Telegram Web
ટ્રેન્ડ:યુવતીઓનાં ફેવરિટ કોરિયન ઇયરિંગ્ઝ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/girls-favorite-korean-earrings-134495316.html

લ્લા કેટલાક સમયથી આધુનિકાઓમાં ત્વચાને કોરિયન ગ્લાસ સ્કીન જેવી બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. આ માટે તેઓ કોરિયન સ્ટાઇલ મેક-અપ અને બ્યુટી ટિપ્સની મદદ લઇ રહી છે. હવે કોરિયલ સ્ટાઇલ ઇયરિંગ્ઝ યુવતીઓની ફેવરિટ બની ગઇ છે.
કોરિયન ઇયરિંગ્સ દેખાવમાં બહુ સિમ્પલ લાગે છે અને એની ખાસ વાત તો એ છે કે આ ઇયરિંગ્સ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને પ્રકારના આઉટફિટ્સ પર સારાં લાગે છે. આ ઉપરાંત એ એલિગન્ટ લુક આપે છે.
હાલમાં મિનિમલિઝમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં કોરિયન ઇયરિંગ કોઈ પણ લુકને મિનિમલ તો બનાવશે જ સાથે તમારા લુકને અલગ જ સ્ટાઇલ આપશે.
કોરિયન જ્વેલરી બહુ સારી ગુણવત્તાની મેટલમાંથી બનેલાં હોય છે અને એટલે ઇન્ડિયન જ્વેલરીની તુલનામાં એની ચમક લાંબો સમય જળવાઈ રહે છે. આ જ્વેલરી ડેલિકેટ અને સ્ટાઇલિશ છે તેમજ માર્કેટમાં એની ડિઝાઇનની અનેક વેરાયટીઝ મળે છે જેથી સારું સિલેક્શન મળે છે.
ફ્લોરલ ડિઝાઇન
કોરિયન જ્વેલેરીમાં ફૂલોની ડિઝાઇનવાળાં ફ્લોરલ ઇયરિંગ્ઝ સ્ટાઇલિશ અને સુંદર લાગે છે. ઝીણા હીરા અને નાનાં ફૂલની ડિઝાઇનનું કોમ્બિનેશન બુટ્ટીના લુકને વધુ ડેલિકેટ બનાવે છે. યુવતીઓ રોજબરોજની સ્ટાઇલમાં પણ એને પહેરી શકે છે.
ચેરી ડ્રોપ ઇયરિંગ્સ
કોરિયન ઇયરિંગ્સમાં સૌથી ખાસ કન્સેપ્ટ ચેરી ડ્રોપ ઇયરિંગ્સનો છે. આ ખાસ પ્રકારનાં ઇયરિંગ્સમાં ચેરીના આકારનાં ઇયરિંગ્સ કાનની પાછળ રહે છે અને એને આગળથી બંધ કરવાનું હોય છે. જો કોઈ યુવતીની હાઇટ ઓછી હોય અને ગાઉનની સાથે તે ચેરી ડ્રોપ પહેરે તો તેની હાઇટ વધુ હોવાનું લાગે છે.
પર્લ ડ્રોપ્સ ઇયરિંગ
કોરિયન જ્વેલેરીમાં પર્લ અને ગોલ્ડ મેટલનું કૉમ્બિનેશન ક્લાસિક માનવામાં આવે છે. સિમ્પલ અને સોબર લુક જોઈતો હોય તો આવાં ઇયરિંગ્સ સારામાં સારો વિકલ્પ છે.
ફેશન:બોડી ટાઇપ પ્રમાણેનાં વસ્ત્રો સુંદરતાને લગાવે ચાર ચાંદ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/clothing-according-to-body-type-adds-four-moons-to-beauty-134495318.html

ગ્ય લુક માટે શરીરના પ્રકાર સાથે મેચ થાય એવો ડ્રેસ પહેરવો જરૂરી હોય છે. શું તમને ખબર છે કે બોડી ટાઇપના પાંચ અલગ-અલગ પ્રકારો હોય છે? આ કારણે જ એક વ્યક્તિ પર જે ડ્રેસ બહુ સારો લાગે છે કે તે બીજી વ્યક્તિ પર ખરાબ લાગે છે. આ કારણે જ હંમેશાં બોડી ટાઇપને ધ્યાનમાં રાખીને જ વસ્ત્રોની પસંદગી કરવી જોઇએ.
એપલ બોડી શેપ
એપલ બોડી શેપ ધરાવતી મહિલાઓમાં શરીરનો ઉપરના ભાગ નીચેના ભાગની તુલનામાં વધુ હેવી હોય છે. આવી મહિલાઓના ખભા અને બસ્ટ લાઇન પહોળી હોય છે. આના કારણે વજન શરીરના મધ્યમાં વધુ લાગે છે.
કેવાં કપડાં પહેરવાં?
જો તમારું વજન હિપ્સ ઉપર અને મિડરિફ પર હોય અને તે વેસ્ટલાઇનને હેવી દેખાડે, તો તમારી સ્ટ્રેન્થને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરો. આ પ્રકારના બોડી શેપ પર એ-લાઇન અને એમ્પાયર કટનાં કપડાં ખૂબ જ સારાં લાગે છે. આ સિવાય ફ્લેયર્ડ બોટમ જેવા પ્લાઝો પસંદ કરો, જે બેલેન્સ બનાવશે. ખભા પહોળા હોવાથી યોગ્ય બ્રા પસંદ કરવી પણ જરૂરી છે. આ બોડી શેપ પર ફિગર-હગિંગ ડ્રેસ અને ટોપ્સ અથવા સ્કિની જીન્સ ટ્રાય ન કરવાં. અપર વેસ્ટ બેલ્ટ ટ્રાય કરો.
પીયર બોડી શેપ
આ પ્રકારના ફિગરમાં લોઅર બોડી હેવી હોય છે જેના કારણે બટ્સ અને થાઇઝ અપર બોડીથી વિશાળ દેખાય છે. આ પ્રકારના ફિગરમાં ખભાની પહોળાઈ ઓછી અને હિપ્સની પહોળાઈ વધુ હોય છે.
કેવાં કપડાં પહેરવાં?
આ ફિગરની વિશેષતા એ છે કે જો તમે યોગ્ય કપડાં પસંદ કરો, તો તમે અવર ગ્લાસ ફિગરનો ભ્રમ ઊભો કરી શકો છો. આવી બોડી પર એવા કપડાં પહેરો, જે તમારી લોઅર બોડીને હાઇલાઇટ કરે. વાઇડ-લેગ પેન્ટ્સ, એ-લાઇન સ્કર્ટ્સ, પેટર્નવાળી ડ્રેસ અને રફલ્ડ ટોપ્સ આ ફિગર પર સારાં લાગે છે. આ ફિગર પર સ્કિન ફિટિંગ ટોપ્સ પહેરવાથી બચવું જોઈએ. સાથે જ ઢીલા બોટમવાળી પેન્ટ્સ પણ ન પહેરવી જોઈએ.
અવર ગ્લાસ બોડી શેપ
અવર ગ્લાસ બોડી શેપ એકદમ બેલેન્સ્ડ હોય છે. આ બોડી ટાઇપમાં ઉપર અને નીચેનો ભાગ એકદમ યોગ્ય હોય છે અને વેલ-ડિફાઇન્ડ વેસ્ટલાઇન હોય છે. આ બોડી શેપ પર લગભગ દરેક પ્રકારના કપડાં સુંદર લાગે છે.
કેવાં કપડાં પહેરવાં?
અવર ગ્લાસ બોડી શેપ ધરાવતા લોકો માટે એવાં કપડાં પસંદ કરવાં જોઈએ જે તેમના કર્વ્સને હાઇલાઇટ કરે. એવો ડ્રેસ પસંદ કરો જે કમર પર સારી રીતે ફિટ થાય. વી પ્લંજ અને સ્વીટહાર્ટ નેકલાઇન આ ફિગરમાં ઉપરની બોડીને ફ્લોન્ટ કરશે. એ-લાઇન ડ્રેસ અને બોડી-હગિંગ ડ્રેસ ખાસ આ બોડી ટાઇપ માટે જ બનેલ હોય છે, તેથી આવાં ડ્રેસ પસંદ કરો. આ બોડી ટાઇપ પર દરેક પ્રકારનાં કપડાં સારાં લાગે છે, પરંતુ ઢીલાં ટોપ અને બોટમ પહેરવાથી બચવું જોઈએ.
રેક્ટેંગલ બોડી ટાઇપ
રેક્ટેંગલ બોડી ટાઇપમાં ખભા અને હિપ્સ એકસરખા હોય છે. આ પ્રકારની બોડીમાં કોઈ ખાસ આકાર કે વળાંક નથી હોતા અને વેસ્ટલાઇન દેખાતી નથી.
કેવાં કપડાં પહેરવાં?
આ પ્રકારની બોડી ધરાવતી મહિલાઓએ પોતાના હાથ અને પગની સુંદરતાને હાઇલાઇટ કરવી જોઈએ. આ બોડી ટાઇપ અવરગ્લાસ બોડી જેવી જ હોય છે, પરંતુ તેમાં વેસ્ટલાઇન નથી. આ બોડી ટાઇપ ધરાવતી વ્યક્તિ એ-લાઇન સ્કર્ટ્સ, રફલ્ડ અને લેયર્ડ ટોપ્સ પહેરી શકે છે. આ સિવાય નેકલાઇન્સ એવી હોવી જોઈએ જે તમારી અપર બોડીને દર્શાવે. બ્લેઝર, લૉંગ જૅકેટ્સ અને કેપ્સ આ પ્રકારની બોડી પર સારા લાગે છે.
આ પ્રકારની બોડી ધરાવતી મહિલાઓએ હાઇ-વેસ્ટ જીન્સ અને ફ્લેયર્ડ જીન્સ ન પહેરવું જોઈએ, કારણ કે તે રેક્ટેંગલ બોડીનું બેલેન્સ બગાડે છે.
ઇનવર્ટેડ ટ્રાયએંગલ બોડી શેપ
ઇનવર્ટેડ ટ્રાયએંગલ બોડી શેપને એથલિટ બોડી ટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. આ બોડી શેપમાં હિપ્સ કરતાં ખભા વિશાળ હોય છે. આ પ્રકારની બોડી ધરાવતી મહિલાઓએ તેમના આર્મ્સ અને ખભા ઓછા હાઇલાઇટ થાય એવાં વસ્ત્રો પહેરવાં જોઇએ.
કેવાં કપડાં પહેરવાં?
આ પ્રકારનું બોડી ધરાવતી યુવતીઓના હિપ્સ ઓછા વિશાળ હોય છે, તે માટે એવા કપડાં પહેરો જે તમારા હિપ્સને ડિફાઇન કરે. સ્ટ્રેટ-કટ જીન્સ અને ડ્રેસિસ આ બોડી પર સારી લાગે છે. પેન્સિલ કટ સ્કર્ટ અને સ્કિની જીન્સ પણ પહેરી શકાય. આ બોડી ટાઇપમાં દરેક પ્રકારના ટોપ્સ સારી રીતે લાગે છે, પરંતુ વધુ લેયરિંગથી બચવું જોઈએ.
સજાવટ:ઘરની દીવાલ સજાવતાં આર્ટિસ્ટિક વોલપેપર્સ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/artistic-wallpapers-to-decorate-the-walls-of-the-house-134495322.html

દિવ્યા દેસાઇ રેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેનું ઘર સૌથી સુંદર લાગે છે. ઘરને સુંદર બનવા માટે સજાવટ જરૂરી હોય છે અને સજાવટ માટે વોલપેપર સારો વિકલ્પ સાબિત થયો છે. ઘરને સજાવવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સામગ્રીઓ મળતી હોય છે. જો તમે તમારા ઘરને ઓછા ખર્ચામાં એકદમ અલગ લુક આપવા ઇચ્છતાં હો તો દીવાલને વોલપેપર દ્વારા સજાવી શકો છો.
હાલમાં દીવાલોની સજાવટ પણ ઇન્ટિરિયર ડેકોરેશનનો મહત્ત્વનો હિસ્સો બની ગઇ છે. આનાથી દીવાલને નવો લુક મળે છે. આનાથી દીવાલને નવા રંગ-રૂપ મળે છે અને આખા રૂમની સુંદરતા ખીલી ઉઠે છે.
વોલપેપરમાં પણ રંગ અને ડિઝાઇનના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે જેની પસંદગી રૂમની બનાવટને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. ઘણી વખત રૂમને ધ્યાનમાં ન રાખીને માત્ર કલર અને ડિઝાઇનને ધ્યાનમાં રાખીને વોલપેપરની પસંદગી કરવામાં આવે તો રૂમની સુંદરતા વધવાને બદલે ઘટી જાય છે.
હાલમાં માર્કેટમાં અવનવાં આર્ટિસ્ટિક વોલપેપર ઉપલબ્ધ છે. આ આર્ટિસ્ટિક વોલપેપરમાં થિમ આધારિત એબ્રોડરી વર્ક કરેલાં વોલપેપર સૌથી વધારે ડિમાન્ડમાં છે. વ્યક્તિ પોતાની ચોઇસ પ્રમાણે પોતાના રૂમને આ વોલપેપરથી સજાવી શકે છે. બાળકોના રૂમ માટે પણ કિડ્સ થિમના વોલપેપર ઉપલબ્ધ છે. જો રૂમ નાનો હોય અથવા તો પ્રકાશ ઓછો હોય તો આ મુદ્દો ધ્યાનમાં રાખીને જ વોલપેપરની પસંદગી કરવામાં આવે તો યોગ્ય છે.
ઘરને સજાવતા પહેલાં ધ્યાન રાખો કે રૂમમાં ડાર્ક કલર તેમજ ડાર્ક કલરના વોલપેપરનો ઉપયોગ ન કરો કારણકે ડાર્ક કલરથી રૂમમાં લાઇટ ઓછી લાગે છે. જો તમે ડાર્ક કલરનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા રૂમમાં નેગેટિવ ઊર્જા આવે છે.
બ્યૂટી:એલોવેરાનો વધુ પડતો ઉપયોગ છે નુકસાનકારક
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/excessive-use-of-aloe-vera-is-harmful-134495325.html

