tgoop.com/DivyaBhaskar/35704
Last Update:
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-should-the-united-nations-have-recalled-hansa-mehta-now-133298595.html
પ્રકાશ ન. શાહ વડોદરાના મહિલા સાંસ્કૃતિક સંગઠનને હંસા મહેતા વિશે ચર્ચાગોષ્ઠી યોજવાનું ગયે અઠવાડિયે સૂઝી રહ્યું તે જાણી સ્વાભાવિક જ આનંદ થયો. હજુ બે’ક અઠવાડિયાં પર જ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પ્રમુખીય સ્તરેથી એમનો વિશેષોલ્લેખ થયાનું ક્યાંક ખૂણેખાંચરે વાંચવાનું બન્યું ત્યારથી જ અંતરમનમાં એ વાતે અમળાટ હતો કે આપણે ગુજરાતીઓ એમને ક્યારે સંભારીશું.
યુનાઈટેડ નેશન્સે એમને કેમ સંભાર્યાં હશે એનો ખુલાસો આપું તે પહેલાં મહિલા સાંસ્કૃતિક સંગઠનને લગરીક મીઠો ઠપકો આપું? કાર્યક્રમની આગોતરી જાણ કરતા એણે હંસાબહેનને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર તરીકે કેમ ઓળખાવ્યાં? ભાઈ, એ પ્રથમ વાઈસ ચાન્સેલર (1949-1959) હતાં અને એમના કાર્યકાળમાં યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકાવા લાગી હતી જે એમની પ્રતિભા અને સંપર્કો જોતાં સહજ પણ હતું.
પાછાં યુએન પહોંચી જઈશું? આઝાદીના અરસામાં હંસા મહેતા ભારતના પ્રતિનિધિમંડળ પર ત્યાં હતાં, અને એમાં પણ માનવ અધિકારોને લગતી સમિતિ પર એલીનોર રુઝવેલ્ટ (અમેરિકી પ્રમુખ રુઝવેલ્ટનાં પત્ની) અને હંસાબહેન બેઉ સહ-ઉપપ્રમુખ હતાં.
એલીનોરના અધિકૃત ચરિત્રકારે યુએન ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ અંગેની એમની કામગીરીની ચર્ચા કરતા ખાસ નોંધ્યું છે કે મૃદુભાષી, કંઈક તનુકાય, સાડીએ સોહતાં હંસા મહેતાએ માનવ અધિકારને લગતા યુએન જાહેરનામામાં પહેલે જ ધડાકે, પહેલી જ કલમમાં શકવર્તી સંસ્કરણ માટે આગ્રહ રાખીને ઈતિહાસ સર્જ્યો હતો.
‘ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઈક્વલ’થી શરૂ થતી માંડણીમાં દરમ્યાન થઈ હંસાબહેને કહ્યું હતું કે ‘મેન’ શા સારુ, ‘હ્યુમન બીઇંગ્ઝ’ રાખો. એલીનોરનું અને બીજા કેટલાકનું કહેવું હતું કે ‘મેન’ સામાન્યપણે સ્ત્રીપુરુષ સૌને આવરી લેતા અર્થમાં સમજાતો પ્રયોગ છે. પણ હંસાબહેને આગ્રહપૂર્વક સમજાવ્યું કે ‘જેન્ડર જસ્ટિસ’નો નવ્ય અભિગમ હવે જૂના ઢાંચાની બહાર માવજત માંગે છે- માટે ‘ઓલ હ્યુમન બીઈંગ્ઝ.’
હવે ન્યૂયોર્કથી વળી વડોદરા, અને તે પણ પાછે પગલે. હંસાબહેન વડોદરાના દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી, ને મનુભાઈ વળી નંદશંકર મહેતાના પુત્ર. એટલે પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકરનાં એ પૌત્રી.
