tgoop.com/DivyaBhaskar/35692
Last Update:
સુનામી:જે લોકો તમને માથે ચડાવે છે, એ લોકોને માથેથી નીચે ઉતારવાનો પણ અધિકાર છે!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/people-who-put-you-up-have-the-right-to-put-you-down-133291071.html
કો એના વિશે ખૂબ બોલ્યા. કોઇએ એને સ્વાર્થી કહ્યો તો કોઇએ કહ્યું કે આ માણસમાં ખેલદિલી જેવું કંઇ છે જ નહીં...કોઇએ એની તસવીરને સાપ સાથે મૂકીને લખ્યું કે વિવિધ પ્રકારનાં સાપ...તો કોઇએ એને દેશદ્રોહી પણ કહ્યો! રોહિત શર્માને હટાવીને એને કેપ્ટન બનાવાયો ત્યારે લોકોએ એના નામે ખૂબ માછલા ધોયેલા. એની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ત્યારે લોકોએ જજમેન્ટ આપ્યું અમે તો કહેતા જ હતા કે એને કેપ્ટન બનાવાય જ નહીં! એ ન તો સરખી બેટિંગ કરી શક્યો અને ન તો બોલિંગ. એનું પરફોર્મન્સ નબળું પડતું ગયું. એના નબળાં પડી રહેલા પરફોર્મન્સને લોકોએ એની અંગત જિંદગી સાથે જોડી દીધું. હવે એની પ્રોફેશનલ કેરિયરની સાથે-સાથે અંગત જિંદગી વિશે પણ ચર્ચા થવા માંડી. એના ડિવોર્સ, એની પાસે મંગાયેલી એલીમની વગેરે વગેરે વિશે બેફામ લખાયું. કલકત્તા પોલીસે તો પોતાના એક કેમ્પેનમાં હાર્દિક પંડ્યાનાં ફોટોગ્રાફ નીચે ‘ધોખા’ એવું પણ લખી નાખ્યું. આખું સોશિયલ મીડિયા એના પર હસી રહ્યું હતું. ઘણાં લોકો એની મજાક બનાવી પોતાનું ડોપામાઇન વધારી રહ્યા હતા અને એ? એ બધું સાંભળતો રહ્યો...બધું વાંચતો રહ્યો.
એ કશું જ બોલ્યો નહીં. એને પણ દુ:ખ થયું હશે. એ પણ ડિસ્ટર્બ તો થયો જ હશે. આત્મવિશ્વાસ પણ ડગ્યો હશે. પહેલાંની જેમ રમી શકાશે કે કેમ? એવા સવાલો એને પણ થયા જ હશે! ત્રણ-ચાર મહિના પહેલાં એક પત્રકારે હાર્દિકને પૂછેલું તમારે તમારા ટ્રોલિંગ વિશે કંઇ કહેવું છે? અને એણે ડોકું ધુણાવી ઘસીને ના પાડી દીધેલી. એ પછી એ ચૂપ જ રહ્યો. 29મીની રાત્રે એ બાર્બાડોસના ગ્રાઉન્ડ પર હાથમાં કાતર લઇને ઉતર્યો અને એ બધાની જીભ એકસામટી કાપી નાખી જે અનાપ-શનાબ બક્યા હતા.
આ આખા વર્લ્ડકપમાં એણે 150થી વધુની સ્ટ્રાઇક રેટથી 144 રન તો બનાવ્યા જ પણ 11 મહત્ત્વપૂર્ણ વિકેટ પણ લીધી. હવે ICCએ જાહેર કરેલા લેટેસ્ટ ટી20 ઓલરાઉન્ડરોનાં રેન્કિંગમાં એ વિશ્વનો પહેલા નંબરનો ખેલાડી બની ચૂક્યો છે. એણે ઇતિહાસ રચી દીધો છે. જે લોકોએ એને ટ્રોલ કરેલો એ બધા જ હવે એને હિરો બનાવી રહ્યા છે અને એ હજી
પણ ચૂપ છે.