રેક યુવતી ઇચ્છતી હોય છે કે તેની ત્વચા સ્વસ્થ અને ચળકતી રહે. જોકે ઘણી છોકરીઓ ચહેરા પર પિંપલ્સ, રેશ અને ઇરિટેશનથી પરેશાન રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક યુવતીઓ ચહેરા પર કોપરેલ અને એલોવેરા જેલ જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. જોકે ઘણીવાર યુવતીઓ આ વસ્તુઓનો અતિશય ઉપયોગ કરી લે છે. આથી તેમની સમસ્યા ઘટવાને બદલે વધે છે અને તેઓ વધુ પરેશાન થાય છે.
ઘણી વખત પિરિયડ્સના સમયે ખીલથી બચવા માટે યુવતીઓ વધુ એલોવેરાનો ઉપયોગ કરે છે, પરંતુ આનાથી વધારે ખીલ થાય છે. એલોવેરા જેલનો વધુ ઉપયોગ ચહેરા માટે નુકસાનકારક બની શકે છે. નિષ્ણાતો કહે છે કે એલોવેરા જેલનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઇએ. જો તેનો વધુ ઉપયોગ થાય તો કેટલીક છોકરીઓની ત્વચા પર એલર્જી થઈ શકે છે. એના વધુ ઉપયોગથી ચહેરા પર ખંજવાળ, બળતરા અથવા ધબ્બા પડી શકે છે. તેથી, એલોવેરા જેલનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ.
એલોવેરા જેલનો વધુ ઉપયોગ ચહેરાની ત્વચા પર ખરાબ અસર કરી શકે છે. જો તમે એલોવેરાનો વધુ ઉપયોગ કરો છો, તો ચહેરા પર ઓઇલ વધે છે. એટલું જ નહીં, વધુ એલોવેરા જેલના ઉપયોગથી ત્વચા કાળી પડી શકે છે અને ચહેરા પર ડ્રાયનેસ પણ દેખાઈ શકે છે.
એલોવેરા જેલનો વધુ ઉપયોગ કરવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. આનો વધુ ઉપયોગ કરવાથી ખીલ થઈ શકે છે, જે સરળતાથી ઠીક નથી થતાં. કેટલાક કિસ્સાઓમાં, ઓછા વયે જ ચહેરા પર કરચલીઓ પણ આવી શકે છે. એલોવેરા જેલનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરવો જરૂરી છે. આમ, એલોવેરા જેલના વધુ ઉપયોગથી બચવું જોઈએ, કારણ કે તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
પહેલું સુખ તે... .:સારી આદતો છે સ્વસ્થ જીવનનો પાયો
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/good-habits-are-the-foundation-of-a-healthy-life-134495326.html

હુ લાંબાસમય સુધી સ્વસ્થ રહી શકવા પાછળ ઘણા બધા અંશે સારી આદતોજવાબદાર હોય છે. સારી આદતોની ચોક્કસપણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર પડે છે. નિયમિત રીતે આ આદતોનું પાલન કરવા માટે રાતોરાત પરિવર્તન શક્ય નથી પણ એમાં ક્રમશ: ફેરફાર કરી શકાય છે.
દૈનિક પોઝિટિવ વસ્તુઓની યાદી બનાવો : વ્યક્તિ રોજ અલગ અલગ અનુભવોમાંથી પસાર થતી હોય છે. દૈનિક ધોરણે એવી પાંચ વસ્તુઓનું લિસ્ટ બનાવો જેની તમારા જીવન પર હકારાત્મક અસર પડી હોય. આવી યાદી બનાવવાથી હકારાત્મક લાગણી અનુભવશે અને પરિણામે વધારે આનંદની લાગણીનો અહેસાસ થશે.
ફિઝિકલ એક્ટિવિટી : શારીરિક રીતે સક્રિય રહેવાથી મૂડમાં સુધારો થાય છે અને વ્યક્તિ મનમાં આનંદની લાગણીનો અનુભવ કરે છે. શારીરિક રીતે સક્રિય રહેવાથી સીરોટોનિન જેવા અંત:સ્ત્રાવનું સ્તર વધે છે અને સ્ટ્રેસ હોર્મોનનાં સ્તરમાં ઘટાડો થાય છે. આ આંતરિક પરિવર્તનને કારણે દિવસમાં અનેક ઘટનાઓ દરમિયાન સ્ટ્રેસની લાગણીથી દૂર થઈ શકાય છે.
જે લોકો શારીરિક રીતે સક્રિય હોય તેમને હેલ્થને લગતી શારીરિક કે માનસિક સમસ્યાઓ થવાની શક્યતામાં સારો એવો ઘટાડો થાય છે. તમે તમારી અનૂકુળતા પ્રમાણે શારીરિક સક્રિયતા જાળવી રાખવાના અનેક વિકલ્પોમાંથી પસંદગીના વિકલ્પ સિલેક્ટ કરી શકો છો.
કુદરતનુ સાંનિધ્ય : જે લોકો સતત કામનું ભારણ અનુભવતા હોય અથવા તો સતત નોટિફિકેશન્સ અને કામના સ્ટ્રેસથી ત્રસ્ત હોય, તેમના માટે થોડો સમય ટેક્નોલોજીથી દૂર રહેવાનું બહુ જરૂરી છે. આ માટે નિયમિત બ્રેક લો અને એ સમય દરમિયાન તમે થોડો સમય બહાર જઇને કુદરતના ખોળે સમય પસાર કરો. કુદરત સાથે સમય પસાર કરવાથી મૂડમાં સુધારો થશે અને સ્ટ્રેસ લેવલ ઘટશે.
બીજાની સંભાળ લો : બીજા પ્રત્યે સારો વ્યવહારરાખવાથી આનંદની લાગણી અનુભવાય છે અને બીજાની સંભાળ રાખવામાં સમય પસાર કરવાથી ખુશીનાં સ્તરમાં વધારો થાય છે. જો તમે પ્રકૃતિને પ્રેમ કરતા હો તો વૃક્ષો વાવી શકો છો અથવા તો મિત્રને પુસ્તક આપી શકો છો. બીજાને મદદ કરવા માટે ગાળેલો સમય જીવન માટે બહુ હકારાત્મક સાબિત થાય છે.
મેડિટેશન છે મસ્ટ : આપણને જીવન દરમિયાન શક્ય એટલું ઝડપથી ઘણું બધું મેળવી લેવાની ઇચ્છા હોય છે. આના કારણે વ્યક્તિનાં સ્ટ્રેસ અને એંગ્ઝાયટીમાં વધારો થાય છે. મેડિટેશન દરમિયાન શ્વાસોચ્છ્વાસ પર કાબૂ રાખવામાં આવે છે જેના કારણે ચેતાતંત્ર સ્ટ્રેસ ફ્રી થાય છે.
મેડિટેશનની પ્રેક્ટિસ શરૂઆતમાં પડકારજનક સાબિત થઇ શકે છે પણ એવા કેટલાક આઇડિયા છે જેનું પાલન કરવાથી સારી રીતે મેડિટેશનનો અનુભવ કરી શકાય છે. દિવસની શરૂઆત ફોન પર ઇ-મેઇલ્સ કે ટેક્સ્ટ ચેક કરીને કરવાને બદલે શાંતિપૂર્ણ માહોલમાં કરો.
મેડિટેશન કરવા માટે ઘરમાં જ કોઇ આરામદાયક બેઠકની અથવા તો બહાર જઇને કોઇ શાંતિપૂર્ણ જગ્યાની પસંદગી કરો. એવી જગ્યાની પસંદગી કરો જ્યાં તમે તમારા શ્વાસોચ્છ્વાસને અનુભવી શકો. આંખો બંધ કરીને બેસો અને દસ મિનિટ જેટલા સમય માટે શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
સ્ટ્રેસ મેનેજમેન્ટ છે માસ્ટર-કી : દરેક વ્યક્તિનાં જીવનમાં થોડો ઘણો સ્ટ્રેસ તો રહેતો જ હોય છે. જોકે તમારી ખુશીઓને આ સ્ટ્રેસનું ગ્રહણ ન લાગવું જોઇએ. આવું ન થાય એ માટે સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરતા શીખવું જોઇએ.
આ માટે માઇન્ડફુલ એક્સરસાઇઝ, મેડિટેશન, ડીપ બ્રિધિંગ અથવા તો હોબી જીવનમાં શાંતિ અને આનંદનો અહેસાસ લાવે છે. આ સિવાય જે વસ્તુઓથી સ્ટ્રેસ અનુભવાતો હોય એનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઇએ.
તમારી જાતનું જતન કરો. જીવનમાં ખુશી જાળવવા માટે ‘ના’ કહેવાનું શીખવું પણ જરૂરી છે.
કાવ્યાયન:માતૃભાષાને માન એટલે માતાનું સન્માન
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/respect-for-the-mother-tongue-means-respect-for-the-mother-134495328.html

હરદ્વાર ગોસ્વામી આપણને
જે ભાષામાં સપનાં આવે, એ
આપણી માતૃભાષા.
મને હજીય ફિલાડેલ્ફિયામાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબી જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબી છે ?’ અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંના હૈયાને નંદવામાં વાર શી?)
- પન્ના નાયક

તૃભાષાની કવિતા પણ અંગ્રેજીમાં ટાઈપ કરીને મોકલે એમને ગુજરાતી કેમ કહેવા? જો કે ગુજરાતી ફિલ્મના કેટલાક હિરો પણ ગુજરાતી હોવા છતાં સ્ક્રીપ્ટની લિપિ અંગ્રેજીમાં રાખે છે!
માતૃભાષાને ધબકતી રાખવા કોઈ મોટા અભિયાનની જરૂર નથી. જરૂર છે માત્ર રોજબરોજના જીવનમાં નાના નાના બાબતોમાં ધ્યાન આપવાની, માતૃભાષા તમારી સંસ્કૃતિનો પડઘો છે. માતૃભાષા નહીં હોય તો સંસ્કૃતિ પણ નહીં હોય! માતૃભાષા દ્વારા જ આપણા ભવ્ય ભુતકાળને જાણી-પ્રમાણી શકીએ છીએ. માતૃભાષાનું ઋણ ક્યારેય ય ઉતરી ન શકે! માતૃભાષાને માન એટલે માતાનું સન્માન.
‘પતિ ગયા’ ને બદલે ‘પતી ગયા’ બોલવાથી કેવો ગોટો થઇ જાય છે. રાજા અશોક નવી રાણીને પરણ્યા એટલે બાળપુત્રને મિત્રને ત્યાં મોકલી આપ્યો. કુમાર મોટો થતાં મિત્રે પૂછાવ્યું કે શું કરવું. તો અશોકે સંદેશો આપ્યો કે ‘कुमारो अधियउ’- ‘કુમારને ભણાવો.’ ઈર્ષાથી સળગતી નવી રાણીએ નેત્રના કાજળથી સળી વડે ‘अ’ ઉપર ટપકું કરી નાખ્યું. અને થયું ‘कुमारो अंधियउ’- ‘કુમારને આંધળો કરો.’ કુમારે પણ પિતાની આજ્ઞા પાળવા પોતાની બંને આંખોમાં પોતાના હાથે જ ખીલા ભોંકી દીધા. માત્ર અનુસ્વારનો જ ફેર અને વિનાશ!
ફોર્ચ્યુન સામયિકમાં નોંધાયેલું કે માતૃભાષા એ હૃદયની અને મનની ભાષા છે. માના ગર્ભમાંથી જ બાળક એ સાંભળતું આવે છે. કોઈ જાગૃત પ્રયત્નો વગર અનાયાસે જ બાળક માના ખોળામાં એ શીખે છે. અને એટલે જ એના અસ્તિત્વ સાથે વણાયેલી આ ભાષામાં વિચારતા કે વ્યક્ત થતા બાળક તણાવમુક્ત અને સહજ હોય છે. આત્મવિશ્વાસથી ભરચક હોય છે.
માતૃભાષા એ બાળકની વ્યક્તિગત, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ છે. બીજી ભાષાઓ શીખવા માટે પણ તે મજબૂત પાયો પૂરો પાડે છે. બધા મહાન લેખકો ઉત્તમ સાહિત્ય માતૃભાષામાં જ સર્જી ગયા છે. જેની માતૃભાષા પાક્કી એ અન્ય ભાષા પણ બહુ ઝડપથી શીખી શકે છે. ચીનમાં માતૃભાષાનું બહુ સન્માન છે કે તેઓ પોતાની દુકાન કે ઓફિસના હોર્ડિંગમાં, ઓળખપત્રમાં કે જાહેરાતોમાં પોતાની જ ભાષાનો ઉપયોગ કરે છે. માતૃભાષા એ ચામ્બડી છે અને અન્ય ભાષા એ વસ્ત્રો છે. ગુજરાતી હોઈએ એટલે નરસિંહના નાતીલા અને દલપતરામના દોસ્ત બનવાની ઉપાધિ આપોઆપ મળી જાય છે.
યોગ્ય પસંદગી:આયુષે રેવતીને કહ્યું, ‘રેવતી, આઈ એમ સોરી. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું.’
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-right-choice-134495329.html

