tgoop.com/DivyaBhaskar/35699
Last Update:
બુધવારની બપોરે:વાંદરાથી બચવાનો ઉપાય!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-solution-to-escape-from-monkeys-133296133.html
કૂ તરાં ઉપર...આઇ મીન, કૂતરાં વિશે આજ સુધી મેં 46 લેખો લખ્યા છે, પણ વાંદરા વિશે તો આ 23-મો લેખ જ છે. એનો અર્થ એવો નથી કે, હું કૂતરાંઓની વધુ નજીક છું. પણ ઓનેસ્ટલી, મને વાંદરાઓ જેટલી કૂતરાંઓની બીક નથી લાગતી. કૂતરાંઓ સાથે એવા કોઇ સામાજીક સંબંધો પણ નથી અને લાઇફમાં એકેય વાર હું કૂતરાંઓને એમના જેવો જ સામો જવાબ નથી આપી શક્યો, એ આપણી ખાનદાની.
તોય, ન્યાયની વાત કરું તો મને કૂતરાંની બીક નથી લાગતી, પણ વાંદરાનો તો ફોટો જોઇનેય શર્ટ ઢીલું થઇ જાય છે. એ ગમે ત્યારે ફોટામાંથી દાંત બહાર કાઢીને બચકું તોડી લેશે, એવો ભય લાગે છે.
આ મારી એકલાની ક્યાં કહાણી છે? આજકાલ ગુજરાત આખામાં વાંદરાઓનો ફફડાટ છે. એ પાછા એકલદોકલ નથી હોતા. ટોળામાં હોય છે ને એમાંનું કયું આપણી ઉપર કૂદકો મારશે ને ગાલે આ....મોટું બચકું તોડી લેશે, એ આપણી કુંડળીમાંય નથી હોતું. હવે તો આપણી સૉસાયટીમાં સામસામી બન્ને પાળો ઉપર, ગાર્ડન કે રસ્તા ઉપર ક્યાં ઊભા હોય છે, એની ખબર પડતી નથી અને જમ્પ સીધો આપણી ઉપર જ મારશે, એની તો સાત જન્મ સુધી ખબર પડતી નથી.
પ્રોબ્લેમ એ છે કે, આપણાથી વાંદરાને સામું બચકું ભરી શકાતું નથી. ભરીએ તો આપણા ને આપણાવાળા ખીજાય કે, ‘તમારે વાંદરા જેવા થવાની શી જરૂર હતી?’ એ 20-25 બેઠા હોય, એમાંથી કોણે આપણી ઉપર જમ્પ માર્યો, તે જાણો તોય શું કરી લેવાના છો? ‘યે ખતા કિસ કી થી? કૂતરું કરડે તો 14-ઈન્જેક્શન લેવાનાં હોય છે, પણ વાંદરા માટે તો ડૉક્ટરોય કહી શકતા નથી કે, આમાં કેટલા લેવાનાં હોય?
ઈન ફૅક્ટ, જે ઇલાકામાં વાંદરા બેઠા હોય ત્યાં ડાહ્યા માણસો જવાની હિંમત કરતા નથી, પણ ડાહ્યા માણસો બેઠા હોય ત્યાં વગર આમંત્રણે વાંદરાઓ બેશક પહોંચી જાય છે. અલબત્ત, આપણે હિંમત કરવી જ પડે એમ હોય તો પ્રભુ શ્રીરામનું નામ લેવું ઇષ્ટ છે, કારણ કે હનુમાનજીના આપણે ભક્ત હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વળી ઓળખાણ નીકળે!
આવો એક કિસ્સો બની ગયો, એની દર્દનાક કહાણી મારે રજૂ કરવી છે:
મારી સૉસાયટીના બે ગૅટ છે. બન્ને ઉપર આ લોકોની કાયમી જમાવટ! હું સોસાયટીની બહાર ઊભો છું. બન્ને બાજુ જઇ આવ્યો પણ જૂની અદાવત હોય એમ એક સામટા મારી સામે જોઇને ઘૂરકિયાં કરે. એ લોકો હટે કે ન હટે, મારું અંદર જવું નિહાયત જરૂરી હતું....અને એવું જરૂરી હોય તો પણ કાંઇ ગાલના ભોગે તો હિંમત ન કરાય ને? વાંદરા મારી નથી નાંખતા, પણ ગાલે આ....મોટો લચકો તોડી લે છે. જે ગાલો ઉપર સદીઓથી હકી અડી નથી, ત્યાં આ લોકો માટે રાજપાટ પાથરવા પડે! હકીની સલાહ યાદ આવી, ‘વાંદરાને બહુ વતાવવા નહિ!’ જવાબમાં મેં થૅન્ક્સ કીધું, તો કહે, ‘તમે શેના થૅન્ક્સ કહો છો....આ સલાહ મેં વાંદરાઓને આપી હતી!’
