tgoop.com/DivyaBhaskar/35713
Last Update:
દ્રષ્ટિકોણ:સ્વર્ગમાં બનતી જોડીના સંબંધ કેમ ન રહે અકબંધ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-cant-the-relationship-of-a-pair-made-in-heaven-remain-intact-133299067.html
કેતન લોડાયા સ્વર્ગમાં બનતી જોડીના સંબંધ,
એવું તો શું થયું છે આજકાલ, કે રહેતા નથી અંકબંધ.
વડીલો કહે છે કે લગ્ન એ ઢીંગલા-ઢીંગલીની રમત નથી. આ જોડી ભગવાન સ્વર્ગથી બનાવે છે અને એક જમાનામાં ઘોડિયા લગ્ન કે એકબીજાને જોયા વગર લગ્ન માતા-પિતાએ શોધી આપેલ પાત્ર સાથે થતાં તો એ સંબંધોમાં પણ મીઠાસ જળવાઈ રહેતી હતી, પણ હવે તો એકબીજાએ પોતાનાં પસંદગીના પાત્ર સાથે સમય વિતાવ્યાં પછી લગન કરે છે તો પણ લગ્નજીવન કેમ ટકતું નથી?
સોશિયલ મીડિયા એકમાત્ર કારણ નથી
લગ્ન પછી સોશિયલ મીડિયાના બન્નેનાં અલગ અલગ મિત્રવર્તુળ હોય છે, પણ કેમ પતિ કે પત્ની ક્યારેય એકબીજાને મિત્રો બનાવી શકતા નથી અને પોતાની પર્સનલ વાતો સોશિયલ મીડિયા ઉપર બનેલા અજાણ્યા મિત્રો સાથે વ્યક્ત કરે છે? પતિ-પત્ની એ એક રથનાં બે પૈડાં છે તો કેમ આજે બંને પોતાના મોબાઈલમાં લોક રાખવા પડે છે એ વિચાર માત્ર સંબંધોમાં ધ્રુજારી અપાવી દે છે. હવે તો એકની એક દીકરી હોવાના કારણે વાલીઓ વધુ પડતું એના જીવનમાં દખલ કરતા હોય છે અથવા તો ઉછેર જ એવો કરે છે કે બંને એડજસ્ટ થતાં જ નથી. અને ક્યારેક તો એટલી સ્વતંત્રતા જોઈએ છે કે એકબીજા પ્રત્યેની ફરજ અને જવાબદારી પણ લેવા તૈયાર થતાં નથી.
આવનારી પેઢી લગ્નને શું સમજશે?
મતભેદ બધા સંબંધમાં હોય પણ મનભેદ ના હોવા જોઈએ. લગ્નજીવનને મજાક કે બંધન સમજીને આવનારા સમયમાં લગ્નની સલાહ આપવાનું બંધ કરીને લોકો કદાચ પશ્ચિમી સંસ્કૃતિની જેમ મૈત્રી કરાર જ કરશે. હવે તો આ સંબંધો સુધારવા માટે સેમિનાર ને કાઉન્સેલિંગ પણ થવા લાગ્યાં છે. હવે તો સિંગલ પેરેન્ટિંગનો ચીલો ચીતરાયો છે પણ સાથે રહીને જૂની વાતો અવગણતા નથી આવડતું.
કોની ભૂલ એ શોધવા કરતાં માત્ર ભૂલ સુધારો
કોઈ સંબંધ પરફેક્ટ નથી હોતા આ તો અલગ સ્વભાવ અને અલગ વાતાવરણથી આવેલાં બે વ્યક્તિઓએ પોતાના વિચાર અને સંબંધમાં બંનેએ આપેલાં વચનો સાથે આગળ વધવું જોઈએ. એક હાથે તાળી ના વાગે એ સમજી કોની ભૂલ છે એ શોધવામાં સમય વેડફ્યા વગર અને ખોટા વહેમ રાખ્યા કરતાં આગળ હવે સારું થાય એ પહેલ કરીને ભટકી ગયેલા સંબંધ બચાવવા માટે થતા તમામ પ્રયત્નો કરવા જોઈએ.
એકબીજા પ્રત્યે વિશ્વાસ અને ઉતારચડાવમાં સાથ આપતા રહેવું જોઈએ ત્યારે જ આ સંબંધનું મહત્ત્વ સમજાશે. જે પણ સંજોગ હોય સાત જન્મની વાત કરવાવાળા એક જન્મ પણ સાથ નથી આપતા, એ પણ નથી ખબર કે પાછલા જન્મમાં કોણ શું હતું ને આગલા જન્મમાં કોણ શું હશે કે આગલો જન્મ હોય પણ છે ખરો?
સાથે મરવાની કોઈ ગેરન્ટી નથી પણ સાથે જીવવું એ તમારા હાથમાં છે તો આ જીવનને જીવી લો, બીજા જન્મની જરૂર જ ક્યાં છે? એકબીજાને વફાદાર રહેવા માટે એકબીજાને પ્રેમ-સમય અને આત્મસન્માન આપશો તો આ મંદ પડી ગયેલી ગાડી ફરી પાટા ઉપર ચડીને બુલેટ ટ્રેન જેવી દોડવા લાગશે.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35713