tgoop.com/DivyaBhaskar/35702
Last Update:
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/dude-surely-there-used-to-be-a-town-here-133296129.html
ક લ્પના કરી જુઓ કે થોડા દાયકાઓ પછી કોઈ ટુરિસ્ટ મુંબઈના બાંદ્રા વિસ્તારના દરિયાકિનારે જાય ત્યારે કોઈ ગાઈડ તેને કહેતો હોય કે ‘અહીં થોડા દાયકાઓ અગાઉ વીતેલા સમયના સુપરસ્ટાર શાહરુખ ખાનનો મન્નત બંગલો હતો!’ અથવા તો 2100ના વર્ષમાં કોઈ ગાઈડ દક્ષિણ મુંબઈમાં કોઈ ટુરિસ્ટને કહેતો હોય કે ‘અહીં અગાઉ ચર્ચગેટ સ્ટેશન હતું!’ આ કલ્પના હોલિવૂડની કોઈ ફિલ્મની કથા જેવી લાગે છે, પણ થોડા દાયકાઓ પછી આ કલ્પના અત્યંત કડવી વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ જવાની છે!
તમે કદાચ યૂ ટ્યૂબ પર ક્યારેક એવા વિડીયોઝ જોયા હશે, જેમાં મુંબઈમાં જુહુના દરિયાકિનારાના ફૂડ સ્ટોલ્સમાં દરિયાનું પાણી ધસી આવતું હોય. આ તો માત્ર ટ્રેલર છે, સમુદ્રોનું પાણી જમીન પર કબજો જમાવશે એ પૂરું (અને ખોફનાક) પિક્ચર થોડા દાયકાઓ પછી જોવા મળશે. અત્યારે જુહુ બીચ પર જે સ્ટોલ્સ છે ત્યાં દરિયો ફરી વળ્યો હશે! 2050 જ સુધીમાં ભારતના જુદા જુદા વિસ્તારોમાં દરિયાકિનારે વસતા કરોડો માણસો ઘર કે જમીન વિહોણાં થઈ ગયા હશે!
થોડા દિવસો અગાઉ (જુલાઇ, 2024ના પ્રથમ સપ્તાહમાં) સમાચાર આવ્યા હતા કે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળસપાટી વિશ્વમાં સૌથી વધુ અને ભયજનક રીતે વધી રહી છે. વિશ્વના તમામ વિસ્તારોમાં સમુદ્રોની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે, પણ બાંગ્લાદેશના સમુદ્રની જળસપાટી પૃથ્વી પરના અન્ય દેશોના દરિયાકાંઠાઓની સરેરાશ કરતાં 60 ટકા વધારે ઝડપથી વધી રહી છે.
એને કારણે ઓછામાં ઓછા દસ લાખ રહેવાસીઓ વિસ્થાપિત થશે એવું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ચીનની સ્પેસ એજન્સી ચાયના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (સીએનએસએ) દ્વારા એકઠા કરાયેલા સેટેલાઈટ ડેટાના આધારે થયેલા સંશોધનમાં આ વાત બહાર આવી હતી.
આ ચોંકાવી દેનારી સ્થિતિ વિષે વૈજ્ઞાનિક સૈફુલ ઈસ્લામે સમાચાર સંસ્થાઓને કહ્યું હતું કે ‘છેલ્લા થોડા દાયકાઓમાં સમુદ્રની જળસપાટીમાં દુનિયાના અન્ય વિસ્તારોમાં પ્રતિ વર્ષ 3.7 મિલીમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશના દરિયાકાંઠાઓ વિશેના અમારા અભ્યાસમાં એ તારણ નીકળ્યું છે કે બાંગ્લાદેશના સમુદ્રકાંઠાઓ પર જળસપાટીમા પ્રતિ વર્ષ 4.5 મિલીમીટરથી લઈને 5.8 મિલીમીટર સુધીનો વધારો થઈ રહ્યો છે.’
