tgoop.com/DivyaBhaskar/35710
Last Update:
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-international-route-of-drugs-goes-from-kutch-to-europe-and-america-133299063.html
નવીન જોષી એ ક સમય હતો જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા ન્હોતા પડ્યા. દેશ આઝાદ ન્હોતો થયો ત્યારે વખતોવખત સિંધથી ધાડપાડુ-લુંટારા કચ્છમાં ઉતરતા અને આતંક મચાવી ભાગી જતા, કચ્છના ઇતિહાસમાં એવાં અનેક પ્રકરણો પૂરાયેલાં છે, જેમાં કચ્છનું શૌર્ય-બહાદુરી ઝળક્યાં હોય.
પછી આઝાદી મળી અને સિંધ પાકિસ્તાનમાં જતા કચ્છથી જમીન માર્ગે જોડાયેલું હોવા છતાં અલગ પડ્યું અને ધીમે ધીમે દાણચોરોનો એક ગુનાહિત યુગ શરૂ થયો, જે આગળ વધીને આર.ડી.એક્સ તથા એ. કે. 47 જેવાં શસ્ત્રો અને ઘૂસણખોરો સુધી પહોંચ્યો પછી એકાએક એ પણ કાયદાતળે દબાયું અને જાણે સ્પ્રિંગ દબાઇ હોય તેમ હવે ડ્રગ્સ રૂપી કાળાનાગે માથું ઊંચક્યું છે.
ભૂકંપ બાદ ઉછરેલી પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે ડ્રગ્સ પહેલાંના અનેક કાળા કારોબારના કચ્છને ડાઘ લાગેલા છે અને નશીલા પદાર્થોની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય ગેરકાયદે રૂટ પર કચ્છ ઊભું છે. જ્યાં વેપાર-ધંધા-કારોબાર વિકસ્યા હોય ત્યાં દાણચોરી દેખાય અર્થાત કચ્છ અને કચ્છીઓની હિંમત-સાહસ થકી દેશ-દેશાવરમાં ધંધા વિકસ્યા તેથી કચ્છનો દાણચોરી સાથેનો સંબંધ પણ દરિયાદેવ જેટલો જ નિકટનો રહ્યો છે.
આજની પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય પણ કચ્છ સરહદ સોના-ચાંદી-ઘડિયાળની દાણચોરી માટે સ્વર્ગ સમાન હતી. કચ્છીઓ દરિયાખેડૂ તો સદીઓથી છે જ પણ સાત સમુદ્ર પાર કરનારાઓ પૈકીની કોઇ પેઢીને સ્વાર્થ અને લાલચ લાગતા તેઓ માદરે વતન સાથે ગદ્ધારી કરતા અચકાતા નથી તેના પણ દાખલા મૌજૂદ છે.
એક વાત એવી પણ ચર્ચાય છે કે, જ્યારે 1975માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે દેશભરની જેલોમાં કેદીઓ વધી જતા કુખ્યાત ગુનેગારોને અભેદ-સુરક્ષિત મનાતી ભુજની ખાસ જેલમાં મૂકવામાં આવ્યા. અહીં જેલમાં ‘સોબત તેવી અસર’ વર્તાઇ અને કચ્છના કેટલાક કુખ્યાત ગુનેગારો અઠંગ ગુનેગારોના સંપર્કમાં આવતા કચ્છની સરહદેથી દાણચોરીના દ્વાર ખૂલ્યા. જે કડક પોલીસ અધિકારી કુલદીપ શર્મા તથા એવા અનેક જણ જેમના નામોથી પણ કચ્છ વાકેફ નથી એ સૌએ દાણચોરોને જેર કર્યા પણ જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રૂટ તૈયાર થઇ ગયો એ હજુ બંધ નથી થયો બલ્કે હાઇવે બની ગયો છે.
