનું મુહૂર્ત પણ જોવાઇ ગયું હતું.
ડો. પૂર્વાના મામાનો પરિવાર પણ હાજર હતો. મામાએ તો તીરથને ભાવિ ભાણેજ-જમાઈ તરીકે સ્વીકારી પણ લીધા હતા. તીરથના હાથમાં કંકોતરી મૂકીને એમણે ભારપૂર્વક આગ્રહ કર્યો હતો, 'ડોક્ટરસાહેબ મારી દીકરીનાં લગ્ન છે. વીસ દિવસની વાર છે. તમારે અને તમારા આખા ફેમિલીએ આવવાનું છે. કોઇ બહાનું ચલાવી લેવામાં આવશે નહીં.'
તીરથ કંઇ બોલે તે પહેલાં એના પપ્પાએ જવાબ આપી દીધો, 'અમારાથી તો નહીં આવી શકાય, પણ તીરથ જરૂર આવશે.' આ સાંભળીને ડો. તીરથે તીરછી નજર કરીને પૂર્વાની સામે જોયું હતું. પૂર્વા ડૉક્ટર હોવા છતાં મુગ્ધા જેવા મનોભાવ ધારણ કરીને અપેક્ષાભરી આંખે તીરથ સામે જોઈ રહી હતી. પોતાનો ભાવિ જીવનસાથી વીસ દિવસ પછી પાછો જોવા મળશે એ કલ્પનામાત્રથી એ રોમાંચ અનુભવી રહી હતી. અમદાવાદ આવીને ડો. તીરથે મોંઘામાં મોંઘા દરજી પાસે જઈને ત્રણ જોડી સારાં પેન્ટ-શર્ટ સિવડાવી દીધાં. કિંમતી બેલ્ટ અને નવા લેધર શૂઝ ખરીદ્યાં. એક રેડીમેડ બ્લેઝર ખરીદી લીધું.
ડો. તીરથ અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફર્સ્ટ યર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતો હતો. પ્રથમ વર્ષના ડોક્ટરોને કામનું ભારણ વધારે રહેતું હોય છે. એમનાં કેલેન્ડરમાં રજા નામનું પાનું નથી હોતું અને શબ્દકોશમાં મજા નામનો શબ્દ નથી હોતો. ડો. તીરથે એના યુનિટમાં મોટાસાહેબને મળીને રજા માટે વિનંતી કરી. મોટાસાહેબ બગડ્યા, 'શેના માટે રજા જોઈએ છે?'
'લગ્ન માટે.' ડો. તીરથે ટૂંકો જવાબ આપ્યો.
'તારાં લગ્ન માટે?' રજા નહીં મળે. ત્રણ વર્ષ પૂરાં થઇ જવા દે. તે પછી લગ્ન કરજે.' મોટાસાહેબનો હિસાબ ચોખ્ખો હતો. એ માનતા હતા કે પોસ્ટ ગ્રેજ્યુએશનનાં ત્રણ વર્ષ દરમિયાન કોઇ રેસિડેન્ટ ડોક્ટરે લગ્ન કરવા ન જોઇએ. લગ્ન કરવા માટે આખી જિંદગી પડી છે. ડો. તીરથે ખુલાસો કર્યો, 'સર, લગ્ન મારાં નથી થવાનાં, પણ જે છોકરી સાથે સગાઇનું પાકું થયું છે, તેની કઝિનનાં લગ્ન થઇ રહ્યાં છે. મારે મુંબઇ જવાનું છે. તમે રજા મંજૂર કરો તે પછી હું ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન કરાવું.'
મોટાસાહેબના રુદિયામાં રામ વસ્યા. એમણે છુટ્ટી આપી દીધી પણ આવી તાકીદ સાથે, 'સોમ, મંગળ, બુધ; આ ત્રણ દિવસની રજા આપું છું. ગુરુવારે સવારે હું વોર્ડમાં રાઉન્ડ લેવા આવું ત્યારે તું હાજર હોવો જોઈએ.'
એ પછી ડો. તીરથે અમદાવાદથી મુંબઇની આવવા-જવાની ટિકિટ બુક કરાવી દીધી. બધું ગોઠવાઈ ગયું હતું. નવો સંબંધ હતો, નવાં કપડાં હતાં, નવો ઉમંગ હતો; ત્યાં જ અચાનક ફેસિયલ પાલ્સીએ બધું ચકનાચૂર કરી નાખ્યું. આ બીમારીમાં ચહેરાનો અડધો હિસ્સો લકવાનો ભોગ બની જાય છે એટલે અસરગ્રસ્ત બાજુની આંખ બંધ થઈ શકતી નથી. હોઠ અને દાઢી સાજી બાજુ તરફ ખેંચાઈ જાય છે. ચહેરો વિકૃત દેખાય છે. કોળિયો ચાવતી વખતે લકવાગ્રસ્ત હોઠો વચ્ચેથી ખોરાક બહાર સરકી આવે છે. પાણીનો ઘૂંટડો પીવા જતાં થોડું પાણી બહાર આવી જાય છે. ખાતાં-પીતાં ન હોઇએ તો પણ મોઢામાંથી લાળ ટપકતી રહે છે.