આમ જન્મતાં જ જાણે કે ઈતિહાસકન્યા. વડોદરાથી ફિલસૂફીમાં સ્નાતક થઈ એ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રના વિશેષ અભ્યાસ સારુ પહોંચ્યાં એય આજથી સો વરસ પહેલાંના ગુજરાતની દૃષ્ટિએ નાની શી વિશ્વઘટના સ્તો! લંડનવાસ દરમ્યાન સરોજિની નાયડુનો સંપર્ક એમને સફ્રેજેટ મુવમેન્ટ- મહિલા મતાધિકાર ચળવળ ભણી દોરી ગયો. ભણી ઊતર્યાં ને પાછાં ત્યારે રાષ્ટ્રીય ચળવળના માહોલમાં ગાંધીખેંચાણ દુર્નિવાર હતું.
આપણી ઈતિહાસકન્યાએ હવે પિકેટિંગમાં જોડાઈ જેલ-લાયકાત પણ હાંસલ કરી. 1937ના પ્રાંતિક સ્વરાજ વખતે મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ચૂંટાઈ એ પાર્લમેન્ટરી સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહ્યાં. અખિલ હિંદ મહિલા પરિષદ (ઓલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સ)ના સ્થાપકો પૈકી એક એવાં હંસાબહેને આગળ ચાલતાં એનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું અને મહિલા પરિષદને સ્વરાજની લડત સાથે સાંકળી નારીજાગૃતિનો એક નવો આયામ પ્રગટાવવામાં અગ્રભાગી રહ્યાં.
અને હા, દરમ્યાન એમણે લગ્ન પણ કર્યાં હતાં પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઝળકેલા ડો. જીવરાજ મહેતા સાથે. નાગરી નાતને વણિક પુત્ર સાથેનાં આ પ્રતિલોમ લગ્ન ક્યાંથી બહાલ હોય. કહ્યું, નાત બહાર મૂકીશું. ઈતિહાસકન્યાએ આસ્તે રહીને કહ્યું, મેં તો કે’દીના તમને મુક્ત કરેલા છે!
પ્રજાસત્તાક સ્વરાજ આગમચ જે બંધારણ સભા બની એના પંદર મહિલા સભ્યો પૈકી એક હંસાબહેન પણ હતાં. એમની બંધારણ સભા પરની કામગીરીમાં બે ધ્યાનાર્હ વાતો સામે આવે છે. એક તો એમણે સમાન કુટુંબ કાયદા-કોમન સિવિલ કોડનો આગ્રહ રાખેલો. સ્ત્રીપુરુષ સમાનતાના મુદ્દે, પછી તે વારસાની વાત હોય કે લગ્ન અગર ફારગતીની, કોઈ સામાજિક રૂઢિ કે કથિત ધરમ-મજહબ નહીં પણ સ્વતંત્ર વિચારને ધોરણે એ વાત હતી.
બંધારણમાં જેને માર્ગદર્શક સિદ્ધાંતો (ડાઈરેક્ટિવ પ્રિન્સિપલ્સ) કહેવામાં આવે છે તે ઘડવામાં, ખાસ તો તે અંગે શબ્દવિન્યાસમાં એમણે ઊંડો ને સક્રિય રસ લીધો હતો. આ સિદ્ધાંતો કાયદેસર બંધનકર્તા નથી એ સાચું, પણ તે ચોક્કસ માર્ગદર્શક છે જ છે, એ સંજોગોમાં એમાં મૂકાયેલા શબ્દોમાં દૃઢતા હોય તે માટેનો એમનો આગ્રહ હતો.
હજુ એક ઉલ્લેખ બંધારણ સભા વિશે. 15મી ઓગસ્ટે બંધારણ સભાને દેશની નારીશક્તિ વતી રાષ્ટ્રધ્વજ ભેટ ધરવાની જવાબદારી એમણે નભાવી હતી. સરોજિની નાયડુ કોઈ કારણસર પહોંચી શકે એમ નહોતાં એટલે એમણે આ દાયિત્વ એમને ભળાવ્યું હતું. ધ્વજ અર્પતી વેળાની એમની દિલબુલંદ રજૂઆત અને સુચેતા કૃપાલાનીના કંઠે વંદે માતરમ્, બેઉ પ્રસારભારતી આર્કાઈવ્ઝમાં સચવાયેલાં છે.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35704