tgoop.com/DivyaBhaskar/35694
Last Update:
રસથાળ:વરસાદી મોસમમાં ગરમાગરમ પકોડાનો સાથ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/accompaniment-of-hot-pakoras-in-rainy-season-133291270.html
ચટાકેદાર પનીર પકોડા સામગ્રી : લસણની ચટણી, ગ્રીન ચટણી, પનીર-200 ગ્રામ, પૌંઆ-અડધો કપ, ચણાનો લોટ-1 કપ, ચોખાનો લોટ-3 ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, સમારેલો કોથમીર-પા કપ, ખાવાનો સોડા-ચપટી, પાણી-જરૂર મુજબ, તેલ-તળવા માટે, ચાટ મસાલો-અડધી ચમચી, હળદર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ
રીત : પૌંઆને મિક્સરમાં ક્રશ કરી લો. પનીરને એકસરખા ચોરસ ટુકડામાં સમારી લો. તેની ઉપર લસણની અને ગ્રીન ચટણી લગાવી એકબીજા ઉપર મૂકી સેન્ડવિચ જેવું તૈયાર કરો. હવે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાઉડર, સમારેલી કોથમીર અને ખાવાનો સોડા મિક્સ કરી ખીરું તૈયાર કરી લો.
પનીરના ટુકડાને તેમાં ડીપ કરી ક્રશ પૌંઆમાં રગદોળીને ચારેય બાજુથી વ્યવસ્થિત કોટ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરીને મધ્યમ આંચ પર તળી લો. ચટાકેદાર પનીર પકોડાને સોસ અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસો. ઓનિયન ભાજી પકોડા
સામગ્રી : સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલી મેથી-1 કપ, સમારેલી પાલક-1 કપ, સમારેલી કોથમીર-અડધો કપ, સમારેલું બટાકું-1 નંગ, સમારેલાં લીલાં મરચાં-4 નંગ, ચણાનો લોટ-2 કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી, અજમો-પા ચમચી, ખાવાનો સોડા-અડધી ચમચી, તેલ-તળવા માટે
રીત : ડુંગળીને ઝીણી સમારી લો. બધી ભાજીને પાણીમાં પલાળી નિતારી લો. હવે બધી સામગ્રીને એક પહોળા વાસણમાં મિક્સ કરો. ખાવાનો સોડા અને જરૂર મુજબ પાણી રેડી ખીરું તૈયાર કરો. ગરમ તેલમાં નાના નાના પકોડા ઉતારો. તળેલાં લીલાં મરચાં, સમારેલી ડુંગળી અને કાઢી સાથે ઓનિયન ભાજી પકોડાનો સ્વાદ માણો. આલુ વેજ પકોડા સામગ્રી : બ્રેડ ક્રમ્બ્સ-1 કપ, કોર્નફ્લોર-4 ચમચી, બાફેલાં બટાકાં-2 નંગ, ડુંગળી-1 નંગ, ગાજર-1 નંગ, ટામેટું-1 નંગ, લીલાં મરચાં-2 નંગ, સમારેલી કોથમીર-અડધો કપ, છીણેલું આદું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-પા ચમચી, લીંબુનો રસ-1 ચમચી, ખાંડ-1 ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, તેલ-તળવા માટે
રીત : બાફેલાં બટાકાં, ડુંગળી અને ગાજરને છીણી લો. ટામેટાંને ઝીણું સમારી લો. હવે એક પહોળા વાસણમાં બધું શાક, લીલાં મરચાં, ટામેટાં, કોથમીર, છીણેલું આદું અને લીંબુનો રસ મિક્સ કરો. હવે તેમ બાકીની સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી રેડી ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. ગરમ તેલમાં નાનાં પકોડા પાડી લો.ક્રિસ્પી તળી લો. આ પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે. ક્રન્ચી વેજિટેબલનો સ્વાદ તેની મજામાં ઓર વધારો કરે છે. અજમા પકોડા સામગ્રી : ચણાનો લોટ-1 કપ, ચોખાનો લોટ-2 ચમચી, અજમાના પાન-12થી 15 નંગ, મીઠું-સ્વાદ મુજબ, હિંગ-ચપટી, હળદર-પા ચમચી, તેલ-તળવા માટે
રીત : સૌપ્રથમ અજમાના પાનને ધોઈ અને કોરા કરી લેવા. એક બાઉલમાં બધી સામગ્રી લઈ જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. હવે તેલ ગરમ થાય એટલે ખીરામાં 1 ચમચી ગરમ તેલ મિક્સ કરો. તેલ ગરમ થાય એટલે અજમાના પાન ખીરામાં બોળી બંને સાઈડ ક્રિસ્પી તળી લેવા. પકોડા ઉપર થોડું લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો છાંટો. અજમા પકોડાની મજા દહીં સાથે માણો. અજમાના પાન ભોજનને સ્વાદિષ્ટ બનાવવા સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પેટ ને લગતી સમસ્યા માટે તેના પણ ખૂબ ઉપયોગી છે. કોર્ન પકોડા
સામગ્રી : બાફેલા મકાઈદાણા-2 કપ, સમારેલા લીલાં મરચાં-4 નંગ, સમારેલાં કેપ્સિકમ-પા કપ, સમારેલી કોથમીર-પા કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-પા ચમચી, હિંગ-પા ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ચણાનો લોટ-દોઢ કપ, ચોખાનો લોટ-4 ચમચી, તેલ-તળવા માટે
રીત : એક બાઉલમાં મકાઈનાં દાણાં, કેપ્સિકમ, લીલું મરચું, સમારેલી કોથમીર, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો. કડાઈમાં તેલ ગરમ થાય એટલે ધીમી આંચે કોર્ન પકોડા તળી લો.ગરમાગરમ કોર્ન પકોડાને ફુદીના ચટણી સાથે પીરસો. ક્રિસ્પી ફ્લાવર પકોડા
સામગ્રી : ફ્લાવર-1 કપ, ચણાનો લોટ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, કોર્નફ્લોર-1 ચમચી, હિંગ-પા ચમચી, અજમો-ચપટી, મરી પાઉડર-પા ચમચી, તેલ-તળવા માટે
રીત : ફ્લાવરના મોટા ટુકડા કરી મીઠાંવાળા પાણીમાં થોડીવાર પલાળી રાખો. ત્યારબાદ તેને નિતારી એક કપડામાં લઈ કોરાં કરી લો. એક વાસણમાં ચણાનો લોટ, કોર્ન ફ્લોર અને ઉપર જણાવેલો મસાલો ઉમેરી જરૂર મુજબ પાણી રેડી ખીરું તૈયાર કરી લો. ફ્લાવરને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લો. ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35694