બાંગ્લાદેશના પર્યાવરણ ખાતાના ડિરેક્ટર જનરલ અબ્દુલ હમીદે મે, 2024માં રિપોર્ટ આપ્યો હતો કે ‘અન્ય કેટલાક દેશો પણ બાંગ્લાદેશની જેમ ક્લાઈમેટ ચેન્જની લાંબા ગાળાની અસરોનો અનુભવ કરી રહ્યા છે (એ સંશોધનમાં એવો અંદાજ મૂકાયો છે કે તમામ એશિયન દેશોના સમુદ્રની જળસપાટીમાં થઈ રહેલી વૃદ્ધિ વૈશ્વિક સરેરાશથી 60 ટકા વધારે છે).
આ તો બાંગ્લાદેશની વાત છે એમ માનીને વાચકો આ મુદ્દો હળવાશથી ન લે એટલે જ લેખની શરૂઆત મુંબઈથી કરી. બાંગ્લાદેશ જેવું જ જોખમ આપણા દેશના દરિયાકાંઠા પર પણ તોળાઈ રહ્યું છે. બાંગ્લાદેશની જેમ જ ભારતના દરિયાકાંઠે રહેતા કરોડો લોકો પણ 2050 સુધીમાં વિસ્થાપિત થઈ જશે! 2050 સુધીમાં મુંબઈના દરિયાકિનારાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હશે એવી ચેતવણી અમેરિકાના ક્લાઈમેટ સેન્ટ્રલ ગ્રૂપ દ્વારા 2019માં અપાઈ હતી.
એ અભ્યાસમાં કહેવાયું હતું કે 2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. એને કારણે પૃથ્વીના તમામ દરિયાઈ વિસ્તારોમાં દરિયાની સપાટી ઉપર આવી જશે અને દરિયાઈ વિસ્તારોમાં રહેતા કરોડો લોકોએ એની કિંમત ચૂકવવી પડશે. માત્ર મુંબઈની જ વાત કરીએ તો 2050 સુધીમાં મુંબઈ અને આજુબાજુના વિસ્તારના એક કરોડ લોકોને દરિયાની સપાટી વધવાને કારણે અસર થશે એટલે કે તેમણે તેમનાં ઘરો છોડીને બીજે સ્થળાંતર કરી જવું પડશે!
ગુજરાતના વાચકોને કદાચ એમ થાય કે આપણા સુધી (દરિયાના) પાણીનો રેલો નહીં આવે તો આ જાણી લો: 2050 સુધીમાં ગુજરાત, કેરાલા, પશ્ચિમ બંગાળ સહિત જ્યાં દરિયાકિનારો છે એવાં બીજાં રાજ્યો પર પણ આવી આફત આવશે. આપણા દેશના કુલ 3 કરોડ, 60 લાખ નાગરિકોએ ઘરબાર વિહોણા બનવું પડશે (અત્યાર સુધી જે અભ્યાસ થયા એમાં એવું અનુમાન મૂકાયું હતું કે સમુદ્રની સપાટી વધવાને કારણે ભારતમાં 50 લાખ માણસોને અસર પહોંચશે. પરંતુ હવે એ જોખમ સાત ગણું વધી ગયું છે)!
ક્લાઇમેટ સેન્ટ્રલ ગ્રૂપના અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વની 30 કરોડ વ્યક્તિઓએ દરિયાનું તાપમાન વધવાની અસર ભોગવવી પડશે. એટલે કે તેમણે બેઘર બની જવું પડશે અને બીજે ક્યાંક રહેવા જવું પડશે!
વીસમી સદીની શરૂઆતથી એટલે કે 1901થી અત્યાર સુધીમાં સમુદ્રોની સપાટી બાર સેન્ટિમીટર જેટલી વધી છે. અને એમાંય 1993થી 2024 દરમિયાન આ સપાટી વધુ સ્તર પર ઊંચકાઈ છે. હવે એવો અંદાજ મૂકાઈ રહ્યો છે કે 2050 સુધીમાં આ સ્થિતિ અતિ ગંભીર બની જશે. અને એ ઉપરાંત પણ બીજી ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35702