મારે ટ્રોલિંગ વિશે વાત નથી કરવી. પીઠ પાછળ કૂતરાં તો બહુ ભસે કે સફળતાના સૌ સાથી-નિષ્ફળતાના સાથી કોઇ નહીં...વગેરે વગેરે લિસ્સી વાતો પણ નથી કરવી. મારે બે મુદ્દાઓ પર વાત કરવી છે. એક છે હાર્દિકની જેમ કાન પર હાથ મૂકી હાથે કરીને બહેરા થઇ જવાની આવડત વિશે અને બે છે જે લોકો તમને માથે ચડાવે એ લોકોના તમને માથેથી નીચે ઉતારી દેવાના અધિકાર વિશે.
હાથે કરીને બહેરા થઇ જવાની આવી આવડત કેળવવા જેવી છે. એ આપણાં તો લાભાર્થે છે જ પણ સામેવાળાના લાભાર્થે પણ છે. જ્યારે તમે બધું સાંભળો છો અને છતાં નહીં સાંભળવાનો ડોળ કરો છો ત્યારે ફાયદો એ છે કે તમે ડાબી બાજુ પણ વળી શકો છો અને જમણી બાજુ પણ વળી શકો છો.
જ્યારે તમને ક્રિટિસાઇઝ કરવામાં આવી રહ્યા હોય, હથોડીઓ વડે તમારા આત્મવિશ્વાસને તોડાઇ રહ્યો હોય, તમારા ગુમાનમાં ટાંકણીઓ વડે લોકો કાણાં પાડી રહ્યા હોય ત્યારે એમાંથી સર્વાઇવ થવાનો સૌથી પહેલો અને સહેલો રસ્તો એક જ છે...હાથે કરીને બહેરા થઇ જવાનો. તમે કંઇ સાંભળતા જ ન હોવ ત્યારે બોલનારના શબ્દો પાણીમાં જતા રહે છે. બધું સાંભળવા છતાં તમે ન સાંભળવાનો ડોળ કરો ત્યારે બોલનારનો કોન્ફિડન્સ પાણીમાં જતો રહે. આપણે ડૂબી જવું એનાં કરતા આ રસ્તો સહેલો છે.
સોશિયલ મીડિયા પર તમારા વખાણ થાય એ તમને ગમતું હોય. તમારા નામે રીલો બને અને તમને શેર પાનો ચડી જતો હોય. તમે વાઇરલ થાઓ ત્યારે અરીસા સામે ઊભા રહી ફૂલા ન સમાતા હો... એક-એક કોમેન્ટ કોઇ એવોર્ડ જેવી લાગતી હોય, થેંક યુ ફોર 50K કે 500K ફોલોઅર્સની પોસ્ટો મૂકતા હો તો સોશિયલ મીડિયા પર થઇ રહેલા તમારા ક્રિટિસિઝમને તમારે સ્વીકારવું જોઇએ-સ્વીકારવું પડે. કારણ કે જે લોકો તમને માથે ચડાવે છે એ લોકો પાસે જ તમને માથેથી નીચે ઉતારવાનો અધિકાર પણ છે જ. એમને આ અધિકાર તમારે આપવો જ પડે.
હાર્દિક પંડ્યા પાસેથી આ વાત શીખવા જેવી છે. ધારત તો એ સોશિયલ મીડિયા પર બેફામ જવાબો લખી શક્યો હોત, અભદ્ર ભાષામાં જવાબો આપી પોતાની વાતને સાચી ઠેરવવાની કોશિશો કરી શક્યો હોત પણ ચૂપ રહેતા એને આવડતું હતું. એને ખબર હતી કે જે લોકોએ પહેલાં માથે ચડાવ્યો છે એ જ લોકો અત્યારે મિમ્સ બનાવી રહ્યા છે અને આ એ જ લોકો છે જે આવતીકાલે ફરી માથે પણ ચડાવવાના છે અને એટલે એણે ન તો એના ટ્રોલિંગ પર ફોકસ કર્યું, ન તો એના વિશે લખાતી કોમેન્ટસ વાંચ્યા કરી. લોકો એની અંગત જિંદગીમાં અંદર સુધી ઘૂસી ગયા તો પણ એણે ઝાઝા ખુલાસાઓ ના કર્યા.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35692