tgoop.com/DivyaBhaskar/35708
Last Update:
ક્રાઈમ ઝોન:ત્રણ-ત્રણ કમોત માટે ખરી જવાબદારી કોની?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/whose-real-responsibility-for-three-three-kamoth-133298602.html
આ કાશમાં તરતા આપણા સેંકડો કૃત્રિમ ઉપગ્રહ, મંગળના ગ્રહ સુધી પહોંચ, ચંદ્ર પર ઉતરાણ, મેટ્રો રેલવે, અંડરગ્રાઉન્ડ ટ્રેન અને... ન જાણે કેટલો વિકાસ સાધ્યો અને પ્રગતિ પણ કરી. વર્લ્ડ બેસ્ટ મલ્ટિનેશનલ કંપનીઓ પર ભારતીય દિમાગનું આધિપત્ય સર્વવિદિત છે, પરંતુ માનવતાના, સમજદારીના અને અનુકંપાના ગ્રાફ ઉપર આપણે કેટલું આગળ વધ્યાં, કેટલી પ્રગતિ કરી? ખરેખર આંતરિક-સંવેદનાત્મક વિકાસ સાધ્યો છે ખરો?
આ સવાલો પૂછે છે મહારાષ્ટ્રના નાશિકની ઘટના. નાશિક શહેરનું ઐતિહાસિક સાથે પૌરાણિક મહત્ત્વ પણ અનન્ય. ગોદાવરી નદીના કાંઠે વસેલું આ નગર ‘વાઈન કેપિટલ ઓફ ઈન્ડિયા’ છે. એક કુંભ મેળાનું સ્થળ છે. અહીં જ દશરથ-પુત્ર લક્ષ્મણે સુપર્ણખાનું નાક કાપ્યું હતું અને એના પરથી નામ મળ્યું નાશિક.
આવી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર ધરાવતા નાશિકના સિન્નર ફાટાના પિતૃછાયામાં રહેતાં રાજશ્રી નિવૃત્તિનાથ કૌતકરને 2024ની આઠમીએ સવારે 6.45 કલાકે વ્હોટ્સએપ પર એક મેસેજ અને વિડીયો મળ્યો. એનાથી રાજશ્રી એકદમ હચમચી ગયાં. એ બંને એકની એક દીકરી અશ્વિનીએ મોકલ્યા હતા. ભયંકર ગભરાટ વચ્ચે માંડ માંડ ચંપલ પહેરીને રાજશ્રી દોડ્યાં, અચાનક ઊભા રહી ગયાં. દીકરીને ફોન કર્યો, પણ ઘંટડી વાગતી રહી.
કાળજા પર ભીંસ અનુભવતાં રાજશ્રી માંડ માંડ દીકરીના સાસરિયે પહોંચ્યાં. ત્યાં ભયંકર ભીડ જોઈને તેમણે માંડ માંડ પૂછ્યું કે થયું છે શું? કોઈકે જવાબ આપ્યો કે તમારી દીકરી અને બંને દોહિત્રીને મેડિકલ કોલેજમાં ખસેડાયાં છે. ભયંકર ફિકરના ભાર વચ્ચે તેઓ માંડ માંડ મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યાં, તો માઠા સમાચાર મળ્યા: ત્રણેય હવે આ દુનિયામાં નથી.
આંખમાં ઓચિંતું આંસુનું માવઠું ધસી આવ્યું. પતિ અને દીકરા અનિકેતને ગુમાવી બેઠા બાદ અશ્વિની જ રાજશ્રી માટે સર્વસ્વ હતી. 2013માં અશ્વિનીનાં લગ્ન સ્વપ્નિલ રાજેશ નિકુંભ સાથે કરાવ્યા બાદ રાજશ્રીને થયું કે હાશ હવે નિરાંત, મારું અવતારકાર્ય ઓટાપાયું. અશ્વિની પતિ અને સાસરિયાં સાથે રહેવા માંડી.
શરૂ શરૂમાં બધું સરસ હતું, જાણે સુખ જ સુખ. પરંતુ થોડા દિવસોમાં એ સપનું મૃગજળ સાબિત થવા માંડ્યું. સ્વપ્નિલ પોત પ્રકાશવા માંડ્યો. નાનીઅમથી વાત પર મેણા મારવા અને હાથ ઉપાડવાનુંય શરૂ થઈ ગયું.
શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે 2015ની 27મી ડિસેમ્બરે અશ્વિનીએ પુત્રી-રત્નને જન્મ આપ્યો, નામ રખાયું આરાધ્યા. પરંતુ દીકરી આવી એ જાણે અશ્વિનીએ કરેલી મહાભયંકર ભૂલ હોય એવું વર્તન થવા માંડ્યું. માત્ર સ્વપ્નિલ જ નહીં, એનો ભાઈ તેજસ ઉર્ફે શંભુ, બહેન ચારુશીલા ઉર્ફે કિરણ અને મોટા સસરા સોમવંશી પણ અશ્વિનીને ત્રાસ આપવા માંડ્યા. એટલું જ નહીં, પિયરમાંથી પૈસા મગાવવાની ફરજ પડાવા માંડી. આમાં ક્યાંક ભૂલ કે વિલંબ થાય એટલે ધોલધપાટ શરૂ થઈ જાય. એક તો સાસરિયામાં પતિ સહિત કોઈનો સાથ નહીં અને ઉપરથી માસૂમને ઉછેરવાની જવાબદારી.
આટઆટલી પીડા હોવા છતાં માત્ર દીકરી સુખી થાય અને શાંતિથી જીવે એટલે રાજશ્રી સતત સ્વપ્નિલને રૂપિયા આપતી રહી. છૂટક-છૂટક રીતે રૂ. 6.5 લાખ આપી દીધા. આ દરમ્યાન અશ્વિનીને ગળામાં ગાંઠ થઈ તો ઓપરેશન માટે એના મામાએ 2.6 લાખ આપ્યા હતા. રાજશ્રી અને એના ભાઈને આશા હતી કે છાશવારની સ્વપ્નિલની માંગણી સંતોષવાથી દીકરી અશ્વિની સુખરૂપ જીવી શકશે.
પરંતુ એવું જરાય નહોતું. આ પતિદેવ તો ધર્મપત્નીનું મંગળસૂત્ર પણ નહોતો મૂકતો. એ મંગળસૂત્ર કઢાવીને વેચી નાંખે. એક-બે નહીં, પાંચ-છ વાર મંગળસૂત્ર વેચાયું અને દર વખતે એ રાજશ્રી જ કરાવી આપે. અને દીકરીના ચહેરા પર વેદના નહીં, સ્મિત જોવું હતું. પરંતુ જમાઈરાજા તો મંગળસૂત્ર પર મંગળસૂત્રની રોકડી કરીને રકમ પોતાની બહેનના હાથમાં મૂકતો હતો.
અધૂરામાં પૂરું, 2022ના જૂનમાં અશ્વિનીને ડિલિવરી આવી. ફરી લક્ષ્મીજી પધાર્યાં. નામકરણ થયું અગસ્ત્યા તરીકે. પણ એના ઈનામરૂપે અશ્વિની પર અત્યાચાર વધવા માંડ્યા. એક નાની બાળકી ઘોડિયામાં, બીજી ધાવણી બાળકી પોતાની પાસે છતાં અશ્વિની પર કોઈને ન દયા, ન રહેમ.
અશ્વિનીનાં આંસુ સુકાતાં નહોતાં. હવે પોતાની સાથે વ્હાલસોયી માસૂમ દીકરીઓની ચિંતાય કોરી ખાવા માંડી. 2024ની છઠ્ઠી મેએ અશ્વિની અને બંને બાળકીઓને મૂકીને ઘરનાં બધેબધાં સપ્તશૃંગીના દર્શને ગયાં અને જાણે કાળ ઘડીનું આગમન થયું.
અશ્વિનીએ દિલ પર પથ્થર મૂકીને માસૂમ બાળકીઓને વ્હાલથી એકવાર જોઈ લીધી. પછી બંનેને ઝેર પીવડાવી દીધું. આટલું પતાવ્યાં બાદ એ માંડ માંડ બિલ્ડિંગ ટેરેસ પર ગઈ અને ત્યાંથી ઝંપલાવી દીધું. ત્રણ-ત્રણ જીવનનો અકાળે કરુણ અંજામ.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35708