વતી છવીસમાં વર્ષમાં પ્રવેશી, તેની ઉંમરનો આંકડો વધતા રેવતીના માતા -પિતાએ રેવતી માટે કોઈ યોગ્ય મુરતિયો શોધવા માટે શોધખોળ શરૂ કરી. સમાજમાં આડોશ -પાડોશમાં બધા જ ઓળખીતાના કાને વાત નાખી કે, ‘અમારી રેવતી માટે કોઈ યોગ્ય છોકરો હોય તો અમને ભલામણ કરશો’
રેવતી ઉમરના મહત્ત્વના વળાંકે આવી હતી. કોઈ પણ છોકરી મુગ્ધાવસ્થામાં પ્રવેશે એટલે તેના માતા -પિતાને પોતાની છોકરી લગ્ન કરીને ઠરીઠામ થાય અને પોતાને એક સારો જમાઈ મળે તેવી ઈચ્છા સેવતા હોય છે.
રેવતી એમ.એસ.સી. આઇટીમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઇ હતી અને એક સારી જોબ કરી રહી હતી. રેવતીએ પોતાના માતા-પિતાને સ્પષ્ટપણે જણાવી દીધું કે, 'આ જિંદગી મારી છે અને મારી જિંદગીમાં નિર્ણયો લેવાનો હક પણ મને પોતાને છે, એટલે મારા માટે સુપાત્ર હું પોતે જ શોધીશ.'
આ સાંભળી રેવતી નાં પિતા પ્રફુલભાઇ વાત કાપતા બોલ્યા, 'આજના જમાના પ્રમાણે આપણે સંતાનો માટે બધું જ કરીએ પણ સંતાન સમજણું થાય એટલે માતા -પિતાની વાત ગાંઠે બાંધતું નથી. મારી દીકરી ભોળી છે, તેને કોઈ છોકરો પોતાની વાતોમાં ફસાવી ન જાય તો સારું.’
પ્રફુલભાઈ પોતે જમાનો જોઈ ચૂક્યા હતા, પણ આમ છતાં તે પોતાની દીકરી સાથે કોઈ દલીલબાજીમાં ઊતરવા માગતા નહોતા. તેમણે કહ્યું કે, ‘આપણે તો તેની પસંદગી જોઇશું. છોકરો સારું કમાતો હોય, સમાજમાં તેનો માન -મોભો અને પ્રતિષ્ઠા હોય તેનાથી વિશેષ શું?’
જોતજોતામાં બે વર્ષ વીતી ગયા, રેવતી અઠ્ઠાવીસ વર્ષની થઇ હતી, રેવતીને તેની સાથે જોબ કરતા આયુષ સાથે પ્રેમ થયો. રેવતી અને આયુષ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. રેવતીએ પોતાના ભાવિ ભરથાર માટે આયુષ પર પોતાની મંજૂરી આપી, આયુષના માતા- પિતા અને રેવતીનાં માતા -પિતા મળ્યાં. બ્રાહ્મણે સારું મૂહુર્ત જોઈ લગ્નની તારીખ નક્કી કરી.
લગ્નનાં એક મહિના પહેલાં એક ઘટના બની. રેવતી પોતાની જોબ પરથી ઘરે પાછી ફરી રહી હતી. રાત્રીના એક-બે વાગ્યા નો સમય હતો અને રસ્તામાં તેનું એક્ટિવા બંધ પડી ગયું. એક્ટિવા બંધ પડતા અવાવરું જગ્યાએ રોમિયોગીરી કરતા ત્રણ-ચાર લઠ્ઠાઓ રેવતીને એકલી ભાળી તેની છેડતી કરવા આવી પહોંચ્યા.
રેવતી પહેલાં તો ડરી ગઈ. આ લઠ્ઠાઓ કદાવર હતા અને એક એકલી નારી. તેમણે અપશબ્દોનો પ્રહાર કર્યો. રેવતી ડરી ગઈ. આ લઠ્ઠાઓએ રેવતીનાં
અંગ -ઉપાંગો પર અડપલાં કર્યા. રેવતીએ હિંમત કરી આ લઠ્ઠાઓ પર તેના પર્સમાં રહેલું પેપરસ્પ્રે આ લઠ્ઠાઓ પર છાંટ્યું અને લાગ જોઈને ત્યાંથી ભાગી ગઇ. બીજા દિવસે તેના ભાવિ ભરથાર આયુષને સઘળી વાત કરી.
આ સાંભળી આયુષે રેવતીને કહ્યું, ‘રેવતી, આઈ એમ સોરી. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. એ લઠ્ઠાઓએ તારાં અંગ-ઉપાંગો પર અડપલાં કર્યા અને તારું કૌમાર્ય ભંગ થયું. હવે મને ભૂલી જજે.’
રેવતીએ આયુષને બ્લોક કરી તેની ઓફિસમાં સાથે કામ કરતા એક કલીગ મિત્ર પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. વર્ષો વીતી ગયાં. આયુષ જે છોકરી સાથે પરણ્યો છે એ છોકરીનો રેવતી પર ફોન આવ્યો, ‘સારું થયું, તમે આયુષને એ સમયે ના પાડી દીધી. આયુષ તો સાચે જ શંકાશીલ અને સાઇકો ટાઈપનો છે. મેં બે દિવસ પહેલાં જ તેની સાથે ડિવોર્સ લીધા છે.'
- મિત કે. નાંઢા (અમદાવાદ)
વરોળ:ભીખુ અને ઈન્દુના લગ્નને ચાર વર્ષ વીતી ગયા પણ ઈન્દુનો ખોળો ખાલી રહ્યો હતો
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/four-years-have-passed-since-bhikhu-and-indus-marriage-but-indus-lap-remained-empty-134495330.html

કન ઢોલી અને હકો શરણાઈવાળો આજે પણ ભીખાના લગ્નને યાદ કરતા કહે છે કે અમારા જનમારામાં આવાં લગ્ન પહેલવહેલાં જોયેલાં. રૂડા નાગજીએ રૂપિયાનો વરસાદ વરસાવેલો અને પાઘડીઓ બંધાવેલી.
પંચોતેર વીઘા પિયત જમીનના માલિક રૂડા પટેલ સંપન્ન ખેડૂત અને પાંચમાં પૂછાય એવા. બાપીકી જમીનના એ એક માત્ર વારસદાર. એમનાં ઘરે છ-છ દીકરીઓ પછી પુત્રનો જન્મ થયેલો. એ પણ એના પિતાની જેમ એક માત્ર વારસદાર. ખોટનો હતો એટલે નામ પાડ્યું'તું ભીખો. પાછલી અવસ્થામાં થયેલો એટલે ગંગાબાએ લાડકોડથી ઉછરેલો અને જુવાન થતા ખેતીમાં પલોટેલો. વાડીએ સાથી રાખેલો એટલે મજૂરીકામ કરવાનું એના ભાગે આવતું નહીં.
બાવીસમા વર્ષે ઈન્દુ સાથે તેનાં લગ્ન ધામધૂમથી થયા. ઈન્દુના પિતાએ કરિયાવર પણ સારો કરેલો. ઈન્દુ દેખાવડી સાથે કામઢી પણ ખરી. ગાય-ભેંસો દોહવામાં એ પાવરધી. એના આંગળા એવા ફરે કે ઘમઘમ કરતું દૂધનું બોઘરણું ભરાઈ જાય.
સમય પસાર થવા માંડ્યો. ભીખુ અને ઈન્દુનો ગૃહસ્થાશ્રમ બરાબર ચાલતો હતો. ચાર વર્ષ વીતી ગયા પણ ઈન્દુનો ખોળો ખાલી રહ્યો. ગંગાબાને ચિંતા થવા માંડી. ગંગાબાને લાગ્યું કે વહુમાં જ કાંઈક ખામી છે. કાગનું બેસવું ને ડાળનું પડવું, એવું બન્યું કે બાર વરસથી જે ગોમતી ગાયનો વંશવેલો ચાલતો હતો તે પેઢીની એક વોડકી ફળાવવાના ત્રણ ત્રણ પ્રયત્નો પછી પણ ગાભણી થઈ નહીં એટલે એને વરોળ ગણી પાંજરાપોળમાં મૂકી દીધેલી. શું ઈન્દુ પણ વરોળ હશે?
સગા-સંબંધીઓની ભલામણથી ભીખુ અને ઇન્દુનું અમદાવાદ નિષ્ણાત ડોક્ટરો પાસે નિદાન કરાવ્યું તો બધું નોર્મલ આવ્યું. બેમાંથી એકેયમાં કશી ખામી નહોતી.
રૂડા પટેલને પણ હવે ઉંમર વરતાવા માંડી હતી. મોતિયા ઊતરાવવા પડેલા. પત્ની જ્યારે તેમને વંશ-વારસાની વાત કરતી ત્યારે એક જ જવાબ મળતો, ધાર્યુ ધરણીધરનું થાય. ભગવાન સારું કરશે.
એલોપેથિક-દેશી-યુનાની કંઇક દવાઓ લીધી પણ ભીખાના ઘરે પારણું બંધાયું નહીં. ચિંતામાં ને ચિંતામાં ગંગાબાનું શરીર ક્ષીણ થતું જતું હતું. તેમણે અનેક માનતાઓ માની, બાધાઆખડીઓ રાખી. ઈન્દુની ગોદ તો પણ ભરાઈ નહીં.
એ પંથકમાં એવી માન્યતા પ્રચલિત હતી કે વાંકડીધારે આવેલી દાડમાદાદાની જગ્યાએ ભાણજી ભૂવો અને પાસેની દરગાહનો મુંજાવર કરીમશા મંત્ર તંત્ર કરીને માદળિયા તાવીજ આપે છે અને તેનાથી ઘણાંનાં દુઃખ-દર્દ દૂર થયા છે અને વાંઝિયામેણાં પણ ભાંગ્યાં છે. સંતાનપ્રાપ્તિ માટેની ખાસ વિધિ શુક્રવારે રાત્રે સ્ત્રીને બોલાવી કરાવવામાં આવે છે. ગંગાબાએ પુત્રવધૂને ત્યાં જવાનું કહ્યું. ઇન્દુએ ત્યાં જવાનો સખત વિરોધ કર્યો. તેણે એવી વાતો સાંભળેલી કે એ બંને
ભૂવા-મુંજાવર પાસે જવામાં સલામતી નથી. તે સગા-સંબંધીઓમાંથી કે અનાથાશ્રમમાંથી પુત્ર દત્તક લેવા રાજી હતી પણ તેની સાસુની એક જ રઢ હતી કે ખોળે ઘાલ્યું એ ખોટું. એ માનતા કે ભીખામાં કાંઈ ખામી નથી પણ આ વહુ જ વરોળ છે.
થોડા દિવસ પછી એક ઘટના ઘટી. લાકડીના ટેકે રૂડાઆતા જતા હતા ત્યાં ચોરા પાસે રખડતા આખલાએ ઢીંક મારી એમને પછાડી દીધા અને બે મહિનાનો ખાટલો આવ્યો. માંડ સાજા થયા ત્યાં હૃદયરોગનો હુમલો આવ્યો ને તેમનું અવસાન થઈ ગયું.
એકાદ વરસ પસાર થઈ ગયું. ગંગાબાએ મનમાં નક્કી કરી લીધું કે વંશવેલો વધારવા ભીખાને બીજી વાર પરણાવવો પડશે અને ઇન્દુને લખણું કરી ફારગતી આપી દેવી પડશે. છૂટું થઈ જાય પછી ભીખુને ફરીવાર વરાવવામાં કંઈ અગવડ નહીં પડે. આવું ભર્યુંભાદર્યું સંપન્ન જમીન જાગીરવાળું ઘર જોઈને ઘણાં માગાં આવશે. ક્યાં સુધી આ વરોળ વેઠવી?
ભીખાને ઇન્દુ ગમતી હતી. ઘર હોય ત્યાં ક્યારેક વાસણ ખખડે પણ એકંદરે ઘરસંસાર બરાબર ચાલ્યો જતો હતો. ગંગાબાનું બહુ દબાણ આવ્યું ત્યારે ભીખો કમને ફારગતી આપવા તૈયાર થયો. ઈન્દુને આ વાત મંજૂર નહોતી. ગંગાબાએ ઇન્દુના પિયરમાં કહેવડાવ્યું કે તેમણે કરેલો કરિયાવર અને સ્ત્રીધન પાછા આપવા સાથે બે લાખ રૂપિયા રોકડા ગણી દેશે તો જેમ બને તેમ જલદી ફારગતી કરી નાખવી.
ઇન્દુને આ અન્યાય લાગ્યો. ઘડીભર તો એને થયું કે વાડીના કૂવામાં પડી મરી જવું પણ સાસુએ આકરાં વેણમાં એને જે વરોળ કહી હતી તે એને બહુ આકરું લાગેલું. પછી એણે એવું વિચાર્યું કે હવે આ વરોળ એવું પગલું ભરશે કે સૌ જોતાં રહી જશે. અને એ પિયર ચાલી ગઈ.
પિયરમાં માતા-પિતા હયાત નહોતા. મોટા બે ભાઈઓ ખેતી કરતા હતા અને ખાધેપીધે સુખી હતા. મોટો રવજી વાતડાહ્યો અને વ્યવહારકુશળ હતો. ઇન્દુ ભાઈ રવજીને એક ખૂણે લઈ ગઈ અને કોઈ સાંભળે નહીં એમ તેણે તેના કાનમાં કંઈક વાત કહી. બે લાખ રૂપિયા લઈ એ ફારગતી કરવા તૈયાર થઈ ગઈ અને કાનમાં કહેલી ગુપ્ત વાત બહાર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવા કહ્યું.
આઠમા દહાડે સવારે નવ વાગ્યે પંચ ભેળું થયું. ગંગાબા વતી તેના મોટા જમાઈ રામજી પટેલ હાજર રહ્યાં. ઇન્દુનો ભાઈ રવજી પણ હાજર હતો. પંચની હાજરીમાં ઇન્દુને કરેલો કરિયાવર તથા બે લાખ રૂપિયા રોકડા ગણી દીધા અને ફારગતીના લખાણમાં અંગૂઠા ચંપાઈ ગયા.
ત્યાં સોળે શણગાર સજી ઇન્દુ આવી પહોંચી. કરિયાવરમાંથી પરત આવેલું ચળકતું પિત્તળનું બેડું ઉપાડ્યું. પાણીથી ભરી માથે ચડાવ્યું અને હોઠ મરડતી ચાલવા માંડી. પંચમાં બેઠેલા માણસો બાઘા બની જોઈ રહ્યા. કોઈને કાંઈ સમજાયું નહીં. ઇન્દુની પાછળ તેનો ભાઇ રવજી પણ ચાલવા માંડ્યો. પીપળાવાળી શેરીમાં લખમણ રહેતો હતો ત્યાં પહોંચીને લખમણને કહ્યું, "મારી હેલ્ય ઊતારો, આજથી તમે મારા ધણી."
લખમણ નવા કપડાં પહેરીને ઊભો હતો. ઇન્દુનો બીજો ભાઈ ગોરધન આગલા દિવસે જ ત્યાં આવી ગયેલો અને બધું ગોઠવાઈ ગયેલું. લખમણે બેડું ઊતાર્યું. ઘરઘરણાની વિધિ થઈ ગઈ. ઇન્દુ વૃદ્ધ અને અશક્ત વાલીમાના પગે પડી.
લખમણ એકાદ વરસ પહેલા ભીખાની વાડીએ સાથીપણું કરતો. વાડીએ ન્હાવા ધોવા આવતી સ્ત્રીઓ તરફ તેણે ક્યારેય દૃષ્ટિ કરેલી નહીં. લખમણની પત્ની આઠ માસ પહેલાં દોઢ વરસની બાળકી મૂકીને ઝેરી તાવમાં ગુજરી ગયેલી.
ઇન્દુ અને ગરીબ લખમણનો ઘરસંસાર ચાલવા માંડ્યો. ઇન્દુએ ફારગતી વખતે મળેલા રૂપિયામાંથી ત્રણ ભેંસો અને ત્રણ ગાયો ખરીદી દૂધનો ધંધો ચાલુ કરી દીધો. થોડા સમયમાં ધંધો જામી ગયો. લખમણ પશુઓની દેખભાળ કરતો અને ડેરીનો વહીવટ ઇન્દુ કરતી.
ઇન્દુને સારા દહાડા રહ્યા ને દશમે મહિને પુત્રને જન્મ આપ્યો. વાલીમાએ પૌત્રનું મોઢું જોઈ ભર્યા મને દુનિયામાંથી વિદાય લીધી. તેમની બધી અબળખાઓ પૂરી થઈ ગઈ હતી. એકાદ વરસ પછી ઇન્દુ ડેરીએ બેઠી હતી ત્યાં સમાચાર સાંભળ્યા કે ભીખો વાડીએ બંધ પડેલ મોટર રિપેર કરવા કૂવામાં ઊતર્યો અને આકસ્મિક વીજળીનો કરંટ લાગતાં તરત મૃત્યુને ભેટ્યો. ત્રણ વરસ થવા આવ્યા હતા પણ ભીખાનાં બીજા લગ્ન કે ઘરઘરણું થયા નહોતા.માઠા સમાચાર સાંભળતા જ ઇન્દુનું હૈયું હાથમાં ન રહ્યું. છાનાં ખૂણે તેણે ડૂસકાં ભરી લીધા. કાચની બંગડીઓ ફોડી નાખી અને કપાળનો ચાંદલો ઉખાડી નાખ્યો.
પાપા પગલી કરતો બાળક માને જોઈ રહ્યો હતો.- નગીન દવે (રાજકોટ)
રસથાળ:ઝટપટ બનતી ચટપટી સેન્ડવિચ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/quick-and-easy-sandwich-134495333.html