👍1
ડો. તીરથને આ બધું જ થતું હતું અને આવી હાલતમાં એણે મુંબઇ લગ્નમાં હાજરી આપવા જવાનું હતું. તીરથે નક્કી કરી લીધું, 'હું મુંબઇ જરૂર જઈશ પણ લગ્નમાં હાજરી નહીં આપું. આવું મોઢું લઇને ત્યાં જાઉં તો હાંસીપાત્ર બનું. ટિકિટ બુક થઇ ગઇ છે એટલે મુંબઇ જઇને પૂર્વાને ક્યાંક એકાંતમાં મળી લઇશ અને મારો ચહેરો બતાવીશ એટલે એ બી જશે. હું એને કમિટમેન્ટમાંથી મુક્ત કરી દઈશ.' ત્યારે મોબાઇલ ફોનનો જમાનો ન હતો. ડો. તીરથે લેન્ડલાઇન પરથી ડો. પૂર્વાને ફોન કર્યો. ‘હું સોમવારે સવારે મુંબઇ પહોંચું છું. તારા ઘરે નહીં આવું. આપણે કોઈ રેસ્ટોરાંમાં મળીશું. મારે તારી સાથે ખૂબ મહત્ત્વની ચર્ચા કરવી છે. મને એક પણ પ્રશ્ન પૂછતી નહીં.'
ડો. પૂર્વાને આશ્ચર્ય તો થયું, પણ પ્રશ્ન પૂછવાની મનાઇ હતી એટલે એ કંઇ બોલી નહીં. એણે કહ્યું, 'સોમવારે સવારે દસ વાગે બોરિવલીના 'ગોકુલ' રેસ્ટોરાંમાં તારી રાહ જોતી હઇશ.' નિર્ધારિત દિવસે અને સમયે બંને મળ્યાં. પૂર્વાને પ્રથમ નજરે આઘાત ન લાગે એટલા માટે તીરથે પોતાના વિદ્રૂપ ચહેરાને મફલર વડે ઢાંકી રાખ્યો હતો.
પૂર્વાએ પૂછ્યું, 'શું ખાઇશ? હું તો મારા માટે વડાપાઉંનો ઓર્ડર આપું છું.' ડો. તીરથે હાથના ઇશારાથી ના પાડી કે મારે કંઇ ખાવું નથી. વાસ્તવમાં એ નહોતો ઇચ્છતો કે ખાતી વખતે એનો લકવાગ્રસ્ત ચહેરો અને એમાંથી સરી પડતો કોળિયો પૂર્વા જોઇ જાય. પૂર્વાએ વડાપાઉં ખાવાનું શરૂ કર્યું અને તીરથે બોલવાનું શરૂ કર્યું, 'મને માફ કરજે. તું બીજો યોગ્ય મુરતિયો શોધી લેજે. હું તારે લાયક રહ્યો નથી.'
લકવાને કારણે તીરથનો અવાજ ધીમો અને અસ્પષ્ટ હતો. પૂર્વા તેજ દિમાગવાળી નીકળી. એણે એક, બે, ત્રણ, ચાર મુદ્દાઓ જોડી દીધા. તીરથનું પોતાના ઘરે ન આવવું, બહાર એકલા મળવું, ચહેરો ઢાંકેલો રાખવો અને સંબંધ ફોક કરવાની વાત કરવી; આ બધાંનો એણે મનોમન સરવાળો કરી લીધો.
એણે મફલર ખેંચી કાઢ્યું. પછી એકશ્વાસે બોલી ગઇ, 'ઓહ, ફેસિયલ પાલ્સી? મને થતું જ હતું કે તું કંઇક છુપાવી રહ્યો છે. તું મને શું સમજી બેઠો છે? માન કે આ જ બીમારી આપણાં લગ્ન પછી થઇ હોત તો? અથવા મને થઇ હોત તો? આખી જિંદગી સાથે રહેવાના સંકલ્પનું આયુષ્ય માત્ર આટલું જ? હું તારી સાથે લગ્ન કરીશ જ. તારે લગ્ન ન કરવા હોય તો તારી મરજી. હું આજીવન કુંવારી રહીશ.'
આ સાંભળીને તીરથની સાજી અને લકવાગ્રસ્ત બંને આંખોમાંથી આંસુ સરી પડ્યાં. આવા ચહેરા સાથે એણે લગ્નમાં હાજરી આપી. થોડા મહિના પછી એના અને પૂર્વાનાં લગ્ન થયાં. લગ્નના ચાર મહિના બાદ ચહેરાનો લકવો દૂર થઇ ગયો. હાલમાં બંને સિનિયર સિટીઝન બની ગયાં છે. એમનાં સંતાનોના ઘરે પણ સંતાનો છે.
(સત્યઘટનાઃ ડો. પ્રફુલ્લ નાયક શીર્ષકપંક્તિ: આશિત હૈદરાબાદી)
2025/07/14 06:10:44
Back to Top
HTML Embed Code: