tgoop.com/manishsindhi/43166
Last Update:
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે "મેં મારું બનતું કર્યું" અથવા "મેં એમાં મારું હંડ્રેડ પર્સેન્ટ આપ્યું." કોઈ બાબતમાં શ્રેષ્ઠ આપવું એટલે શું?
ઘણા લોકો તેમાં બહુ મહેનત કરવી અથવા પૂરતો સમય આપવો તેને શ્રેષ્ઠ આપ્યું કહેતા હોય છે.
હંડ્રેડ પર્સેન્ટની આ અધૂરી વ્યાખ્યા છે. તેમાં વૈચારિક, ભાવનાત્મક, એકાગ્રતા અને શિસ્તનું પણ યોગદાન હોવું જરૂરી છે.
જે પ્રયત્નમાં આપણું સમગ્ર અસ્તિત્વ ડૂબેલું હોય, તો રાત પડે પથારીમાં આપણને એવા વિચાર ના આવે કે "ઓહ, મેં આમ કર્યું હોત તો સારું થાત કે તેમ કર્યું હોત તો આવું ના થાત." તમે જ્યારે પાછળથી "જો અને તો"ની ભાષામાં ના વિચારો, તો તેને હંડ્રેડ પર્સેન્ટ આપ્યું કહેવાય.
પરિણામ જે આવવું હોય તે આવે, તમને તમારા પ્રયત્નનો સંપૂર્ણ સંતોષ હોય.
"હંડ્રેડ પર્સેન્ટ પ્રયાસ"માં ૫ બાબતો સંકળાયેલી હોય છે:
જહેમત: તમે જે કામ કરતા હોવ અથવા જેમાં જે તે ક્ષણે સંલગ્ન હોવ, તેમાં તમારી પૂરી ઊર્જા આપો, એમાં અધકચરો કે ના-મનનો પ્રયાસ ના હોય.
એકાગ્રતા: કોઈ જાતના વિક્ષેપ વગર કશું કરવું. તે વખતે તમે બીજું બધું બાજુએ મૂકી દો, અને વૈચારિક તેમજ ભાવનાત્મક સ્તરે માત્ર વર્તમાન ક્ષણમાં જ હોવ.
પ્રતિબદ્ધતા: કોઈપણ અવરોધ વચ્ચે પણ દૃઢતા અને સાતત્ય જાળવી રાખવું. એમાં પાછા વળવાનો વિકલ્પ નથી હોતો.
ગુણવત્તા: મહેનત હોય, દાનત પણ હોય પરંતુ પ્રયાસમાં ભલીવાર ના હોય તેનો શો અર્થ? આપણે જે પણ કરતા હોઈએ, તેમાં આપણી સ્કિલ અને ક્ષમતા ઝલકવી જોઈએ.
ભાવનાત્મક લગાવ: કશું પણ કરીએ તેમાં પ્રમાણિક રુચિ હોવી જોઈએ. તેમાંથી જ પેશન અને ઊંડો લગાવ આવે છે.
*Happy Morning*
BY Manish Sindhi

Share with your friend now:
tgoop.com/manishsindhi/43166