tgoop.com/DivyaBhaskar/35714
Last Update:
ઓક્સિજન:કેન્દ્રબિંદુ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/focal-point-133299075.html
‘બા બુ, તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ.’ માત્ર તેંત્રીસ વર્ષની ઉમરે પત્ની ગુમાવવાનું દુ:ખ ના તો બાબુથી સહન થતું હતું ના તેની બાથી. કેટલાં સપનાં જોયાં હતાં બાબુએ! પત્નીને લઈને ગામથી શહેરમાં આવીને વસવાની ઈચ્છા હતી. મોટું ઘર લે, પરિવારના બીજા સભ્યોને પણ બોલાવી શકાય. પણ, કુદરતે આપેલા અણધાર્યા આંચકાએ બધાં સપનાં ખેદાનમેદાન કરી દીધાં.
નાની ઉંમરે પિતા ગુમાવ્યા પછી બાબુમાં ઉમર કરતાં વહેલાં પરિપક્વતા આવી ગઈ હતી. પોતે સૌથી મોટો દીકરો હતો અને પાછળ નાનાં ભાઈ-બહેન હતાં જે હજુ તો ભણતાં હતાં. બા એકલે હાથે સહુને ઉછેરતી. બાબુના લગ્ન પછી ઘરકામમાં મદદ મળતાં બા પોતાના સિલાઈકામમાં વધુ સમય આપી શકતી અને થોડું વધુ કમાઈ લેતી. બાબુને બીજા લગ્ન કરવા માટેનું આ પણ એક કારણ હતું.
ઘણું વિચાર્યા પછી એક દિવસ બાબુએ પરિવારના વડીલોને ભેગા કર્યા. સહુને બાબુના જવાબની જ ઇન્તેજારી હતી. ‘મારે બીજા લગ્ન નથી કરવા.’ તેનો જવાબ આંચકા સમાન હતો. બાબુ કહે, ‘આ મારા નાનાં ભાઈ-બહેન એ જ મારો પરિવાર અને એ જ મારું સર્વસ્વ. તેમાં ભાગ પડાવે તેવું મારે કોઈ નથી જોઈતું.’ બાની આંખોમાંથી વહેતાં આંસુ બોલી રહ્યાં હતાં કે દીકરા તેં કેટલો કપરો નિર્ણય લીધો છે! આ જોઈ બાબુના ગળે ડૂમો ભરાયો. પણ, તે રોકી, સ્વસ્થ થતાં તેણે ભેગાં થયેલાં સહુને કહ્યું, ‘બાપાના ગયા પછી અમારા પરિવારનું ભરણપોષણ કરવાનું કેન્દ્રબિંદુ મારી બા હતી.’
સમયના વહેણ ઉપર ઘટનાઓ વહેતી રહે છે અને તે મુજબ જવાબદારીનાં નવાં વર્તુળો સર્જાયા કરે છે અને તેનું કેન્દ્ર બદલાયા કરે છે. બાના પગ ઝાલીને બાબુ કહે, ‘બા, હવે મને કેન્દ્રબિંદુ બનવાની આજ્ઞા આપો.’ વર્ષો પછી સુખી અને સમૃદ્ધ પરિવારના ગૌરવનું કેન્દ્રબિંદુ છે ‘બાપુજી’ એટલે બાબુ!
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35714