ઘૂઘરા સેન્ડવિચ; અમદાવાદ માણેકચોકની પ્રખ્યાત
સામગ્રી : બ્રેડ સ્લાઈસ, ચીઝ-જરૂર મુજબ, લીલી ચટણી, બટર પુરણ માટે સમારેલા લીલાં મરચાં, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું કેપ્સિકમ-પા કપ, સમારેલી કોથમીર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ચિલી ફ્લેક્સ-અડધી ચમચી, ચાટ મસાલો-1 ચમચી, મરી પાઉડર-પા ચમચી
રીત : પૂરણ માટેની સામગ્રી મિક્સ કરી બ્રેડ સ્લાઈસ પર બટર લગાવો. એક સેન્ડવિચ બનાવવામાં ત્રણ સ્લાઈસનો ઉપયોગ થશે. બે સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવી તૈયાર કરેલું પુરણ પાથરો. બંને ઉપર છીણેલી ચીઝ ભભરાવી ત્રીજી બટર લગાવેલી સ્લાઈસથી ઢાંકી પેક કરો. બંને સાઈડ બટર લગાવી સેન્ડવિચને સેન્ડવિચ મશીનમાં ગોલ્ડન બ્રાઉન શેકો. થોડી તીખી અને ચીઝી ગરમાગરમ ઘૂઘરા સેન્ડવિચની મજા માણો. રાજકોટ સ્ટાઈલ આલુમટર સેન્ડવિચ
સામગ્રી : બ્રેડ સ્લાઈસ, બાફેલા બટાકા-5થી 6, ઝીણી સમારેલી ડુંગળી-2 નંગ, બાફેલા સુકા વટાણા અથવા લીલા વટાણા-1 કપ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, ગરમ મસાલો-1 ચમચી, હળદર-પા ચમચી, ધાણાજીરું-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ચાટ મસાલો-અડધી ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, તેલ-વઘાર માટે, રાઈ-પા ચમચી, જીરું-પા ચમચી, હિંગ-પા ચમચી, મીઠાં લીમડાના પાન-4થી 5, બટર-શેકવા માટે
રીત : પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, લીમડો અને હિંગનો વઘાર કરી સમારેલું લીલું મરચું, હળદર અને ડુંગળી સાંતળો. બાફેલા વટાણા અને બટાકાનો માવો સરસ મિક્સ કરી લેવો. ખાટો-મીઠો અને તીખો માવો તૈયાર કરવો. બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી બટાકાનો માવો લગાવી સેન્ડવીચ ટોસ્ટરમાં ક્રિસ્પી ટોસ્ટ કરો. ગરમાગરમ સેન્ડવિચને ખાટીમીઠી ચટણી સાથે સર્વ કરો. નો બ્રેડ સેન્ડવિચ
સામગ્રી : મગ-1 કપ, લીલાં મરચાં-4 નંગ, કોથમીર-પા કપ, આદું-નાનો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ, તેલ-3 ચમચી, બટાકા-3 નંગ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, આમચૂર પાઉડર, ગરમ મસાલો-અડધી ચમચી
રીત : મગને આખી રાત પાણીમાં પલાળી રાખવા. બીજા દિવસે નિતારી મિકસરમાં આદું-મરચાં, સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરી ક્રશ કરી લેવા. બટાકાને બાફી તેની છાલ ઉતારી માવો કરવો. તેમાં આદું-મરચાંની પેસ્ટ, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો. (બટાકાને બદલે કોબી-ગાજર છીણીને પણ મસાલો કરી નાખી શકાય). ટોસ્ટરમાં થોડું બટર લગાવી તેમાં મગનું ખીરું પાથરો. તેની ઉપર બટાકાનો માવો પાથરી ફરી ખીરું પાથરો. ટોસ્ટર બંધ કરી બંને બાજુ સરસ શેકવા દેવું. આપણી હેલ્ધી નો બ્રેડ સેન્ડવિચ તૈયાર છે. રોટી સેન્ડવિચ
સામગ્રી : લેફ્ટ ઓવર રોટલી-4 નંગ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું કેપ્સિકમ-પા કપ, બાફેલા મકાઈદાણા-પા કપ, ઝીણી સમારેલી કોબીજ-પા કપ, પિત્ઝા સોસ-2 ચમચી, મેયોનીઝ-2 ચમચી, મિક્સ હર્બ્સ-અડધી ચમચી, છીણેલું ચીઝ-2 ક્યુબ, બટર-શેકવા માટે
રીત : એક બાઉલમાં મેયોનીઝ, પિત્ઝા સોસ, સમારેલી ડુંગળી, કોબીજ, કેપ્સિકમ, મિક્સ હર્બ્સને બરાબર મિક્સ કરી લેવું. એક રોટલી પર તેને લગાવી ઉપર છીણેલું ચીઝ ભભરાવો. બીજી રોટલી વડે ઢાંકીને તેને ચાર પીસમાં કાપો. ઉપરની સાઈડ બટર લગાવી ટોસ્ટરમાં કડક થાય ત્યાં સુધી ગ્રીલ કરો. ઇઝી ચીઝી સેન્ડવિચ
સામગ્રી : બ્રેડ સ્લાઈસ, છીણેલી કોબીજ-1 કપ, છીણેલું ગાજર-પા કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ, ઝીણી સમારેલી કાકડી-1 કપ, ઝીણા સમારેલા લીલાં મરચાં-3 નંગ, સમારેલી કોથમીર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરી પાઉડર-પા કપ, મેયોનીઝ-પા કપ, છીણેલું ચીઝ-2 ક્યુબ, બટર
રીત : એક બાઉલમાં ગ્રીન ચટણી અને બટર સિવાયની દરેક સામગ્રીને મિક્સ કરો. સેન્ડવિચ બનાવવાની હોય ત્યારે જ બધું મિક્સ કરવું નહીંતર પાણી વળી જશે. હવે બે બ્રેડ પર બટર લગાવો. એક પર ગ્રીન ચટણી લગાવી તૈયાર કરેલું મિશ્રણ પાથરો. ઝટપટ ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો. ટોસ્ટ ન કરવી હોય તો કાચી પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તૈયાર છે આપણી ઇઝી ચીઝી સેન્ડવિચ.
ક્રાઇમ સિક્રેટ:એક છોકરીના બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-two-postmortem-reports-of-one-girl-134498362.html

રાજ ભાસ્કર બોબી કાંડ - 1 આ કહાની 42 વર્ષ જૂની છે. બિહારના પટનામાં એક છોકરી રહેતી હતી. એનું મૂળ નામ શ્વેતા નિશા ત્રિવેદી. લોકો લાડમાં એને બેબી કહેતાં, પણ એક ઘટના એવી બની કે મીડિયાએ એને બોબી નામ આપી દીધું. પટનામાં બે લોકલ ન્યૂઝપેપરો નીકળતાં. એક ‘આજ’ અને બીજું ‘પ્રદીપ.’ 11 મે, 1983ના દિવસે આ ન્યૂઝપેપરોના ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા કે, ‘બોબી એટલે કે શ્વેતા ત્રિવેદીની હત્યા થઈ ગઈ છે અને એની લાશને ક્યાંક દફનાવી દેવાઈ છે.’
એ વખતે બોબી બહુ પોપ્યુલર નામ હતું. એના સમાચાર છપાતાં રાજકીય ક્ષેત્રે હડકંપ મચી ગયો. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજેશ્વરી સરોજ બિહાર વિધાન પરિષદના ચેરપર્સન હતાં. બોબીને તેમણે દત્તક લીધી હતી. એ માતા સાથે સરકારી આવાસમાં રહેતી હતી અને વિધાન પરિષદમાં જ ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી.
બોબીના બે વખત લગ્ન થયાં હતાં અને બંનેમાં ડિવોર્સ થયા હતા. વિધાનસભામાં એ વખતે સતત નેતાઓ-મંત્રીઓની અવર-જવર રહેતી. બોબી રૂપાળી અને કામણગારી હતી. સૌ એનાથી આકર્ષાયા હતા. બોબીને પણ અનેક નેતાઓ અને મંત્રીઓ સાથે દોસ્તી હતી.
1983ના એ વર્ષમાં પટનામાં ક્રાઈમ રેટ પણ ખૂબ ઊંચો. આથી એ વખતના તેજતર્રાર આઈપીએસ કિશોર કૃણાલને પટનાના સીનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસનો ચાર્જ સોંપાયો. કિશોર કૃણાલ કદી નેતાના દબાવમાં કામ કરવા ટેવાયેલા નહોતા. પ્રામાણિક અને ખુમારીવાળા. પટનામાં પોસ્ટિંગ લીધાને એમને હજુ એક મહિનો જ થયો હતો ત્યાં અખબારોમાં બોબીની હત્યાના સમાચાર આવ્યા. તેમને દાળમાં કંઈક કાળું લાગ્યું અને તપાસ શરૂ કરી. પૂછપરછની શરૂઆત
બોબીની માતા રાજેશ્વરી સરોજથી કરી. કિશોર કૃણાલ તેમને મળ્યા.
તેમણે કહ્યું, ‘7મી નવેમ્બરની મોડી રાત્રે બોબીને લોહીની ઉલ્ટીઓ થઈ હતી. 8મી તારીખે સવારે તેને પટના મેડિકલ કોલેજના સરકારી દવાખાને લઈ ગયા, જ્યાં તેનું મોત થયું. એ પછી વધારે સગાંને જાણ કર્યા વિના અમે અમારી રીતે તેને કદમકૂવા કબ્રસ્તાનમાં દફનાવી દીધી. એ ક્રિશ્ચિયન હતી એટલે અમે એને દફનાવી છે.’
કિશોર કૃણાલને લાગ્યું કે રાજેશ્વરીજી કંઈક છુપાવી રહ્યાં છે. આથી તેમણે પોતાના સોર્સ દ્વારા આગળ તપાસ ચલાવી. એ તપાસમાં બે ચોંકાવનારી બાબતો સામે આવી. બોબીના મોતના બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થયા હતા. એકમાં બોબીનું મોત ઈન્ટર્નલ બ્લીડિંગને કારણે અને બીજામાં હાર્ટએટેકને કારણે થયું હતું. પહેલામાં મોતનો સમય સવારે 4 વાગ્યાનો અને બીજામાં 4.30નો હતો. આથી કોર્ટમાંથી પરવાનગી લઈને, ફોરેન્સિક નિષ્ણાતો અને જરૂરી લોકોની હાજરીમાં બોબીને દફનાવવામાં આવી હતી એ કબર ખોદવામાં આવી. એનો વિસરા રિપોર્ટ કઢાયો, જેમાં આવ્યું કે બોબીનું મોત ન તો ઈન્ટર્નલ બ્લીડિંગથી થયું છે ન તો હાર્ટએટેકથી. બલકે એનું મોત તો મેલેથિયન નામના ઝેરને કારણે થયું છે.
રાજેશ્વરી સરોજ ચૂપ હતાં. કિશોર કૃણાલ સામે જેમ જેમ બોબીનાં જીવનનાં પાનાં ઉઘડતાં ગયાં તેમ તેમ એ પોતે હચમચી ગયા. બોબી જે સરકારી બંગ્લામાં રહેતી હતી એની અડોઅડ જ એક આઉટ હાઉસ હતું. એ આઉટ હાઉસમાં બોબીને મળવા અનેક લોકો આવતા હતા. કિશોર કૃણાલે ત્યાં કામ કરતા બે છોકરાને ઉઠાવ્યા. તેમણે માહિતી આપી કે 7મી મેની રાત્રે રઘુવર ઝા નામનો એક યુવાન આઉટ હાઉસમાં બોબીને મળવા આવ્યો હતો.
રઘુવર ઝા કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતા રઘુનંદન ઝાનો દીકરો હતો. એ રાત્રે એણે બોબીને કોઈ ગોળી ખવડાવી હતી. એનાથી બોબીની તબિયત બગડી હતી. રઘુવર એને મિત્ર અને ચીલાચાલુ ડોક્ટર વિનોદકુમાર પાસે લઈ ગયો. એણે ઈલાજ કર્યો પણ બોબી બચી નહીં. સવારે ચાર વાગે એ મરી ગઈ. એ પછી બ્લીડિંગનો રિપોર્ટ પણ એણે તૈયાર કરી આપ્યો, જે ખોટો હતો. પછી કંઈક એવું થયું હતું કે બોબીને સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ. ત્યાં નવેસરથી તપાસ કરાવડાવીને બીજા હાર્ટએટેકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરાવડાવ્યો.
કિશોર કૃણાલે આની તપાસ આદરી અને જે નામ આવ્યાં એ જાણીને એમના પગ તળેથી જમીન સરકી ગઈ. સરકારના અનેક નેતાઓ, મંત્રીઓનાં નામ બોબી સાથેના સંબંધમાં ખુલી રહ્યાં હતાં. બધા નેતાઓનાં દિલ ધડકી રહ્યાં હતાં કે ક્યાંક આઉટ હાઉસમાંથી પકડાયેલા બંને છોકરાઓ કહી ના દે કે બોબીને મળવા કોણ કોણ આવતું હતું?
આથી કેટલાક નેતાઓએ કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર આગળ વાત કરી. જગન્નાથ મિશ્રએ કિશોર કૃણાલને બોલાવીને પૂછપરછ કરી અને જાંબાઝ પોલીસ ઓફિસર કિશોર કૃણાલે મુખ્યમંત્રીને પણ એમ કહી દીધું કે, ‘સાહેબ, તમારું ચારિત્ર્ય સાફ છે. બોબી એ કોઈ કેસ નથી કાંડ છે. એક આગનો ભડકો છે. તમે હાથ નાંખશો તો બળી જશો. માટે દૂર રહો....!’
મુખ્યમંત્રીને પરસેવો વળી ગયો. કિશોર કૃણાલ ખુમારીભેર ત્યાંથી નીકળી ગયા. કિશોર કૃણાલ પાસે ડઝનબંધ નામો હતાં જે બોબીની હત્યામાં સંડોવાયેલાં હતાં. (ક્રમશઃ)
આજ-કાલ:બાર ગામે બોલી બદલાય આ બોલીને બચાવશે કોણ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-dialect-is-changing-in-twelve-villages-who-will-save-this-dialect-134498359.html

મો ટાભાગના દિવસોની ઉજવણી માર્કેટિંગ ગતકડાંની ઊપજ છે. બાકી, માતા-પિતા કે શિક્ષક પ્રત્યેનાં પ્રેમ-માન વરસમાં એક જ દિવસ બતાવવાના હોય? પણ અમુક દિવસની ઉજવણી આવકાર્ય અને ઉપકારક લાગે. ઝાઝા ઢોલ ત્રાંસા વગાડ્યા વગર 18મી ફેબ્રુઆરીએ ઊજવાય છે ડાયલેક્ટ ડે.
હા, પોતીકી બોલીનું જતન કરવા માટેનો દિવસ. એની ઉજવણી પણ ક્યાં થાય છે એ ખબર છે? 6800 ટાપુના બનેલા જાપાનના 430 ટાપુમાં માનવ-વસાહત છે. એમાંથી આઠ ટાપુનો એક સમુહ અમામી આયલેન્ડ્સ તરીકે ઓળખાય. અમામી ટાપુઓ પ્રાચીન કોરલ રીફ કે જ્વાળામુખી સર્જીત છે.
જાપાનના મુખ્ય ટાપુઓ અને અમામી પરની વસ્તી વચ્ચે સમુદ્ર છે. આને લીધે તેમની અમામી બોલી જાપાની ખરી, પણ વિશિષ્ટ ઉચ્ચારણ સાથેની. અમામી બોલીમાં ફરક એટલો બધો કે જાપાની અને અમામી બોલનારા આસાનીથી એકમેકની ભાષા સમજી ન શકે.
પરંતુ વૈશ્વિકીકરણની સુનામીને લીધે અંગ્રેજી સહિતની અમુક ભાષાનો પ્રભાવ વધવા માંડ્યો. આની ઝપટમાં અમામી બોલી પણ આવી ગઈ. ટર્નઓવર, પ્રોફિટ અને કમાણીમાં જ ગળાડૂબ રહેવાને બદલે અમામી ટાપુઓએ સ્થાનિક બોલીના જતન અને પ્રસાર માટે 18મી ફેબ્રુઆરીએ ડાયલેક્ટ ડે ઊજવવાનું શરૂ કર્યું. સ્થાનિક ભાષામાં ‘સિમાકુતુબા ડે’ કહેવાય છે, જેનો અર્થ ‘ટાપુ ભાષા ઉચ્ચારણ દિવસ’ થાય. આ લોકોની સ્થાનિક ભાષા રુક્યુઆન (ryukyuan) છે. આના પ્રચાર, પ્રસાર અને જતન માટે લેંગ્વેજ વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ચર્ચા-સભા સહિતના વિવિધ ઉપક્રમ હાથ ધરાય છે.
પોતીકી ભાષા અને બોલી માટેની આવી ભાવના ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં કેમ નથી? ગુજરાતમાં તો ‘બાર ગામે બોલી બદલાય’ જેવી કહેવત છે, પણ એ બોલીનું જતન થાય છે ખરું?
ભારતમાં 22 મુખ્ય ભાષાઓ છે અને 720 બોલી છે. પરંતુ ‘ધ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ 179 ભાષા ને 544 બોલી છે. આપણા દેશમાં બોલાતી ભાષામાં ટોપ પર છે રાષ્ટ્રભાષા હિન્દી, માત્ર 43.63% સાથે, 2011ના આંકડા મુજબ. ત્યાર બાદ બંગાળી (8.30%), મરાઠઈ (6.83%), તેલુગુ (6.70%), તમિળ (5.70%) અને છઠ્ઠા ક્રમે છે ગુજરાતી, 4.58% સાથે.
અને બોલી એટલે કે એક જ ભાષા, વિસ્તાર, જ્ઞાતિ કે વ્યવસાયમાં અલગ-અલગ રીતે બોલાતી વિશિષ્ટ ભાષા. ગુજરાતમાં તમે ફરવા નીકળી પડો તો ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતી, મધ્ય ગુજરાતમાં ચરોતરી અને દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલી સંભળાય. એક સમયના કાઠિયાવાડ પણ હવેના સૌરાષ્ટ્ર (જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવગર અને રાજકોટ)માં ચાર અલગ ઉપ-બોલી સંભળાય. જામનગર અને રાજકોટમાં હાલારી, જૂનાગઢમાં સોરઠી, ઝાલાવાડ (સુરેન્દ્રનગરમાં) ઝાલાવાડી અને ગોહિલવાડ (ભાવનગરમાં ગોહિલવાડી).
બોલાય ગુજરાતી જ પણ અલગ લહેકો, વિશિષ્ટ ઉચ્ચારણ, વિશેષ મીઠાશ અનુભવાય. અમુક બોલીમાં વધારાના શબ્દોય મળે. સમયાંતરે નવા શબ્દો ઉમેરાતા રહેવાતી સૌરાષ્ટ્રી બોલીનું શબ્દભંડોળ વિશેષ છે.
વિવિધ ગુજરાતી બોલી અને એના અલગ શબ્દો જાણવા-સાંભળવાની એક અનોખી મજા હતી, જે હવે લુપ્ત થવા માંડી છે. જોઈએ થોડા દાખલા... ગામ-ગૉમ, વાંચ-વાચ, પાણી-પાઁણી, પીંપળો-પેંપરો, નીકળ્યો-નેંકર્યો. કોઈક બોલીમાં ‘ઉં’, ‘ઈં’ અને ‘આં’ અદૃશ્ય થઈ જાય. દા.ત. બૈરાં-બૈરા, છાપું-છાપુ, દહીં-દઈ, કાપું-કાપુ. ક્યાંક ઉચ્ચારમાં આવતા ‘આઈ’ કે ‘આઉં’ લોપ થઈ જાય: ખાઉં-ખઉ, સગાઈ-સગઈ, ભાઈ-ભઈં. અમુક બોલીમાં જાણે ‘ળ’ સાથે વેર: ઉતાવળ-ઉતાવર, ધોળો-ધોરો, બાળકો-બારકો.
આવી વિશિષ્ટતાની વણઝારને આગળ વધારીએ. ખેડવું-સેડવું, કાકી-કાચી, કેટલા-ચેટલા, કેમ-ચ્યમ, ઘેટુ-ઝેટુ, પરણું-પયણુ, ગરણું-ગયણુ, બારણું-બાયણુ, વાવેતર-વાયતર, લાવ્યો-લાયો, પકવીએ-પકઈએ, કાઢવું-કહાવું, યશોદા-જશોદા, જશ-જહ, માણસો-માઁણહો, નિશાળ-નેંહાળ, સાસુ-હાહુ, જમવું-ઝમવું, દોડશે-દોડશી, ખાશે-ખાસે... અમુક બોલીમાં શબ્દ જ બદલાઈ જાય: પવન-વાયરો, ત્યારે-તાણ, કપડાં-લૂઘડાં, વાંદરો-આદરો, વાણિયો-આણિયો, છોકરી-ત્સોકરી, દાડમ-દહાડમ, મગર-મ્હગર...
દરેક બોલી, ભાષા અને પ્રજાની ઓળખ છે, દાયકાઓ-સદીઓથી રચાયેલી સાંસ્કૃતિક ધરોહર છે, પણ અંગ્રેજી પાછળના ગાડરિયા પ્રવાહમાં આપણે વધુ ઝડપભેર ગુમાવી રહ્યાં છે. માતૃભાષા, બોલી, પોશાક અને ખોરાક આપણી ઓળખ છે. આવી સમૃદ્ધ વિશિષ્ટતાને બદલે આપણને સૌને ઓળખ વગરના અમીબામાં ફેરવાઈ જવાની ઉતાવળ શા માટે છે?
આજે જાપાનના ટાપુના ડાયલેક્ટ ડેની આપણને તાતી જરૂર છે. સરકારને રમવા દો રાજરમત, પણ વિદ્યાપીઠ, કોલેજ, સ્કૂલ, સાંસ્કૃતિક સંસ્થાઓએ પોતપોતાના પ્રદેશમાં પોતાની બોલીના જતન માટે તાબડતોબ કામે લાગી જવું જોઈએ. પોતાની બોલીમાં વાતચીત, સાહિત્ય-સર્જન, નાટ્યમંચન અને પરિસંવાદ કરવા જોઈએ. શા માટે બોલીમાં મહારથ મેળ‌વનારા વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન ન આપી શકાય? ઓનલાઈન-ઓફલાઈન
કોઈ માણસ જે ભાષા સમજતો હોય એ ભાષામાં વાર્તાલાપ કરો તો એ વાત એના મગજમાં બેસી જાય. જો તમે એની સાથે એની ભાષામાં વાત કરો તો હૃદય સુધી પહોંચી જાય.
- નેલ્સન મંડેલા (સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ)
આપણી વાત:લોકો તમને છેતરી ગયા કે તમે જાતને છેતરો છો?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/have-people-deceived-you-or-are-you-deceiving-yourself-134498384.html