મેં ઝાંપાની બહાર ઊભા રહી નજીકના વાંદરા સાથે મારું અંતર ગણી જોયું. લગભગ 12 ફૂટ ને આઠ ઈંચ થતું હતું. (ભૂલચૂક લેવી દેવી!) સોસાયટીની બહાર જ સબ્જીવાળાની દુકાન છે, ત્યાંથી એક ડઝન કેળાં લીધાં. એક એક કેળું નાંખતો જઇને એક એક આઘું થતું જશે, એ આપણી ગણત્રી! મને કોઇ કહે છે, વાંદરાઓ આપણા પૂર્વજો હતા, ત્યારે દુ:ખી થઇ જઉં છું ને ઝનૂનમાં પહેલાં તો પૂર્વજોને આવડી ને આવડી જોખાવું છું. છતાં ઝાંપે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધરને યાદ કરીને એક કેળું પહેલાં વાંદરાને ધર્યું. એણે અજાયબ ઢબે પોતાના પગથી પોતાનો કાન ખણ્યો.
મને આમાં ડીસન્સી ન લાગી. તમે વાંદરા છો એટલે ગમે તે પગથી ગમે તે કાન ખંજવાળી શકો? અમારા તો કાન સુધી પગેય ન પહોંચે! જોકે, આ લોકોનું ફૂટવર્ક અદ્્ભુત હોય છે. એ પાછા એ જ પગથી આપણને લાફોય મારી જાય!
સ્વામી વિવેકાનંદે એમના પ્રવચનોમાં ‘સંયમ’ને ઘણું મહત્ત્વ આપ્યું હતું, તો હુંય આપું, એવું નક્કી કર્યું. આ લોકો ઉપર સામો ગુસ્સો નહિ કરવાનો! ઉપર બાલ્કનીમાંથી હકી બૂમો પાડતી હતી કે, ‘જલ્દી વિયા આવો...કોઇ દિ વાંઇદરા ભાયળા નથી?’ આ એણે મને કીધું હતું કે વાંદરાઓને, તેની એ વખતે ઝાઝી સમજ ન પડી. આમાં તો વાઇફ સામે, તમે વાંદરાથી ડરી ગયા છો, એવું જાહેર ન થવા દેવાય, એટલે મેં જવાબ આપ્યો, ‘આ લોકો આઘા ખસે પછી આવું ને?’
તો એણે સિક્સર મારી, ‘અરે તમેય સુઉં વાંઇદરાવેડાં કરો છો? ઇ લોકો નો હટે તો તમે હટી જાઓ...આ લોકો હારે આવી જીદું નો હોય!’
મારે તો નીચે ને ઉપર બન્ને સ્થળે ખતરો હતો. સોસાયટીવાળાઓય કેમ જાણે મદારી આવ્યો હોય એમ ફ્લૅટની બારીઓ ખોલી, બન્ને હાથ ટેકવીને તમાશો જોતા હતા. એમ નહિ કે મદદે આવીએ! હવે હું પૂરો ગભરાવા માંડ્યો હતો. કૂતરાં હોય તો ‘હઇડ-હઇડ’ કરાય, વાંદરાઓ માટે એવી કોઇ સંજ્ઞા જાણમાં નહોતી.
અચાનક મને કંઈક યાદ આવ્યું. બહાર પાર્ક કરેલી ગાડીમાંથી મેં લખેલું પુસ્તક ‘બુધવારની બપોરે’ હલાવી હલાવીને વાંદરાઓને બતાવ્યું. એ લોકો કાચી સેકંડમાં કૂદકા મારતાં મારતાં ભાગ્યા.....હું બચી ગયો!
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35699