કચ્છની સરહદો-દાણચોરી અને જાકુબીના ધંધા પર અનેક પ્રકરણ લખનારા પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રીએ નોંધ્યું છે કે, જે તે વખતે આ ગુનેગારોનું આપસમાં મિલન થયું ત્યારે કચ્છનો વિશાળ દરિયાકિનારો, તેની નિર્જનતા અને પોલીસ સહિતના જવાબદાર તંત્રોની ઢીલાશ થકી નાના-મોટા દાણચોરોને મોકળું મેદાન મળ્યું અને આંતરરાષ્ટ્રીય દાણચોરો માટે કચ્છની નધણિયાતી સરહદ ‘બારુ બની ગઇ’.
દરમિયાન 1971ના પાકિસ્તાન સામે કચ્છ સરહદે યુદ્ધ ખેલાયું અને હારેલા ઘાયલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.એ ભારત સામે પ્રોક્ષી યુદ્ધ આરંભ્યું અને ચરસ, ગાંજો, હેરોઇન રણ વાટે ભારતમાં ઠાલવી પછી યુરોપ-અમેરિકા ભણી ધકેલી ખાસ્સો એવો નફો લેભાગુઓ લેવા મંડ્યા. 1980ના દાયકામાં ડ્રગ્સનો જે રૂટ પ્રસ્થાપિત થયો એ જ હાલ કાર્યાન્વિત હોય તેવું દરિયામાંથી કરોડોના હિસાબે તણાઇને આવતા ચરસના પેકેટ પરથી સમજી શકાય છે. હાલ ડ્રગ્સની જે સમસ્યાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી છે એ દરિયાકાંઠાથી જ શરૂ થાય છે.
કચ્છનો દરિયાકિનારો 406 કિ.મી. લાંબો છે, પશ્ચિમે અરબી સાગર અને દક્ષિણે કચ્છનો અખાત છે, કચ્છનો દરિયો મોટા ભાગે સીધા ઢાળવાળો હોવાથી મધદરિયે પેકેટ નાખવામાં આવે તો મોટા ભાગના તણાઇને કાંઠા પર આવી જાય છે.
કચ્છના દરિયાકિનારાને કોરીનાળથી પશ્ચિમના છેડા સુધી, કોટેશ્વરથી જખૌ સુધી, જખૌથી માંડવી સુધી અને માંડવીથી કંડલા બંદર સુધી ચાર ભાગમાં વિતરિત કરી શકાય. પશ્ચિમમાં છેક છેડે સિંધુ નદીનું મુખ એટલે ‘કોરીનાળ’ આ નદી ગુજરાતમાં લુપ્ત છે, આ કોરીનાળથી પશ્ચિમ દિશામાં ઉપર તરફ કાદવ-કીચડવાળો ભૂ ભાગ છે, જે ‘સિરક્રીક’ કહેવાય છે.
કચ્છ મુલક અન્ય કોઇની તુલનાએ અસામાન્ય અને એટલે જ ‘અઢી અખરા મૂલક’ તરીકે જાણીતો છે. અહીં દેશ-દુનિયામાં અઠંગ ગુનેગારોના પદચિહ્ન મળે કે પકડાય છે સાથો સાથ રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત લગભગ તમામે તમામ એજન્સીઓના રાષ્ટ્રપ્રેમી નરબંકાઓ પણ સાવ સામાન્ય માનવીની જેમ હરે ફરે છે. પોલીસ અને બી. એસ. એફ.ની કામગીરી અહીં નિર્ણાયક છે તો સરહદે ફેન્સિંગ બાદ પણ દરિયાવાટે નાપાક ગતિવિધિઓ અટકી નથી એ ડ્રગ્સનાં એક એક પકડાતા પેકેટ સાથે સાબિત થાય છે.
અહીં પગ પારખનારા પગી છે તો દુશ્મનને આશરો દેનારા પણ છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે ફટાકડા ફૂટવાના બંધ થયા છે. આમ તો પોલીસે કચ્છના દરિયાઇ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ પણ લાદ્યો છે, જેથી તણાઇને આવતા ડ્રગ્સનાં પેકેટ માટે કોઇ ત્યાં જાય નહીં પરંતુ આટઆટલા જાપ્તા વચ્ચે પણ ડ્રગ્સ ટ્રક વાટે જિલ્લા બહાર પગ કરી જાય અને પછી પકડાય એવું પણ બન્યું છે.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35710