‘મા રા પતિ પાસે લાખો રૂપિયાના શેર્સ હતા, પણ એમના ગયા પછી મને ક્યાંય મળતા જ નથી. ખબર નથી, શું થયું!'
બાર વર્ષ પહેલા વિધવા થયેલી સિત્તેર વર્ષની મહિલાએ આવો ઉકળાટ ઠાલવ્યો. બાજુમાં બેઠેલી સ્ત્રીને આવી બાબતોમાં વધુ સમજ પડે છે. એણે સલાહ આપી કે લાખો રૂપિયાના શેર્સ ખરીદનારે બેંકમાં ડિમેટ અકાઉન્ટ ખોલ્યું જ હોય. ત્યાં જઈને તપાસ કરી લો.' પેલા બહેને બીજી ફરિયાદ કરી કે, 'બેંકમાં જઈને જોઈ લીધું, પણ ડિમેટ અકાઉન્ટમાં કંઈ મળ્યું નહિ.'
જાણકારે હાથ હલાવતા કહ્યું ,'તો પછી તમારા હસબન્ડે વેચીને રોકડા કરી લીધા હશે, કે પછી કોઈ બીજાને નામે કરી દીધા હશે.'
‘ના, ના, એવું બને જ નહિ' માજીએ માથું ધુણાવતા ખાતરીભેર કહ્યું. સામેની વ્યક્તિએ પછી વાત લંબાવી નહિ. પણ એના ચહેરા પર સ્પષ્ટ વંચાતું હતું કે પેલા બહેનની વાત એના ગળે નહોતી ઉતરી.
આખીયે વાત મારી સમજની બહાર હતી એટલે કોઈ અભિપ્રાય આપવાની જરૂર નહોતી. પણ આની પહેલા અનેકવાર આવા કિસ્સા જોયા-સાંભળ્યા છે, જ્યાં પતિ જીવિત હોય ત્યારે સ્ત્રી આર્થિક બાબતોથી સાવ અજાણ રહે, અને પતિના અવસાન પછી રોકકળ શરૂ થાય કે, મને તો કંઈ કહેતા જ નહોતા.
હવે સ્ત્રી સાવ અભણ હોય કે ભણેલી હોય તોયે 'પહેલેથી એને 'તને શું સમજ પડે' કહીને આર્થિક વ્યવહારથી દૂર રખાઈ હોય તો આવા સમયે એના પ્રત્યે સહાનુભૂતિ દાખવી શકાય. પરંતુ એજ્યુકેટેડ અને બધી રીતે પોતાને સ્માર્ટ, મોડર્ન ગણાવતી સ્ત્રીઓ એવું કહે ત્યારે એના પ્રત્યે દયાની સાથે થોડી ચીડ પણ ઉપજે. અને ઘણીવાર સ્ત્રીની સાથે એના મોટા થઇ ગયેલા સંતાનો પણ એવું કહે ત્યારે એમને ડફોળ કહીને લાફો મારવાનું મન થાય.
છેલ્લા થોડા વખતથી જોકે હવે એવો વિચાર આવવા લાગ્યો છે કે કમાતી વ્યક્તિની પાછળ રહી ગયેલા લોકો આર્થિકવિષયક કોઈ ભ્રમમાં તો નથી જીવતા ને? ખરેખર એમના પિતા કે પતિ બહુ પૈસા મૂકી ગયા છે, કે ઘણા લોકો પાસેથી એમનાં લેણાં નીકળે છે? અને ક્યારેય કોઈ એવું કેમ નથી કહેતું કે પપ્પા પાસેથી લોકોએ આપવાના નહિ લેવાના નીકળે છે ?
એક માજીની વાત કરું. સીધો પરિચય નથી, પણ એમના વિષે આસપાસના લોકો પાસે સાંભળ્યું છે. મોટી ઉંમરે પતિના અવસાન પછી કોણ જાણે કેમ, પણ એ સ્ત્રીના દિમાગમાં શંકા ઘર કરી ગઈ કે એના ઘરવાળાએ ઘણાં લોકોને ઉધાર પૈસા આપેલા, પણ એમાંથી કોઈએ પાછા નહોતા આપ્યા. બસ જેમના પર શંકા હતી એ બધાં પાસે ઉઘરાણી શરૂ કરી દીધી. ગમે તે
સમયે એમના ઘેર પહોંચી જાય, ઝઘડા કરે, ઘરના લોકોને હેરાન કરે.
એ સ્ત્રીનાં પોતાનાં સંતાનોએ એને સમજાવવાની કોશિશ કરી પણ માજી માને નહિ. ઉલટું એમને તો વધારાનો વહેમ વળગ્યો કે પતિના પૈસા દીકરોવહુ પણ ખાઈ ગયા. શંકાએ જાણે બીમારીનું રૂપ લઇ લીધું. સતત એ જ વાત કરે.એક સમયે એ સ્ત્રી પર ગુસ્સે થતા લોકો પછી તો એને ગાંડી ગણીને દયા ખાવા લાગ્યા. મરણપર્યંત એ સ્ત્રી તો ભ્રમમાં જ જીવી અને દુઃખી થઇ.
જોકે એવા લોકો પણ આપણને મળી જાય છે , જેમનું દિમાગ ઠેકાણે છે પરંતુ લોકોને કહેતા ફરે છે કે એમના પિતા કેટલા શ્રીમંત, ઉદાર હતા, અને કેટલાં લોકો એમના પૈસા ખાઈ ગયા. અમુક કિસ્સામાં આ સાવ ગપ્પેગપ્પાં હોય છે. આવા લોકો કદાચ પોતાની વર્તમાન સામાન્ય આર્થિક સ્થિતિનો દોષ પારકાં લોકો પર નાખવાના ફાંફાં મારે છે. આવા એક ભાઈની વાત કરું. એમના કહેવાનુસાર પિતાજી બહુ મોટા વેપારી હતા, એમના ઘેર રીતસર કોથળામાં પૈસા ઠલવાતા હતા, અનેક લોકોને એમણે ઉધાર પૈસા આપેલા પણ એમના મૃત્યુ બાદ કોઈએ પરિવારજનોને પાછાં ન આપ્યાં વગેરે.
શરૂઆતમાં અમે પણ એમની કરુણ કહાણી માની લીધી. પણ પછી એમને બાળપણથી, નજીકથી ઓળખતા લોકોએ કહ્યું કે પેલા ભાઈના પિતા નાના વેપારી હતા. ઘર ચાલે એટલું કમાય પણ લાખોકરોડોમાં નહોતા રમતા. બલ્કે છેલ્લા દિવસોમાં તો બીમારીને કારણે સાવ કંગાળ થઇ ગયેલા. બહાર સારી આબરૂ એટલે ઘણાં લોકોએ એમને મદદ પણ કરેલી. બાકી, પોતે કોઈને લાખો રૂપિયા આપ્યાં હોય ને છેતરાઈ ગયા હોય એવો દાવો તો એમણે પોતે પણ મિત્રો કે સગાંવહાલાં સામે ક્યારેય નહોતો કર્યો. દીકરો હવે સામેવાળાને ઈમ્પ્રેસ કરવા ગપગોળાં ફેંકે છે.
તમે પણ આવા કોઈ ગપ્પીદાસને મળ્યાં હશો. અને ક્યારેક એના મોંઢા પર સાચું કહી દેવાની ઈચ્છા થઇ હશે પરંતુ એક યા બીજા કારણસર જીભ પર કાબૂ રાખ્યો જ હશે. અને શક્ય છે કે પેલો માણસ વર્ષોથી જૂઠું બોલી બોલીને હવે પોતે પણ એને સત્ય માનવા લાગ્યો હશે. જેમ અત્યારે આપણે પણ એવા ભ્રમમાં જીવીએ છીએ કે ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય અને બધી જ રીતે સમૃદ્ધ હતો, પણ બહારનાં લોકોના પાપે આપણે કંગાળ થઇ ગયાં.
કેળવણીના કિનારે:બોર્ડની પરીક્ષા પૂર્વે વાલીએ શું કરવું જોઈએ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-should-parents-do-before-the-board-exam-134498383.html

ડો. અશોક પટેલ આ વતા અઠવાડિયે બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ટેન્શન અનુભવતાં હશે. ધોરણ-10 નાપાસ કે ઓછું ભણેલા વાલી પણ બાળકને સલાહ આપશે કે પરીક્ષામાં શું કરવું અને ના કરવું. પરીક્ષાના કેટલાક દિવસો પહેલાં વાલી સર્વજ્ઞ બની જાય છે. બોર્ડની પરીક્ષા પૂર્વે શું વાંચવું, કેટલું વાંચવું, ક્યારે વાંચવું, પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું, પરીક્ષામાં શું લખવું અને ના લખવું વગેરે વિશેનું જ્ઞાન શિક્ષકે તો આપેલું હોય જ છે, તો શું શિક્ષકે આપેલું જ્ઞાન અધૂરું કે અયોગ્ય હતું? શું બાળક ભૂલી ગયું છે? તો વાલીએ આપવું પડે છે?
એમાં પણ શિક્ષકે જણાવ્યું હોય તેના કરતાં વાલી બીજું જ જણાવે તો બાળક દ્વિધામાં મુકાઈ જાય છે. વિચારે છે કે કોણ સાચું. શું વાલી શિક્ષક કરતાં વધુ જાણે છે? હકીકતમાં વાલીએ બાળકને એમ જ કહેવું જોઈએ કે તારા શિક્ષકે જે કહ્યું છે તે પ્રમાણે કર. જો કોઈ બાબતે વધુ માહિતી જોઈએ તો શિક્ષકને ફોન કરીને કે રૂબરૂ મળીને પણ પૂછી શકાય અથવા તો સાથે અભ્યાસ કરતા મિત્ર પાસેથી પણ જાણી શકાય.
પરીક્ષા પૂર્વે ઘરમાં વાતાવરણ શાંત રાખવું જોઈએ. નાની-મોટી બાબતોમાં દલીલો કે ઝઘડાથી દૂર રહેવું જોઈએ. એમાં પણ જેને પરીક્ષા આપવાની છે તેની સાથે તો નહીં જ. આ સમય દરમિયાન બાળકને બહુ સલાહ ના અપાય. તે શારીરિક અને માનસિક સ્વસ્થ રહે તે જરૂરી છે. તેને જેટલી વધુ સલાહ તેટલું વધુ ટેન્શન. બાળક વાંચવા બેસે ત્યારે વાલીએ ટી.વી. જોવા ના બેસાય. વાલીએ પણ બીજી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. કોઈ પણ બાબતે બાળક પર અવિશ્વાસ ના મૂકાય. વાંચ નહીં તો ટકા ઓછા આવશે, ચપણીયું લઈને ફરવું પડશે જેવી નકારાત્મક વાત ના કરાય.
ખાસ તો અન્ય વિદ્યાર્થી સાથે સરખામણી તો ના જ કરાય. પેલો આટલું વાંચે છે કે આ રીતે વાંચે છે કે તેને આટલા ટકા આવ્યા વગેરે જેવી ચર્ચા કરવાથી બાળક દબાણમાં આવશે. બીજાનું બાળક અને તમારું બાળક અલગ છે, જેથી બન્નેની શક્તિ અલગ જ હોય. જેથી અન્ય બાળક સાથે પરીક્ષા માટે જ નહીં પણ કોઈ પણ બાબતે સરખામણી ના કરવી જોઈએ. એના બદલે હિંમત આપવા જણાવાય કે તેં આખું વર્ષ મહેનત કરી જ છે તો પરિણામ પણ સારું જ આવશે. બાળક સાથે હસી-મજાક કરાય. ઘરમાં નવા નવા નિયમો બનાવીને ટેન્શન ઊભું ના કરાય. બાળકને જ્યારે વાંચવાનું ગમતું હોય તે સમયે વાંચવા દેવાય. સવારે કે મોડી રાત્રે બાળકને જ્યારે વાંચવું હોય ત્યારે વાંચે. આગ્રહ ના રખાય કે સવારે વહેલા ઊઠીને વાંચ. ઉજાગરા તો ના જ કરાવાય.
બાળકને મિત્રો સાથે વાત કરવા દો કે મળવા દો. હા, જો કોઈ મિત્ર નકારાત્મક વાત કરતો હોય તો તેનાથી દૂર રાખો. બાળકની હાજરીમાં, રૂબરૂમાં કે ફોન પર અન્ય વ્યક્તિ સાથે વાત કરો ત્યારે બાળકની પરીક્ષાની ચર્ચા ના કરો. અંધશ્રદ્ધાનો આશરો ના લો, નાળિયેર વધેરવું કે ચૂંદડી ચઢાવવી કે કોઈ ભૂવા પાસે જવું કે ચાલતા મંદિરે જવું જેવી બાબતોથી દૂર રહો.
બાળક દબાણમાં હશે તો તેના વર્તનથી ખબર પડી જશે. જેમકે, ઘરમાં ઓછું બોલે, એકલો જ રૂમમાં રહેવું પસંદ કરે, બહાર મિત્રો કે સગાં સાથે વાત ના કરે. ઓછું ખાય વગેરે. જો બાળક આમ કરતું હોય તો તેની સાથે વધુ બેસો. તેને વધુ ને વધુ પ્રોત્સાહન આપો. પરીક્ષાની વધુ ચર્ચા ના કરો. જણાવો કે તેં ઘણી પરીક્ષા આપી છે. પરીક્ષા તો આવે ને જાય વગેરે, પણ ઘરમાં હળવું વાતાવરણ રહે એમ કરો.
બાળક બીમાર ના પડે તેનું ખાસ ધ્યાન રાખો. બને ત્યાં સુધી ટૂ વ્હીલર પર પરીક્ષા પૂર્વે બહાર જવા ના દો. બને ત્યાં સુધી સગાંસંબંધી બાળકને શુભેચ્છા આપવા આવે તો તેમને પ્રેમથી ના પાડો, કારણ કે તેઓ આવશે તો કલાક બે કલાક બેસશે. વણજોઈતી સલાહ આપશે. ક્યારેક તો નેગેટિવ ભાર ઊભો થાય તેવી વાત પણ કરશે. માટે જ સગાંસંબંધીને રૂબરૂ ના પાડો. ફોન પર પણ નહીં. તમે શુભેચ્છા સ્વીકારી લો અને સગાંને જણાવો કે હું એને કહી દઈશ વગેરે. અંતે બાળક પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવા કોઈ ખોટા રસ્તા ના અપનાવે તે ભારપૂર્વક જણાવો. બાળકને જણાવો કે ઓછા ટકા ચાલશે, પણ ચોરી કરીને વધુ ટકા સ્વીકાર્ય નથી.
અશોકી : ચોરી કરીને વધુ માર્ક્સ લાવશો તો ચોરી કર્યાનો અફસોસ આખી જિંદગી પરેશાન કરશે.
ઓફબીટ:દૃશ્યોની નજર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/view-of-the-scenery-134498380.html

‘ત મે બધાંના છો અને તમારું કોઈ નથી’ આવી શંકા જ્યારથી ઉદભવે ત્યારથી આપણે આપણાંથી દૂર થતાં જઈએ છીએ. આપણે બધાંના ત્યારે જ થઈ શકીએ જ્યારે આપણે આપણાં હોઈએ. ટેરવાં આંસુઓને ઝીલે છે ત્યારે એને ટાંકણી જેવું ચૂભે છે કે પછી ગુલાબની પાંખડીઓનો મૃદુ સ્પર્શ થાય છે. એના ઉપરથી સ્નેહનો સરવાળો કરવાનું શરૂ થતું હોય છે. એકાંત એને જ પ્રિય હોય જેને વારે વારે વાતે વાતે પોતે કેટલા મહાન છે એની સાબિતી આપવાની ટેવ ન હોય!
‘એકાંત’ એને જ પ્રિય હોય જેને સંગીત ગમતું હોય. સંગીત જેવા મિત્રો ગમતા હોય...! એકાંતનું પણ એક સંગીત છે. મૌન એનું ગીત છે, ધબકારા એનાં મંજીરા છે. આસપાસનું વાતાવરણ પ્રત્યેક ગતિવિધિ ઉપર ધ્યાન રાખવાનું ચૂકી જાય છે અને શરૂ થાય છે એકાંતનો રિયાઝ. રોમેરોમ ઝાકળ જેવું હળવું બની જાય છે.
એકાંત એટલે એકાએક આવીને ચાલ્યો ગયેલો સરહદ વગરનો આપણામાં જીવવા મથતો પ્રાંત. હું તમે અને આપણે બધાં જ જ્યાં ઓગળી જાય અને ધબકારાના લયની લીટી ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા કર્યા વગર આજને, અત્યારને અતિથિની જેમ ઊજવે... આપણે આપણા દોસ્ત થઈને જીવીએ એવો પ્રેમપ્રપાત સર્જાય ત્યારે જીવનનું ગીત કોઈનાયે વગર આપમેળે એની મસ્તીમાં ખુમારી સાથે રણકતું રહે છે.
સંબંધને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાથી ઘરની ઈલેક્ટ્રિસિટીથી ચાલતો સંબંધ ભાડે જનરેટર લાવીને મહામહેનતે અવાજો સાથે પ્રસંગ સાચવવા પૂરતો ન છૂટકે ટકાવવો પડે છે. એનાં કરતાં આશા-અપેક્ષા અને ઈચ્છા વગરનો સંબંધ જેને ત્રાજવામાં મૂક્યા વગર આંસુથી જોખી શકાય, હાસ્યથી મૂલવી શકાય એવા સંબંધમાં રચ્યાંપચ્યાં રહેવાનું કોને ન ગમે? બાજુની થાળીનો લાડવો મોટો લાગે છે વાત સાચી, કદાચ આપણાં નસીબમાં નાનો જ લાડવો આવ્યો હોય પણ એનાથી લાડવાના સ્વાદમાં ફેર પડે ખરો?
લાડવો નાનો હોય કે મોટો સ્વાદ તો જેણે બનાવ્યો છે એના ભાવમાં ભળેલો જ હોય છે. સંબંધનું પણ એવું છે. સંબંધ સરખામણીમાં નહીં પરંતુ બે વ્યક્તિનાં સરખાપણાંમાં માને છે. મળીએ ત્યારે છેલ્લે મળ્યાં હતાં ત્યારથી ફરીથી શરૂ થાય અને કારણનું ભારણ ન હોય, મમતાનું મારણ ન હોય, હૂંફની હૈયાધારણ હોય એ નામ પાડ્યા વગરનો સંબંધ છે.
માયૂસી છવાઈ જાય ત્યારે માસૂમ રહેતાં શીખવું જોઈએ. જાતને ઓળખતાં આવડી ગયા પછી નિરાધાર બનવાનું છોડી દેવું જોઈએ. કોઈના પણ નિરાધાર ન બનવું! આપણા પોતાના શરીરના પણ નહીં! નિરાધાર બનીએ છીએ ત્યારે જાણે-અજાણે આપણામાં કોઈક આપણા માટે કામ કરી આપશે– એવી આશા અને અપેક્ષા જન્મે છે. આળસ ઘર કરી જાય છે. આળસને ચંચળતા ગમતી નથી અને ચંચળતા ક્યારેય નવરી પડતી નથી.
ચંચળતામાં સક્રિયતા ઉમેરાય છે, ત્યારે આપણે આપણામાંથી જ અધ્ધર ઊઠવાની શરૂઆત કરીએ છીએ. અધ્ધર ઊઠવું એટલે એવા અવકાશનો અનુભવ કરવો જે પાંખોની કે આંખોની મોહતાજ નથી. શરીરને સુખ જોઈએ છે. આત્માને આનંદ જોઈએ છે. આ બંને વચ્ચે મનામણાં-રિસામણાં ચાલ્યાં જ કરે છે. દુઃખ સમાધાન કરાવવા જાય છે અને આપણે એની ઉપર અકળાઈ જઈએ છીએ. બધું જ તાત્કાલિક નક્કી થઈ જવું જોઈએ એવું આપણે નક્કી કરી લીધેલું છે.
સમય આપવો અને સમય માપવો એમાં જ આપણે રચ્યાંપચ્યાં છીએ. નવરાં બેસવાનો નુસખો અપનાવવા જેવો છે. બધાં જ ટેન્શનને કારણે મનથી વ્યસ્ત અને શરીરથી નવરાં છીએ. મન અને શરીર બંને નવરાં હોય એ સ્થિતિની સહજાવસ્થા અગરબત્તી કર્યા વગરની સુગંધ જેવી છે અદૃશ્ય ત્રાજવાથી તોલીને જીવનારા માણસોને અદૃશ્ય પીડાઓ જ મારે છે. મનને મારીને જીવવું અને મારી મચડીને જીવવું એ બંને વચ્ચે ખોટા ગુલાબને પાણીમાં તરતાં મૂકીને ઘરની શોભા વધારવા અને સાચા ગુલાબને છોડ પર ઊગેલાં જોઈને કામે વળગવા જેટલો ભેદ છે.
બારીમાંથી આવતો તડકો બારીમાંથી પવન લઈને આવે છે. પડદો એને રોકવાનો પ્રયત્ન નથી કરતો! આપણે પડદાને પવન રોકવા માટે માનીએ છીએ, તડકાને રોકવા માટે ટીંગાવીએ છીએ. કાપડમાંથી પડદો બને છે એટલે કે જાણે કાપડ મૃતઃપાય થઈ ગયું એમ સમજવા લાગીએ છીએ. અસ્સલમાં તો કાપડને કલરવ ફૂટે છે, પડદો બનવામાં! પડદો બન્યા પછી પવનમાં લહેરાય છે ત્યારે એ પવનને આજીજી કરે છે ખુલ્લા દિલે ઉડાડવા માટે... તડકાના અજવાળાનાં કપડાં પહેરાવવા માટે! ઑન ધ બીટ્સ
મુઝસે મિલને કો આપ આયે હૈં, બેઠિયે મૈં બુલા કર લાતા હૂં.
- જોન એલિયા
તવારીખની તેજછાયા:દલિત પેન્થર : પોતાના અધિકારો માટે લડતું એક વિદ્રોહી સંગઠન
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/dalit-panther-a-rebel-organization-fighting-for-their-rights-134498378.html

પ્રકાશ ન. શાહ પં ક્તિ દેસાઈની પહેલથી અમદાવાદમાં ‘નવજીવન’માં ગુજરાતમાં દલિત પેન્થર આસપાસ યોજાયેલી પ્રદર્શિની (જે હજુ 24મી ફેબ્રુઆરી સુધી ચાલુ છે) ગુજરાતના જાહેર જીવનની એક સમાંતર ધારાને જાણવા, સમજવા અને સંભારવાનો (બને કે સંકોરવાનો પણ) અવસર લઈને આવે છે.
આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે 1974ની 14મી એપ્રિલ ને આંબેડકર જયંતીનો જોગ સાધીને જે. વી. પવાર, રાજા ઢાલે, ભાઈ સંગારે અમદાવાદ આવ્યા હતા. એમનું આવવું ઐતિહાસિક હતું તે એ અર્થમાં કે 1972થી મુંબઈમાં જેનો સૂત્રપાત થઈ ગયો હતો તે ‘દલિત પેન્થર’નો નેજો લઈને એ આવ્યા હતા.
મૂળે પવાર અને નામદેવ ઢસાળે આરંભેલ દલિત પેન્થર ચળવળમાં તરતના ગાળામાં રાજા ઢાલે જોડાયા હતા અને જોતજોતામાં એણે મુંબઈમાં કાઠું કાઢવા માંડ્યું હતું. બ્રાહ્મણ નેતાઓ ને દલિત શાખાપ્રમુખો પર કાઠું કાઢી ગયેલ હિંદુત્વનિષ્ઠ શિવસેનામાંથી બહાર એક જુદી ભૂમિકાએ આવવા સારુ દલિત પેન્થર ચળવળે અચ્છું આકર્ષણ પૂરું પાડ્યું. કોંગ્રેસ સિવાયનું એક નવું હૂંફઠેકાણું પણ દલિત તરુણો માટે એ હોઈ શકતી હતી.
એની પૂંઠે એક જે વિશ્વસંદર્ભ કામ કરી રહ્યો હતો તે પણ લક્ષમાં લેવા જોગ છે. પવારે સંભાર્યું છે કે એમણે વિશ્વવિશ્રુત અમેરિકી અઠવાડિક ‘ટાઈમ’માં બ્લેક પેન્થર વિશે વાંચ્યું ત્યારથી એમને એક નવો વિકલ્પ આવી મળ્યાનો તીવ્ર ધક્કો લાગ્યો હતો. અમેરિકાની બ્લેક પેન્થર પાર્ટી, વંશીય અને આર્થિક ભેદભાવો અને ત્યાંના આફ્રિકી-અમેરિકી સમુદાયનો જે ઉત્કટ અજંપો હતો એમાંથી આવી હતી. પવાર અને મિત્રોને સ્વાભાવિક જ એમાં આપણે ત્યાંના દલિતોને માર્ગદર્શક થઈ પડે એવો એક પેરેલલ વરતાયો હતો.
આંબેડકરથી પ્રભાવિત પરિવર્તનવાંછુઓ માટે નાનામોટા ઝઘડા ને ગુટબંધીવાળી રિપબ્લિકન પાર્ટી કે પરંપરાગત કોંગ્રેસ રાજનીતિ અગર હિંદુવાદી શિવસેના સિવાયનું એક દ્વાર એનાથી ખૂલતું હતું. વીસમી સદી અધવચ અમેરિકામાં ખીલી આવેલી સિવિલ રાઈટ્સ ચળવળ તેમજ સાઠનાં વર્ષો ઊતરતે વિયેટનામ યુદ્ધના વ્યાપક સંદર્ભમાં અમેરિકી કેમ્પસો પર વરતાયેલો વ્યાપક છાત્ર ઉદ્રેક, આ બધું જેમ બીજે તેમ હિંદમાં પણ પહોંચું પહોંચું હતું અને એની છાલકે ભીંજ્યા પવાર વગેરે સારુ દલિત પેન્થર શી કોઈ રચના કદાચ દુર્નિવાર હતી.
યુવા અજંપાની વૈશ્વિક લહર ગુજરાતના છાત્ર સમુદાયમાં 1973 ઊતરતે ને 1974 બેસતે એની આગવી રીતે પ્રગટી, એને આપણે નવનિર્માણ આંદોલન તરીકે ઓળખીએ છીએ. છાત્ર ઉદ્રેક અને નાગરિક સંધાનનું એ પ્રગટીકરણ દેશની રાજનીતિમાં પરિવર્તનનું કારણ બની રહેનાર જેપી આંદોલન માટે જરૂર એક ઉદ્દીપક બળ હતું.
એપ્રિલ 1974માં પવાર, સંગારે અને ઢાલે અમદાવાદમાં આવ્યા ત્યારે પેન્થર ચળવળ માટે એમને મળી રહેલા વડા સાથી રમેશચંદ્ર પરમાર હતા જે રિપબ્લિકન પાર્ટીથી ખસી રહ્યા હતા. નારણ વોરા કે ઝડપથી નેવું નાબાદ તરફ જઈ રહેલા વાલજીભાઈ પટેલ અને બીજાં પણ નામો પેન્થર સહિતની દલિત હિલચાલ સંદર્ભે લઈ શકાય, જેમ કાળક્રમે ભાજપ ભણી ઢળેલ જ્યોતિકર પરિવાર આદિયે ધ્યાનાર્હ છે.
સહેજ પોરો ખાઈ આ લંબાયેલ પ્રસ્તાવનાને લગીર વળ ને આમળો આપી આપણે પાછા પંક્તિ દેસાઈ તરફ વળીએ.
અંગ્રેજીનાં આ આધ્યાપિકાનું એક પ્રમુખ શોધકાર્ય લઘુ સામયિકો અંગેનું છે. ‘સંજ્ઞા’ (1966-67), ‘ડ્રાઉ ડ્રાઉં’ (1968-70), ‘યાહોમ’ (1967-70), ‘સંદર્ભ’ (1968-70), ‘હું’ (1971-74), ‘આક્રોશ’ (1978થી) અને ‘કાળો સૂરજ’ (1978થી) વ. જોતાં, ખાસ કરીને પાછલાં બેના પરિચયથી પંક્તિ ખેંચાયાં હશે કે કેમ, પણ એમને ‘પેન્થર’ સામયિક અને પેન્થર ચળવળ બેઉમાં રસ જાગ્યો. આ લઘુ સામયિકો, એક રીતે, સ્થાપિત નહીં પણ સમાંતર ધારાના વાહક ને ઉદઘોષક હતાં.
‘પેન્થર’નું દાયિત્વ રમેશચંદ્ર પરમારનું હતું. મેં એમને પહેલવહેલા જોયાજાણ્યા તે જેપી આંદોલનના દિવસોમાં: ઓક્ટોબર 1974માં બિહાર આંદોલનના સમર્થનમાં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વમાં દિલ્હીમાં નાગરિક કૂચ યોજાઈ હતી. એને અંગેની અમદાવાદના કાર્યકરોની સભામાં રમેશચંદ્ર હાજર રહ્યા એટલું જ નહીં પણ બને એટલા વધુ મિત્રો દિલ્હી પહોંચે તે માટે ખરી દૂંટીની અપીલ પણ કરી હતી.
1981 અને 1985માં અનામતવિરોધી ઉત્પાતમાં નાગરિક દરમ્યાનગીરી માટે મારે ત્યાં યોજાયેલી એક બેઠકમાં એ સામેલ થયા હતા, બોડીગાર્ડ સમેતની એમની હાજરી એક જુદો જ અનુભવ હતો.
આ આંદોલનોમાં જે દલિત અસ્મિતાનો સાક્ષાત્કાર થયો એનો પ્રારંભિક ધક્કો આગલો દસકો ઊતરતે આવેલી અગનકૂલ શી પત્રિકા ‘આક્રોશ’માં પ્રકાશિત રચનાઓનો હતો. નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી વગેરે તે લઈને આવ્યા હતા. એક
👍1
અર્થમાં પેન્થર પ્રમુખ તરીકે એની પૂંઠે યોજકત્વ રમેશચંદ્રનું હશે એમ પણ તમે કહી શકો. વિદ્રોહનો અને ન્યાય માટેનો, રચના અને સંઘર્ષનો આ જે સ્વર એમાં ભાનુ અધ્વર્યુએ રુદ્રવીણાનો ઝંકાર નોંધ્યો હતો.
પ્રદર્શિનીના ઉદઘાટન પછીની અનૌપચારિક વાતચીતમાં જે. વી. પવારે આઈડેન્ટિટી પોલિટિક્સના અતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ક્યારેક પેન્થર પ્રકારની હિલચાલ સાથે હોઈ શકતા રામદાસ આઠવલેનાં તકવાદી જોડાણો બાબતે પણ એમની સમજ સાફ જણાતી હતી.
ગમે તેમ પણ, આ અવસર દલિત હિલચાલને ઝકઝોરે અને કથિત મુખ્ય ધારા અને સમાંતર પ્રવાહો વચ્ચે સંવાદનો સુયોગ સંપડાવે તો એથી રૂડું શું.
કે ટલાંક નગરો અને મહાનગરો કે પછી ગામડાંઓ પણ ઈતિહાસનું પાનું બનીને આવે છે. પંડિત સુંદરલાલનું બે ગ્રંથોમાં પ્રકાશિત પુસ્તક ‘ભારતમાં અંગ્રેજી રાજ’ અને વીર સાવરકરનું ‘1857નો સ્વાતંત્ર્ય સમર’ બંને ભારતીય ઇતિહાસના, ઈતિહાસને સાચી રીતે લખવાના પાયાના ગ્રંથો છે. છેક 1929માં ભારતમાં અંગ્રેજી રાજ પુસ્તક આવ્યું કે તુરંત બ્રિટિશ સરકારે પ્રતિબંધિત કર્યું.
તેનો ગુજરાતી અનુવાદ ભાસ્કરરાવ વિદ્વાંસે એ જ વર્ષમાં કર્યો અને ચતુર્ભુજ વિ. જસાણીએ કેન્દ્રીય પ્રદેશના ગોંદિયામાં પ્રકાશિત કર્યો હતો! કિંમત હતી બે ગ્રંથની સાથે મળીને સાડા અઢાર રૂપિયા! સાવરકરના પુસ્તકને તો છપાયા પહેલાં જ 1907માં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, જે તેમણે લંડનની ભૂમિ પર ઈન્ડિયા હાઉસમાં બેસીને લખ્યું હતું.
સત્તાવનના સંગ્રામને હતપ્રભ થઈ ચૂકેલા બ્રિટિશ સેનાપતિઓ અને લેખકોની નજરે ‘સિપાહીઓનો બળવો’, ‘ફીતુર’, ‘અસંતુષ્ટ રાજાઓ અને સામંતોનો પ્રયાસ’ તરીકે ગણવામાં આવ્યો અને તેવો ‘ઇતિહાસ’ ગુલામ ભારતના લોકો પર ઠોકી બેસાડવામાં આવ્યો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો. હજુ પણ કેટલાક વિદ્વાનો તેને વળગી રહ્યા છે, પણ અશોક મહેતા-અચ્યુત પટવર્ધનના પુસ્તક ‘હિન્દમાં કોમી ત્રિકોણ’માં જણાવાયું છે તેમ અઢીથી ત્રણ લાખ ભારતીયો આ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં હોમાયા, તે બધા કંઈ રાજાઓ કે સમાનતો કે સિપાહીઓ નહોતા, સામાન્ય પ્રજાજનો, સાધુઓ, ફકીરો પણ હતા.
ગુજરાતમાં સત્તાવન વિષેનો ઇતિહાસ સ્પષ્ટ બતાવે છે કે ખેડૂતો, ભીલો, વનવાસીઓ, નાયકો, મુસ્લિમો, પઠાણો, ખેતમજૂરો, સાધુ-સંતો, વાઘેરોએ લાંબા સમય સુધી આ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. સૈયદ મોહમ્મદ , નાથાજી કોળી, મહીકાંઠાના બારૈયા, કાનદાસ ઠાકોર, મગનલાલ વણિક, નિહાલચંદ ઝવેરી, પ્રાણશંકર હરગોવન, ખેમા કાળા ગૂગળી, દાજી ભગવાન, નારાયણ લક્ષ્મીરામ, પ્રભુરામ હરિભાઇ, હરિદાસ મથુરાદાસ, કાશીનાથ અનંત, લલ્લુ રણછોડ, મોતી વિક્રમ જાની, મુરલીધર બાપુજી, નારાયણ હેમચંદ્ર, ટોકરા સ્વામી, અનુપરામ જગજીવન, અંબાશંકર મહાસુખરામ, રામભટ્ટ, ગરબડદાસ મુખી, સૂરજમલ, રૂપા નાયક અને કેવળ નાયક, મલાજી જોશી, કૃષ્ણારામ દવે જોધા માણેક, બાપુ માણેક, મૂળૂ માણેક, ઝવેરભાઈ પટેલ, બિહારીદાસ દેસાઇ... આ લોકોએ સત્તાવનમાં ગુજરાતમાં વિપ્લવી નેતૃત્વ કર્યું હતું.
જે જગ્યાએથી સત્તાવનની ચિનગારી શરૂ થઈ તે બરાકપોર અને મેરઠ. હમણાં મેરઠ જવાનો મોકો મળ્યો અને કેન્ટોન્મેન્ટ સહિત બજારો અને ગલીઓમાં ઘૂમવાનું મળ્યું તો આ ઐતિહાસિક નગરની સાચી ઓળખ થઈ. મહાભારતમાં તે રાજધાની રહી. રાવણના શ્વસૂર મયદાનવની આ નગરી. મયદાનવ પછી મય રાષ્ટ્ર અને તેમાંથી મેરઠ! દ્રૌપદીની રસોઈ, મહાભારતનું લાક્ષાગૃહ, માત્ર પૌરાણિક નહિ, પુરાતત્ત્વની નજરે પણ મહત્ત્વનાં સ્થાનો ધરાવતું વર્તમાન મેરઠ દિલ્હીથી નજીક અને બનારસ જવાનો મુકામ. મોહમ્મદ ગઝનીથી તઇમુરલંગ સુધીનાં ભીષણ આક્રમણ અહીં થતાં રહ્યાં.
બે રેલવે સ્ટેશન સાથેના મેરઠનો સ્વર્ણ-કસબ, સંગીત વાદ્યો અને રમત-સામગ્રી માટે જગજાણીતું છે. જૈન ભાવિકો અહીંથી હસ્તિનાપુર તીર્થ જાય છે. ત્રીજા તીર્થંકર આદિનાથનું તપોસ્થાન છે. બરગંગા નદીના કિનારે એક સ્થાન છે દ્રૌપદીની રસોઈ. એક પાંડવ કિલ્લો પણ ખરો. અહીં ઓઘડનાથ દેવાલય છે કે જ્યાં શ્રદ્ધાળુઓની ભીડ ઊમટે છે, તેની પાછળ જ એક સ્મારક છે, 1857ના વીર વિપ્લવીઓની સ્મૃતિ વંદનાનું સ્થાન.
મેરઠમાં બ્રિટિશ સેનાની મોટી છાવણી હતી. સૈનિકો અને પ્રજાએ તારીખ તો દેશભરમાં નક્કી કરી રાખી હતી, પણ અહીં વિસ્ફોટક ઘટના બની. ‘કાળી પલટન’ના નામથી ઓળખાતી છાવણીમાં અશ્વારોહી ત્રીજી પલટનના સૈનિકોએ રાઈફલમાં કારતૂસો હતાં તેને લેવાનો સખત ઇનકાર કર્યો.
આ કારતૂસોમાં ગાયની ચરબીનો ઉપયોગ થતો હતો, તેનું મૂળ જે ફેક્ટરીમાં કારતૂસ તૈયાર થતાં હતાં તેની સૌને જાણ થઈ ગઈ હતી. તેનો ઉપયોગ કરવાનો ઇનકાર થયો. 90માંથી 85 ટુકડીને આને માટે કોર્ટ માર્શલ કરાયા, 10 વર્ષની સજા થઈ, સૈનિકી પોશાક છીનવી લેવામાં આવ્યા. મેરઠની પ્રજા ઊમટી પડી, શેષ સૈનિકોને મહિલાઓએ સંભળાવ્યું કે
તમારા બાંધવોએ બહાદુરી દાખવી, તેઓ જેલમાં છે ને તમે ચૂપ છો?
સૈનિકોને લાગી આવ્યું અને સત્તાવનની તારીખ આખા દેશમાં નક્કી થઈ હતી તેને બદલે વહેલા સંઘર્ષનો પ્રારંભ થયો. કેદી સૈનિકોને જેલ તોડીને છુટ્ટા કરાયા, એકલું મેરઠ નહિ, આસપાસનાં ગામડાં, આગ્રા, ઝાંસી, રાજસ્થાન, પંજાબ, દહેરાદૂન, મુરાદાબાદથી ગુર્જરો સમાચાર મળતાં ઊમટી પડ્યા. ધનસિંહ કોટવાલે નેતૃત્વ લીધું. સદર બજાર, કેન્ટ વિસ્તાર બધે આગ ફેલાઈ, વીણી વીણીને અંગ્રેજોનો વધ થયો. રાતે બે વાગે દિલ્હી તરફ જવા સૌ નીકળ્યા. નારો હતો, ‘દિલ્લી ચાલો!’ આ જ યુદ્ધ-નારો પછીથી 1943માં નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજની બર્મા મોરચેથી ભારત તરફની આગેકૂચ માટે પ્રયોજ્યો હતો, ‘ચલો દિલ્હી!’
2025/07/13 02:32:44
Back to Top
HTML Embed Code: